આજે International Women’s Day છે, મને તો એ ખબર નથી પડતી કે આપણે એકજ દિવસ International Women’s Day તરીકે કેમ ઉજવીએ છીએ, આજના દિવસે નારીના માન-સન્માનની વાત કરવાની? બાકીના દિવસો ” जैसे थे “? જો આપણે સાચે Intrnational Women’s Day ની ઉજવણી કરવી હોય તો મહિલાને રોજબરોજ સામનો કરવી પડતી તકલીફો વિષે વાત કરીએ અને આપણે કઈ રીતે એ તકલીફો દૂર થાય અથવા ઓછી કરી શકીએ એ વિચારીએ તો જ સાચા અર્થમાં મહિલા દિવસ ની ઉજવણી થઇ કહેવાય. નારીશક્તિની વાત કરતા હોય ત્યારે તેને પડતી તકલીફોની વાત તો પહેલા કરવી જોઈએ.
यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता:।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफला: क्रिया:।
કોઈપણ સ્ત્રીને દીકરી જન્મે તો જરાપણ ડર ના લાગે એવું વાતાવરણ ઉભું કરવાની તાતી જરૂર છે. ડૉક્ટર/હોસ્પિટલ ઘણી વાર દીકરા દીકરી જન્મમાં અલગ ફી લે છે, દીકરો હોય તો વધુ, દીકરી હોય તો ઓછી, કેમ કે દીકરો કમાઈ ને આપવાનો છે, આ જ માનસિકતા દૂર કરવી જોઈએ. અહીંયા તો ઓછું જોવા મળે છે પણ નાના ગામડા અને બીજા રાજ્યોમાં દીકરીને સ્કુલ કૉલેજ મોકલવામાં માતાપિતાને ડર લાગે છે, એ ડર છે સમાજ શું કહેશે અને છેડતી થશે તો, છોકરા સમક્ષ ઉભી રહી શકશે? આપણે ડર દૂર કરીએ ત્યારે જ આપણે International Women’s Day યોગ્યરીતે ઉજવી શકીશું.

સ્કુલ કૉલેજ પત્યા પછી મહિલા નોકરી વ્યવસાયમાં જોડાય અથવા લગ્નગ્રંથિથી જોડાય. નોકરી વ્યવસાયમાં મહિલાને પુરુષ સમોવડી ગણવામાં નાનપ લાગે છે અથવા પુરુષ કર્મચારી મહિલા Boss નીચે કામ કરવાની ના પડી દે છે અને ત્યાં પણ મહિલાની છેડતીનું પ્રમાણ તો ખરું જ. અથવા દીકરીના લગ્ન થવાના હોય ત્યારે માતા-પિતાને સૌથી મોટી ચિંતા દહેજની હોય છે અને દહેજ આપી પણ દીધું પછી પણ દીકરીને બરાબર નહીં રાખે તો? વહુ બન્યા પછી તો મહિલાને એક કદમ પાછળ જ ચાલવાનું પછી ભલે ને એની બુદ્ધિક્ષમતા વધુ હોય! આપણે કદાચ હવે આ મુદ્દો એટલો જટિલ નહીં લાગતો હોય પરંતુ હજી પણ બીજા રાજ્યોમાં દહેજપ્રથા ઘણી પ્રચલિત છે એટલે જો માતાપિતા અને કુટુંબ માંથી આપણે દહેજ નો ડર દૂર કરી શકીએ તો આપણને International Women’s Day ઉજવવાની વધુ મજા આવશે.
થોડા સમય પહેલાનો એક કિસ્સો તમારી સાથે શેર કરવા માંગુ છું. અમારા પાડોશમાં રહેતો એક છોકરો પુણે Master’s Degree ભણવા માટે ગયો અને ત્યાં સાથે ભણતી બિહારની એક છોકરી સાથે તેને પ્રેમ થયો અને બંનેના માતા-પિતા માની ગયા એટલે વાત દહેજમાં શું એવું તેની થઇ તો આ ગુજરાતી પરિવારે ના પાડી કે અમારે દહેજ માં કઈ નથી જોઈતું તો દીકરીના પિતાના શબ્દો હતા – “તમે કાંઈ દહેજ માં ના લો તો અમારી દીકરી ને મારી નાખશો!” હવે આ ડર દરેક દીકરીના માતા-પિતામાંથી નીકાળી શકીએ ત્યારે વિશ્વ મહિલા દિવસ વધુ રૂડો લાગશે.
તમને ગમશે: ટ્રેનની વેઇટિંગ લીસ્ટની ટીકીટ ક્યારે કન્ફર્મ થશે તે જાણવું સરળ બનશે
આ બધી તકલીફો તો દૂર કરવી અઘરી છે પણ ઓછી તો જરૂર કરી શકીએ છીએ. આ એક વર્ષના ઓછા સમયગાળામાં મહિલા ને કરવી પડતી મુશ્કેલીઓ વિશેની બે બહુ સરસ મૂવી આવી, Toilet અને Padman. બંને ફિલ્મોમાં મહિલાને સામનો કરવો પડે છે એ મુશ્કેલીઓ વિષે ઊંડાઈથી વાત કરવામાં આવી છે.
આ બધાની સાથે-સાથે આજે થોડી ટકોર મહિલાઓ ને પણ કરવી છે, આપણે ત્યાં નોકરી કરતી મહિલાઓનું status થોડું ઊંચું ગણાવા લાગ્યું છે એટલે આ status મેળવાની ઘેલછામાં ઘણી મહિલાઓ કૂદી પડી છે. હું જાણું છું નોકરી કરવી એમાં કશું ખોટું નથી અને એનો વિરોધ પણ નથી કરતો. અરે, મહિલા જો થોડી આર્થીક મદદ કરી શકતી હોય તો એમાં વિરોધ કરવા કરતા હરખાવાની જરૂર છે. પણ હું ખાલી એટલું કહું છું સ્ટેટ્સ મેળવવાની લાલચમાં આ ન કરવું. મહિલા ઘરકામ કરતી હોય તો પણ તેને એટલા જ માન-સન્માનનો હક્ક છે.
દીકરા-દીકરીને સારા સંસ્કાર આપી મોટા કરવા એ શું નબળું કામ છે? અરે છોકરા છોકરી શાળામાં ગણિત વિજ્ઞાન ભણાવી શકશે પણ મુશ્કેલીઓનો સામનો હિમ્મતથી કરવો એતો માતા જ કરાવી શકે. મહિલાઓને status મેળવવા માટે કંઈ અલગ કરવાની જરૂર જ નથી, કારણ કે મહિલા જ શિવાજી અને રાણા પ્રતાપ કે પછી સરદાર પટેલને જન્મ આપી શકે છે!
હું ખાલી એટલું કહી વિરામ લઈશ આપણે International Women’s Day ની ઉજવણી આજના ભારતીય સમાજમાં મહિલાઓને જે કોઇપણ મુશ્કેલીઓ પડે છે તેને ઓછી કરવામાં તેને મદદ કરીને જરૂરથી કરી શકીએ.
स्त्री मूलं हि धर्मः । – મનુસ્મૃતિ
eછાપું