ભારત હવે વિશ્વનો સહુથી ગરીબ દેશ રહ્યો નથી – એક અભ્યાસનું તારણ

0
334
Photo Courtesy: saveafamilyplan.files.wordpress.com

આ વર્ષના મે મહિનામાં એક અજબ ઘટના બની. Brookings Blogમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર મે 2018 બાદ ભારત હવે વિશ્વનો સહુથી ગરીબ દેશ રહ્યો નથી. કદાચ આપણા મુખ્યધારાના મિડિયા માટે આ નાના પરંતુ અતિશય મહત્ત્વના સમાચારને હાઈલાઈટ કરવાની કોઈ ઈચ્છા ન હોય એવું લાગી રહ્યું છે, કારણકે જો એમ ન હોત તો દેશ માટે ગર્વ લઇ શકાય તેવી આ ઘટનાની ક્યાંય ચર્ચા કેમ ન જોવા મળી?

Photo Courtesy: saveafamilyplan.files.wordpress.com

ઉપરોક્ત અભ્યાસમાં એમ કહેવામાં આવ્યું છે કે ભારતમાં દર મિનિટે 44 લોકો ગરીબી અથવાતો અતિશય ગરીબ હોવાના લેબલની બહાર આવે છે. એટલે તમે જ્યારે આ લેખ વાંચવાનો પૂરો કરશો ત્યાં સુધીમાં લગભગ 100 જેટલા ભારતીયો ગરીબીની ચુંગાલમાંથી બહાર આવી ગયા હશે. આ અભ્યાસમાં ગરીબ હોવાની વ્યાખ્યા દિવસના 1.9 અમેરિકન ડોલર્સથી પણ ઓછી કમાણી કરનાર વ્યક્તિ (લગભગ દોઢસો રૂપિયા પ્રતિ દિવસ) તરીકે કરવામાં આવી છે. અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં ભારતમાં ગરીબી ઘટવાની ગતિ તેજ થઇ છે.

જો આ જ ગતિએ ભારતમાં ગરીબ કહેવાતા લોકોની સંખ્યા ઘટતી ચાલી તો પછી વર્ષ 2022 સુધીમાં દેશમાં માત્ર 3% લોકો જ ગરીબ રહી જશે અને 2030માં ભારતમાંથી ગરીબી સંપૂર્ણપણે નાબુદ થઇ જશે. હવે કદાચ તમને સવાલ એ થાય કે જો ભારત વિશ્વનો સહુથી ગરીબ દેશ નથી રહ્યો તો તેનું સ્થાન કોણે લીધું? Brookings Blogમાં હવે આ સ્થાન નાઇજીરીયાને આપવામાં આવ્યું છે અને જો આ જ રીતે ભારતમાંથી ગરીબી દૂર થતી રહી તો ભારતનું હાલનું સ્થાન પણ બહુ જલ્દીથી કોંગો નામનો અન્ય આફ્રિકન દેશ લઇ લેશે.

બેશક, ગરીબ હોવાની વ્યાખ્યા દરેક સંસ્થા પોતપોતાની રીતે કરતી હોય છે. Brookingsના પોતાના કેટલાક નિયમો હશે તો વર્લ્ડ બેન્ક જેવી સંસ્થા પોતાની રીતે ગરીબીની વ્યાખ્યા કરતી હોય છે. વર્લ્ડ બેન્ક દ્વારા પણ એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેના અનુસાર 2004 થી 2011 દરમ્યાન ભારતમાં અતિશય ગરીબી વેઠી રહ્યા હોય તેવા લોકોની ટકાવારી 38.9% થી ઘટીને 21.2% થઇ ગઈ છે. એટલે અહીં પણ અલગ માપદંડ સાથે પણ ભારતમાં છેલ્લા દાયકામાં ગરીબી તો ઘટી જ છે એ સાબિત થયું છે.

ભારતીય અર્થશાસ્ત્રીઓ પણ ઉપરોક્ત બંને પરિણામોથી સંતુષ્ઠ છે અને તેમના કહેવા અનુસાર 1991માં લાગુ પાડવામાં આવેલા આર્થિક સુધારાઓ આજની ગરીબી નિર્મૂલન અને ગરીબ કહી શકાય તેવા લોકોની સંખ્યા ઘટાડવાના પાયામાં છે. તેમનું એમ પણ માનવું છે કે આ આર્થિક સુધારાઓને હાલના સમયમાં જે રીતે ઓપ આપવામાં આવી રહ્યો છે તેનાથી આર્થિક વિકાસની ગતિ વધી છે, લોકોને રોજગારીની તકો વધુને વધુ મળતી થઇ છે અને આથીજ 2030 સુધીમાં સમગ્ર ભારતમાં એક પણ ગરીબ ન રહે તેનું લક્ષ્ય પાર જરૂરથી પાડી શકાય તેમ છે.

પરંતુ, આમ થવા માટે એકમાત્ર શરત એ જ છે કે ભારતે સતત 7% થી 8% નો વિકાસદર નોંધવો પડે, જે હાલમાં છેલ્લા બે ત્રિમાસિક ગાળામાં આપણે મેળવી શક્યા છીએ.

eછાપું

તમને ગમશે: આ લે લે…આને તે કાંઈ Break Up કહેવાય…!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here