ભિખારીઓ અંગે આંખ ઉઘાડતી લઘુકથા: રેખાબેન અને એક ભિખારણ

2
295
Photo Courtesy: sarahhazel.blogspot.com

“ઓ બેન કઈક આપો ને! ભગવાન તમને સુખી રાખશે!” એક ભિખારી જેવી લાગતી બાઈ રેખાબેનને કહી રહી હતી પણ રેખાબેન તેનું  સાંભળ્યું ન સાંભળ્યું કરીને ત્યાંથી ચાલતી પકડી ગયા. “કોણ જાણે ક્યાંથી આવતા હોય છે આવા લોકો? બસ મફતનું માંગીને ખાવું જ છે! આવી ભીખુ માંગવી એના કરતા કામધંધો કરતા હોય તો!!” આવું સ્વગત બોલતા બોલતા તે ત્યાંથી નીકળી ગયા.

રેખાબેનને ભીખારીઓથી બહુ ચીડ છે. ખોટે ખોટા દયામણા મોં કરીને આપણી જેવા સીધાસાદા લોકોને બેવકૂફ બનાવી જાય છે આ લોકો. આવું રેખાબેન માનતા હતા અને આવું માનવા માટે તેમનો પણ કઈ જ વાંક ન હતો. એકવાર ખરેખર જરૂરિયાત છે એમ માનીને એમણે કોઈની મદદ કરી હતી અને ભયંકર રીતે છેતરાયા હતા. એ માણસે પણ આવી જ રીતે દયામણા બનીને તેમને બેવકૂફ બનાવ્યા હતા. બસ ત્યારથી જ તેમને ભીખારીઓ પ્રત્યે બહુ ચીડ હતી. એ ઘટના બાદ તેઓ ક્યારેય પણ કોઈની મદદ કરતા ન હતા. બધા ઢોંગી જ હોય એવું એમને લાગતું હતું અને આજે? જયારે ઓફિસની બહાર ઉભેલી પેલી બાઈને જોઈ ત્યારે એમને એજ વિચાર આવ્યો.

એક બાઈ લગભગ લઘરવઘર જ જોઈ લો આમ તો ભિખારી જેવી જ લાગતી એ બાઈ રેખાબેનની ઓફિસની બહાર રસ્તા પર ફૂટપાથની બાજુમાં ખૂણામાં ઉભી હતી. એના ચેહરા પર પણ દયામણા ભાવ હતા અને તેની કાંઘમાં લગભગ બે વર્ષનું અને બાજુમાં પાંચ વર્ષનું બાળક હતું. હમણાં બહાર નીકળીશ એટલે એ જ પેલું કઈક આપો, કેટલા દિવસથી કઈ ખાધું નથી એવું બધું કહેશે પણ આ વખતે તો હું સંભળાવી જ દઈશ કે તમારો લોકોનો તો આ જ ધંધો છે, ભીખ માંગવી બીજું તો કઈ કરવું નથી! રેખાબેને વિચાર્યું અને જયારે તેઓ ઓફીસમાંથી છુટીને બહાર નીકળ્યા ત્યારે ખરેખર એ બાઈએ એમને ઉભા રાખ્યા અને બસ પત્યું રેખાબેનનો મગજ ગયો!!

“તમને લોકોને ભીખ માંગવા સિવાય બીજો કઈ કામધંધો છે કે નહીં? આ આવા નાના છોકરાઓ લઈને આવો છે અને દયામણા મોઢાં કરીને લોકોને લૂટો છો તે શરમ નથી આવતી? ચાલી જ નીકળ્યા છો એના  કરતા કઈક કામ ધંધો કરો.” રેખાબેન મોટેથી પેલી બાઈને ધમકાવતા બોલ્યા અને તેમનો જરા મોટો અવાજ સાંભળીને આજુ બાજુના લોકો પણ ત્યાં જોતા જોતા જતા હતા. પેલી બાઈ તો રડમસ જ થઈ ગઈ. માંડ માંડ એટલું  જ બોલી શકી. “બેન! હું કઈ ભિખારણ નથી. આ તો બપોરના અહીતહી ભટકીને છોકરાઓ ભૂખ્યા થયા હતા એટલે મજબૂરીમાં હાથ લંબાઈ ગયો! બાકી બેન અમે કઈ ભિખારી નથી.” એટલું બોલતા તો તે રડવા જ લાગી.

