ગમે તે કહો પણ ફરાળી વાનગીઓની મજાજ કઈ અલગ છે

0
75

ઘણીવાર તમને એવો વિચાર આવતો હશે કે આ ફરાળી વાનગીઓ અમુક દિવસે જ કેમ ખવાતી હશે? કહે છે કે જીવનની એકસરખી ઘટમાળથી બચવા અને પોતાને સૌથી વધુ અક્કલ ધરાવતા પ્રાણી તરીકે સાબિત કરવા માનવીએ તેની જિંદગીમાં તહેવારના દિવસો ગોઠવી દીધા. હવે બધા તહેવારને એક મોજ મસ્તીનો માહોલ આપી દઈએ તો નવી પેઢી પાસે ધર્મનું શું જ્ઞાન રહે?

આવું કદાચ એ વખતે કોઈક એ વિચાર્યું હશે, એટલે જ ઘણા ખરા તહેવારોની ભેગા એને લગતા વ્રત કે ઉપવાસ પણ આવી જ જાય છે. જે એક રીતે સારું છે. ફક્ત ધાર્મિક જ નહીં પણ આરોગ્યની રીતે વિચારીએ તો જે હાથમાં આવ્યું તે પેટમાં ગયું જેવી આપણી મેન્ટાલીટી, તહેવારની મજાને સજામાં બદલી શકે છે. પરિણામે આ વ્રત કે ઉપવાસથી આપણે એ સજામાંથી બચી શકીએ છીએ.

આમ પણ અત્યારના હવામાનને અને આજુબાજુ રોજ ઉઠી રહેલા નવા નવા રોગોને જોઈને લાગે કે હા, ખરેખર ઉપવાસની જરૂર તો છે. પણ પછી મારા જેવા લોકો કે જે ખાવા માટે જીવે છે એને માટે ઉપવાસ એક બહુ દુઃખદાયી સમય બની જાય છે. એટલે જાત જાતના ફરાળી વ્યંજનથી ખાલી કરવા ખાતર ઉપવાસ કરીએ છીએ.

હવે જેને રૂટીન ઘરેડ થી છૂટવું હોય એ તો આમ પણ રોજીંદા ચીલાચાલુ ભોજનથી છુટકારો મેળવવા ઈચ્છે છે, એમાં પણ જો સળંગ બે દિવસથી વધારે ફરાળી ખાવાનો – એટલે કે બીજા શબ્દોમાં ઉપવાસ કરવાનો – વારો આવે એને બીજે દિવસે બપોરથી જ રાજગરાની પૂરી અને સાબુદાણાની ખીચડીથી દૂર ભાગવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. સો, આ શ્રાવણનાં છેલ્લા દિવસોમાં કંઇક નવું થઇ જાય? હા, ફૂડ મૂડમાં આ વખતે જોઈશું અવનવી ફરાળી વાનગી, ખાસ કરીને જેમને ગુજરાતી ઘરોમાં બનતી રૂટીન ફરાળી વાનગીઓથી છૂટવું છે એ લોકો માટે!

 

સ્વીટ પટેટો એન્ડ વોલનટ સૂપ (ફરાળી)

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

 • 1 ½ કપ શક્કરિયું – છોલીને ટુકડા કરેલ
 • 4-5 કપ પાણી
 • 1 ટેસ્પૂન ઘી
 • 1 તજ
 • 3-4 લવિંગ
 • 1 કપ ક્રશ્ડ અખરોટ
 • 1 ટેસ્પૂન લીલા મરચાની પેસ્ટ (અથવા સ્વાદ મુજબ)
 • મીઠું, કાળા મરી સ્વાદ મુજબ
 • સજાવટ માટે તાજું ક્રીમ

 

રીત:

 1. એક પેનમાં આશરે બે કપ પાણી લો અને તેને ઉકળવા દો.
 2. તેમાં શક્કરીયાના ટુકડા નાખો અને તે નરમ થાય ત્યાંસુધી તેને પકવો.
 3. શક્કરિયું નરમ થાય એટલે પેનને ગેસ પરથી હટાવી થાળું પાડવા ડો.
 4. શક્કારીયાને પાણી સાથે ફૂડ પ્રોસેસરમાં નાખીને તેની એક સ્મૂધ પેસ્ટ બનાવી લો.
 5. હવે એ જ પેનમાં ઘી ગરમ કરો, ઘી ગરમ થાય એટલે તેમાં તાજ અને લવિંગ નાખી તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી સાંતળો.
 6. તેમાં શક્કરીયાની પ્યુરી અને બાકીના બે કપ પાણી ઉમેરો.
 7. મીઠું, મરી અને મરચું ઉમેરી બરાબર હલાવો.
 8. મિશ્રણ ઉકાળવા લાગે એટલે તેમાં અખરોટ ઉમેરી ધીમા તાપે, જોઈતા પ્રમાણમાં ઘટ્ટ થાય ત્યાંસુધી ખદખદવા દો.
 9. તાજા ક્રીમથી સજાવીને ગરમાગરમ પીરસો.

આલુ કે કોફ્તે (ફરાળી)

સામગ્રી:

 • 3 મધ્યમ કદના બટાટા છોલી, બાફી ને છૂંદેલા
 • 1 ટેસ્પૂન અરારૂટ
 • 1 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ
 • મિક્સ ડ્રાયફ્રુટ, જરૂર મુજબ (કાજુ, અખરોટ, કિશમિશ વગેરે, સમારેલા)
 • સ્વાદ મુજબ મીઠું
 • કોફતાને તળવા માટે તેલ
 • પીરસવા માટે દહીં

 

રીત:

 1. એક બાઉલમાં કાજુ અને તેલ સિવાય બધી સામગ્રી ભેગી કરો.
 2. ખૂબ સારી રીતે મિક્સ કરી એ મિશ્રણમાંથી માધ્યમ આકારનો બોલ તૈયાર કરો, આ બોલ ને વચ્ચેથી થોડો ચપટો કરી તેમાં ડ્રાયફ્રુટનું મિશ્રણ ભરી તેને બરાબર સીલ કરી દો. બધા જ કોફતા આ રીતે તૈયાર કરો.
 3. હવે એક પેનમાં તેલ ગરમ કરી કોફતા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
 4. કોફતાને દહીં સાથે પીરસો.

 

સાબુદાણા થાળીપીઠ (ફરાળી)

સામગ્રી:

 • 2/3 કપ સાબુદાણા
 • 2 મધ્યમ સાઈઝના બટાકા, બાફી, છોલીને છૂંદેલા
 • 4 ટેબલસ્પૂન શેકીને ખાંડેલી મગફળી/શીંગ
 • ½ ટેબલસ્પૂન લીલા મરચાની પેસ્ટ
 • 1 ટીસ્પૂન લીંબુનો રસ
 • ચપટી ખાંડ
 • મીઠું સ્વાદમુજબ
 • શેકવા માટે તેલ અથવા ઘી, જરૂર મુજબ

રીત:

 1. સાબુદાણાને જરૂર જેટલા પાણીમાં આખી રાત પલાળી રાખો.
 2. સવારે પાણી નીતારી, તેની ભીનાશ ઓછી થાય એટલે તેમાં બટાકાનો માવો અને અન્ય સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરો.
 3. હવે તમારા હાથ પર સહેજ તેલ કે ઘી લગાવી તૈયાર માવામાંથી એક લુઓ લો.
 4. હાથથી લુઆને સહેજ થેપીને રોટલી જેવો આકાર આપો.
 5. એક નોન-સ્ટીક પેનને બરાબર ગરમ કરી, તેના પર થોડું તેલ કે ઘી લગાવી, ઠેપેલી થાળીપીઠને તેના પર મૂકો.
 6. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાંસુધી શેકી લો.
 7. થાળીપીઠને દહીં સાથે સર્વ કરો.

eછાપું

તમને ગમશે: ઇટાલિયન ફૂડ એટલે પિત્ઝા અને પાસ્તા સાથે સ્વાદની એક અનોખી યાત્રા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here