ભારતને એકસૂત્રે બાંધનારા સરદાર વલ્લભભાઇ પટેલને યોગ્ય અંજલિ અર્પણ કરતું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારે વિરોધ પક્ષોએ તેને ખોટા ખર્ચ કહીને તેની ટીકા કરી હતી. ખરેખર તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એ લોહપુરુષને અત્યારસુધી જે યોગ્ય સન્માન નથી મળ્યું તે હજી પણ વર્ષો સુધી ન મળે તેના પ્રયાસો કરનારાઓનું મોઢું બંધ કરવા માટે પૂરતી સામગ્રી પૂરી પાડે છે.

હજી ઓછું હોય તેમ તેના અનાવરણના એક મહિનામાં આ સ્થળની મુલાકાતે આવનારા મુલાકાતીઓની સંખ્યા પર નજર નાખીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટીકાકારોની ટીકા તેમજ બિનજરૂરી દલીલો ખુલ્લી પડી જાય છે. આ વર્ષે 31 ઓક્ટોબરે ઉદ્ઘાટન થયા બાદના એક મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે લાખો લોકો આવી ગયા છે. ખાસકરીને દિવાળીની રજાઓમાં આ સ્થળ પર મુલાકાતીઓનો અભૂતપૂર્વ ધસારો નોંધવામાં આવ્યો છે.
ગુજરાત પ્રવાસનના અધિકારીઓની વાત માનીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ને લીધે દર વર્ષે ગુજરાતની મુલાકાત લેવા આવનારાઓ પ્રવાસીઓની સંખ્યા 2.5 કરોડ થશે અને 2020 સુધીમાં આ સંખ્યા 7.5 કરોડ સુધી પહોંચવાની શક્યતાઓ છે!
સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવનારા મુલાકાતીઓની સંખ્યા પ્રથમ મહિનામાં 2.79 લાખ રહી હતી અને તેની ટિકિટના વેચાણ દ્વારા થયેલી આવકનો આંકડો રૂ. 6.38 કરોડ પહોંચ્યો છે. ગુજરાત ટુરિઝમના અધિકારીઓના કહેવા અનુસાર ગીર, સોમનાથ, કચ્છના સફેદ રણ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતનો પ્રવાસ કરવા માટે દેશી-વિદેશી સહેલાણીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
લાગતું વળગતું: સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટન પ્રસંગે વલ્લભભાઇ અને બાપુ કેમ હસ્યા હતા? |
આ તો વાત થઇ આંકડાઓની, પરંતુ સરદારના સ્ટેચ્યુ પાછળ થયેલા ખર્ચને બદલે એ રકમ જો ગરીબોના ઉદ્ધાર માટે વાપરવામાં આવી હોત તો વધુ યોગ્ય રહેત એવું કહેનારાઓ માટે પણ પ્રથમ મહિનાની આવકનો આંકડો જો કોઈ સંકેત હોય તો તેમણે હવે પોતાના વિરોધના વાવટા સંકેલી લેવાનો સમય આવી ગયો છે એમ ચોક્કસ કહી શકાય.
જો અંદાજ અનુસાર આવનારા બે વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારાઓની સંખ્યા 7.5 કરોડ સુધી પહોંચી જવાની હોય તો માત્ર ટિકીટોના વેચાણ દ્વારા દર વર્ષે કેટલી આવક થશે એ આ વિરોધી વાવટા ફરકાવનારાઓ એ કેલ્ક્યુલેટર લઈને ગણતરી કરી લેવી જોઈએ.
અસંખ્ય નાના મોટા રજવાડાઓને એક કરીને ભારતને દેશનું સ્વરૂપ આપનારા સરદાર વલ્લભભાઇને અંજલિ આપતું સ્ટેચ્યુ બનાવવા પાછળ થયેલો ખર્ચ કે પછી હવે થનારી આવક એ ખરેખર તો ચર્ચાનો મુદ્દો હોવો જ ન જોઈએ, પરંતુ તમે કરી ગયા અને અમે રહી ગયા એ સંદર્ભે માત્ર વિરોધ કરવા ખાતર જ થતો વિરોધ દેશ અને દુનિયામાં ભારતની છબી અંગે ખોટો સંદેશ ફેલાવે છે. વિદેશમાં વસતા લોકો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકવાર જોવાની ઈચ્છા ધરાવતા સહેલાણીઓ આ પ્રકારના વિરોધથી કદાચ એમ પણ વિચારે કે જે વ્યક્તિએ ભારતને એક કર્યું તેના અંગે ભારતીયોમાં જ વિરોધ છે.
આ આંકડાઓ તો આપણને માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકીટો વેંચવાથી થયેલી આવક જ કહી રહ્યા છે પરંતુ આ સ્થળની આસપાસ રહેતા નાના મોટા વ્યાપારીઓ, હોટેલ કે પછી ઢાબાવાળાઓની આવકમાં કેટલો વધારો થયો હશે અને અહીં ધીરેધીરે રોજગારી કેટલી વધવાની છે એને જો ધ્યાનમાં લઈએ તો આ સમગ્ર પ્રોજેક્ટની સફળતા અને આ સ્ટેચ્યુની સ્થાપના અંગેની દૂરંદેશી અંગે માનની લાગણી થઇ જાય તે સ્વાભાવિક છે.
આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.
eછાપું
તમને ગમશે: ભારતનું Me Too – મહિલાઓ અને પુરુષોએ ધ્યાનમાં લેવા જેવી કેટલીક સાવચેતીઓ