લાગતું વળગતું: પિત્ઝા નો ટુકડો – સિક્યોરીટી ગાર્ડના જીવનના સંઘર્ષ પર મીઠડી લઘુકથા

એના અવાજની સચ્ચાઈ હતી કે તેના સાચા આંસુ! રેખાબેન નરમ પડ્યા. અને પેલી બાઈ તો બોલે જ જતી હતી.. “અમે છેક કચ્છ બાજુના ગામમાંથી આવ્યા છીએ અહી કમાવા. બે દિવસ થઈ ગયા પણ મારા ધણીને ક્યાંય કામ મળતું નથી. અમારી પાસે હતા એ બધા રૂપિયા વપરાય ગયા. આજે પણ મારા ધણી ક્યાંક કામ ગોતવા ગયા છે તે સાંજ પડ્યે હજી પાછા નથી આવ્યા અને છોકરાઓ ક્યારના ભૂખના કારણે ઘાંઘા થયા છે એટલે મારે કમને હાથ લંબાવો પડ્યો. ભીખ માંગવી તો મનેય નથી ગમતી બેન એટલે અહિયાં ઉભી છું કે કોઈક કઈક થોડુક કામ મળી જાય તો છોકરાઓને કઈક ખવરાવું પણ કોઈએ કામ ન આપ્યું એટલે તમારી આગળ મજબુરીમાં હાથ લંબાવો પડ્યો બેન!” પેલી બાઈ રડતા રડતા બોલી રહી હતી અને એ બાઈને રડતા જોઇને તેના છોકરાઓ પણ રડવા લાગ્યા હતા.

એ બાઈના અવાજનો રણકો અને સચ્ચાઈ  રેખાબેનને સ્પર્શી ગયા અને તેમણે ભોઠા પડ્યા. એ બાઈની વાત તેમને છેક અંદર સુધી સ્પર્શી ગઈ એટલે તેમનાથી બોલાઇ ગયું… “હશે બેન.હું જરા વધુ બોલી ગઈ…આ લે રૂપિયા, તારા છોકરાને કઈક ખવરાવી દેજે. પેલી બાઈએ ડોકું ધુણાવ્યું… “ના બેન મારે ભીખ નથી જોતી.” “અરે ભીખ નથી આપતી! તને તારા કામ માટે advance એટલે કે અગાઉથી પગાર આપું છું.” એમ કહીને રેખાબેને ૫૦૦ની નોટ હાથ માં મૂકી. કાલે તારા વરને લઈને અહિયાં જ મને મળજે. અમારા ઘરની બાજુમાં બિલ્ડીંગ ચણવાનું કામ ચાલે છે ત્યાં હું તેને કામ આપવી દહીશ અને તું કાલથી અમારી આ સામે ઓફીસ છે ને ત્યાં આવજે, ત્યાં અમારે એક કામવાળીની જરૂર છે જ  આ તેનો જ પગાર મેં તને અગાઉ થી આપ્યો છે. તારો પગાર આવે ત્યારે પાછા આપી દેજે બસ? ભીખ નથી આપી સમજી? અને મને માફ કરજે. એટલું બોલીને રેખાબેન પેલી બાઈની સામે પણ જોયા વિના ત્યાંથી ચાલી નીકળ્યા.

હવે તેમને સમજાઇ ગયું હતું કે દરેક લોકો સરખા નથી હોતા. કોઈક આવા લોકો પણ હોય છે જેની કઈક મજબૂરી હોય છે. હવે રેખાબેન ભીખારીઓને જોઇને ચીડાતા નથી પણ તેમને કામ અપાવીને સ્વમાનનું જીવન જીવવામાં મદદ કરે છે. આ માટે તેમણે સોસાયટીમાં એક નાનકડી મંડળી પણ બનાવી છે જે એક કે બીજી રીતે આવા લોકોની મદદ કરે છે

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

 તમને ગમશે: Nivya Navora (Rizla Khan) ની ભારતીય સમાજ પર પડેલી અસરો

 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here