બધાઈ હો – છેવટે તો પરિવાર જ પરિવારના કામે આવતું હોય છે

0
185
Photo Courtesy: freepressjournal.in

બધાઈ હો, ખરેખરતો હિન્દી ફિલ્મોના રસિયાઓએ આ એકબીજાને કહેવું પડે એવી સુંદર ફિલ્મ આપણી સામે આવી છે. ફિલ્મો મનોરંજનનું અતિશય મહત્ત્વનું સાધન ખરું, પરંતુ મનોરંજનની સાથે નાનકડો સંદેશ પણ મળી જાય તો મજા પડી જાય કે નહીં? બસ આ જ ભાવનાને આપણે કાયમ બોલિસોફીમાં વ્યક્ત કરીએ છીએ અને એટલેજ આ વખતે કોઈ જૂની નહીં પરંતુ સાવ તાજેતાજી હિન્દી ફિલ્મમાં આપવામાં આવેલા સંદેશાનું આપણે વિશ્લેષણ કરીશું.

Photo Courtesy: freepressjournal.in

બધાઈ હો ફિલ્મ જો તમે જોઈ ન હોય તો કૃપયા ફિલ્મ જોઇને આર્ટીકલ વાંચવા પરત આવશો કારણકે આ આર્ટીકલમાં કેટલાક સ્પોઈલર્સ આપવામાં આવ્યા છે જે કદાચ ફિલ્મ જોતી વખતે તમારી મજા બગાડી શકે તેમ છે. તો બાકીના વાચકો જેમણે આ ફિલ્મ જોઈ લીધી છે એમની સાથે આપણે આગળ વધીએ?

બધાઈ હો ની વાર્તા સરળ છે અને એટલીજ સરળ એની ટ્રીટમેન્ટ પણ છે. જ્યારે પોતાના લગ્નની વાત ચાલવાની શરુ થવાની હોય ત્યારે જો માતા પિતા જ બાળકને જન્મ આપવાની હકીકત સામે આવે તો ભલભલાને ગુસ્સો આવી જ જાય. આ જ ગુસ્સો ફિલ્મમાં નકુલને આવે છે. તો સામે પક્ષે પ્રેમની કોઈ એક પળમાં પૂરતું ધ્યાન ન રાખવાને લીધે ગર્ભધારણ થવાને લીધે પચાસની ઉંમરની નજીક પહોંચી ગયેલા માતાપિતા પણ શરમજનક પરિસ્થિતિ અનુભવતા હોય છે.

સંસ્કાર અને મનની વિરુદ્ધ ન જતા બાળકને જન્મ આપવાનો નિર્ણય જ્યારે  માતાપિતા લઇ જ લે છે ત્યારે તેમના સંતાનો માટે તો કફોડી પરીસ્થિતિ ઉભી થાય જ છે પરંતુ આગળની પેઢી એટલેકે દાદીને પણ ગુસ્સો આવે છે. જરા વિચારો તો ખરા કે આવું આપણા ઘરમાં થાય તો? આપણું રિએક્શન શું હશે એ આપણે બધા આપણા મનમાં જ સમજી શકીએ છીએ રાઈટ?

જ્યારે કુટુંબીઓનો કોઈ નિર્ણય કે કુટુંબમાં ઉભી થયેલી કોઇપણ પરીસ્થિતિ આપણને ગમતી ન હોય તો આપણો આક્રોશ આપણા કુટુંબીજનો પર જ તૂટી પડતો હોય છે. ઘણીવાર તો એવું બનતું હોય છે કે આપણા કુટુંબમાં ઉભી થયેલી પરિસ્થિતિ અંગે તેમના પર આપણે જ્યારે ગુસ્સો કરતા હોઈએ છીએ ત્યારે આપણને કુટુંબથી બહારના લોકો વધારે વ્હાલા લાગતા હોય છે.

ઘણીવાર આ અન્ય લોકો કોઇપણ મલીન ઈરાદા વગર જ આપણા ટેકામાં હોય છે પરંતુ એમનું પણ કુટુંબ હોય છે જે એમનો ફાયદો પહેલા જોતું હોય છે. આથી આપણને ટેકો કરનાર વ્યક્તિ આપણને ખુલ્લેદીલે સપોર્ટ ન કરે એવું પણ બને. પરંતુ જ્યારે કોઈ બહારના વ્યક્તિ દ્વારા આપણા કુટુંબને કે કોઈ કુટુંબીનું અપમાન કરવામાં આવે ત્યારે એ પળ આવે છે કે આપણને આપણા કુટુંબની મહત્તા સમજાય છે.

પેલું કહેવાય છે ને કે blood is thicker than water? બસ એવું જ. લોહી પોકારી ઉઠે છે અને આપણને સમજાય છે કે ઘણીવાર આપણા માતાપિતા કે પછી અન્ય કુટુંબીઓ દ્વારા લેવામાં આવેલો નિર્ણય સાચો હતો ભલે આપણને એ ન ગમ્યો હોય અથવાતો આપણને એ નિર્ણય નડતો હોય. તો સામે પક્ષે જ્યારે અન્યો સળી ભાંગીને કટકો પણ ન કરતા હોય તો પણ આપણા જ કુટુંબીજનને સલાહ આપતા હોય અથવાતો ટોણો મારતા હોય ત્યારે પણ પેલું લોહી ઉકળી જતું હોય છે.

લાગતું વળગતું: પિયા કા ઘર – જ્યારે ‘પિયાનું ઘર’ નાનકડું હોય ત્યારે પ્રેમ કેમ થાય ગોપાલા?

ફિલ્મમાં નકુલની ગર્લફ્રેન્ડની માતા, અફકોર્સ એમના હાઈ સ્ટેટ્સ અનુસાર નકુલનું પરિવાર ન હોવાને લીધે નકુલ સાથે કોઈ મુદ્દે બાખડી પડે છે ત્યારે નકુલને એના પરિવારની મહત્તા સમજાય છે અને ત્યાં મેરઠમાં દાદી જ્યારે પોતાની મોટી પુત્રવધુ પાસેથી નાની પુત્રવધુ અને પુત્રી, પ્રિયમવદા જે પ્રેગનન્ટ છે તેની પ્રેગનન્સી અંગેની ટીકા સાંભળીને ગુસ્સે થઇ જાય છે અને અત્યારસુધીમાં પ્રિયમવદાએ તેની ગોળીના સમયનું જ ધ્યાન નથી રાખ્યું પરંતુ જ્યારે હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેણે જે એના ઝાડો-પેશાબ સાફ કર્યા હતા એવું ગર્વથી કહે છે.

આ બધું થયા બાદ જ નકુલ, દાદી અને બાકીનો સમગ્ર પરિવાર એકબીજાની નજીક આવે છે અને ઘરમાં નવો મહેમાન આવવાનો છે એ હકીકતને છેવટે આનંદથી સ્વીકારે છે.

ટૂંકમાં બધાઈ હો બે સંદેશ આપે છે. એક તો એ કે જ્યારે પરિવાર અંગે બહારની વ્યક્તિ ખોટી ટીકા કરે અથવાતો પરિવાર પર શાબ્દિક હુમલો કરે ત્યારે આપણને આપણા પરિવાર અને પરિવારજનોની મહત્તા સમજાય છે કારણકે આપણે તેમની સાથે ચોવીસ કલાક રહેતા હોઈએ છીએ. બીજો સંદેશ એ કે, જ્યારે આપણે તકલીફમાં હોઈએ છીએ ત્યારે પરિવાર જ પરિવારના કામમાં આવતું હોય છે.

તમેજ વિચાર કરો કે જ્યારે તમે અતિશય સ્ટ્રેસમાં હોવ છો અને મનમાં ને મનમાં કોઈ બાબતે મુંજાવ છો ત્યારે કદાચ તમને પહેલી મદદ મિત્રની નહીં પરંતુ પરિવારની લેવાનો જ વિચાર આવે છે અને મોટેભાગે એમની સાથે જ તે શેર કરતા હોવ છો. કેમ? કારણ સ્પષ્ટ છે જે આગળ કહ્યું એમ કે લોહી એ પાણી કરતા જાડું હોય છે.

લાગણીના સંબંધો આવા જ હોય છે. જેની સાથે આપણે ચોવીસ કલાક રહીએ તેની સાથે એક મજબૂત લાગણીનું બંધન બંધાઈ જતું હોય છે તે એક ખાસ સમયેજ તેની મજબુતાઈ દેખાડતું હોય છે. નહીં તો જે દાદાદાદી કે માતાપિતાનું સતત ટોકવું આપણને ઇરીટેટ કરતું હોય એમના પર કોઈ તકલીફ આવી પડે કે પછી એ બીમાર પડે ત્યારે આપણે કેવા એમની આગળ પાછળ થવા લાગતા હોઈએ છીએ?

આપણે જેના માટે લગભગ આઠસો શબ્દો વાંચી ગયા એ જ વાત બધાઈ હો માં કહેવામાં આવી છે અને એ પણ હસતાંહસતાં. આ માટે આ ફિલ્મ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ બધાઈ હો ના પાત્ર છે.

eછાપું

તમને ગમશે: ભારતમાં ‘એક રાષ્ટ્ર, એક ટેક્સ’ની જેમ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની શક્યતાઓ કેટલી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here