IPL 2019 | મેચ 7 | કટોકટીની ક્ષણોમાં નો બોલે મુંબઈને જીતાડ્યું

0
172
Photo Courtesy: iplt20.com

ક્રિકેટમાં ઘણીવાર એવું બને કે જીત માટે ક્રિકેટરોની મહેનત તો પૂરેપૂરી હોય પરંતુ અમ્પાયરની એક નાનકડી ભૂલને લીધે તેમની મહેનત પર પાણી ફરી વળે. આ મેચમાં આવું જ કૈક થયું હતું.

Photo Courtesy: iplt20.com

ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સની મેચ પત્યા પછી પણ ક્રિકેટની અનિશ્ચિતતા જાળવી રાખવામાં સફળ રહી હતી.

બેંગ્લોરે ટોસ જીતીને મુંબઈને પહેલા બેટિંગ કરવા કહ્યું હતું અને તેનો આ દાવ નિષ્ફળ જતો ત્યારે લાગી રહ્યો હતો જ્યારે ક્વિન્ટન ડી કોક અને રોહિત શર્માએ MIને એક મજબૂત અને ઝડપી શરૂઆત આપી હતી. આ બંનેએ પહેલી વિકેટની ભાગીદારીમાં 54 રન જોડ્યા હતા. ડી કોકના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવે કેટલાક જબરદસ્ત ફટકાઓ મારીને મુંબઈને 200ના ટોટલ સુધી લઇ જવાની શક્યતાઓ બતાવી હતી.

રોહિત શર્માની વિદાય બાદ આવેલા યુવરાજ સિંગે પોતાના સુવર્ણકાળની ઝલક દેખાડતા યુઝવેન્દ્ર ચાહલની એક ઓવરમાં સતત ત્રણ બોલમાં ત્રણ સિક્સરો ફટકારી હતી પરંતુ ચોથી સિક્સર ફટકારવાની લ્હાયમાં તે લોંગ ઓફ પર સિરાજના હાથે કેચ આઉટ થઇ ગયો હતો. મુંબઈ ઇન્ડિયન્સની ઇનિંગ માટે કદાચ યુવરાજની વિકેટ ટર્નીંગ પોઈન્ટ સાબિત થાત જો હાર્દિક પંડ્યા છેલ્લી ઓવરોમાં ઝડપી રન એકઠા ન કર્યા હોત તો.

કારણકે યુવરાજની વિકેટ બાદ પોલાર્ડ, કૃણાલ, મેકલેનેગન અને માર્કંડે પણ તરત આઉટ થઇ ગયા હતા. પરંતુ હાર્દિક પંડ્યાએ 3 ક્લીન સિક્સરો જેમાંથી એક તો સ્ટેડીયમની બહાર જઈને પડી હતી, અને 2 ફોર મારીને મુંબઈને જરૂરી એવા મિનીમમ 180 રનનો સ્કોર અપાવવામાં મદદ કરી હતી.

ભૂતકાળમાં ચિન્નાસ્વામી સ્ટેડીયમની આ જ પીચ પર T20માં 200 રનથી ઉપરનો સ્કોર પણ સફળતાપૂર્વક ચેઝ થયો છે આવામાં MIના 188 રન સારો પરંતુ સુરક્ષિત સ્કોર ન હતો. પાર્થિવ પટેલ અને મોઈન અલીએ RCBને સારી શરૂઆત આપવાની કોશિશ તો કરી પરંતુ એક ઝડપી રન દોડવા જતા રોહિત શર્માની ડાયરેક્ટ હીટ વડે મોઈન અલી આઉટ થઇ ગયો.

ત્યારબાદ પાર્થિવ અને કેપ્ટન કોહલીએ RCBને રનચેઝના માર્ગે પરત વાળ્યું હતું. આ બંનેએ ઝડપી રન ભેગા કરવા માંડ્યા હતા. પરંતુ રોયલ ચેલેન્જર્સને જીતની ખુશ્બુ તો એ બી ડી વિલિયર્સે જ સુંઘાડી હતી જેણે પોતાની જાણીતી સ્ટાઈલમાં ફટકાબાજી કરીને માત્ર 41 બોલમાં 70 રન બનાવ્યા હતા અને તે નોટ આઉટ પણ રહ્યો હતો.

છેલ્લી ઓવર જે લસિથ મલિંગા નાખી રહ્યો હતો તેના છેલ્લા બોલે RCBને જીતવા 7 રન જોઈતા હતા પરંતુ શિવમ દુબે એક પણ રન બનાવી શક્યો ન હતો. મેચ પત્યા બાદ દેખાડવામાં આવેલી રિપ્લેમાં એ સ્પષ્ટ જોઈ શકાતું હતું કે મલિંગાએ નો બોલ નાખ્યો હતો જે અમ્પાયર એસ રવિની નજરમાંથી બચી ગયો હતો. સ્વાભાવિકપણે વિરાટ કોહલી આ જોઇને જ ગુસ્સે થઇ ગયો હતો.

સામાન્યતઃ આપણે જોતા હોઈએ છીએ કે અમ્પાયરો કોઈ વિકેટ પડ્યા બાદ ચોક્કસ કરવા માટે બોલ નો બોલ હતો કે નહીં તે જોવા માંગે છે. અહીં ભલે વિકેટ નહોતી પડી પરંતુ અમ્પાયર રવિએ આ પ્રમાણેની ચોકસાઈ કરવી જરૂરી સમજી ન હતી. એવું પણ બની શકે કે તેમને એ બોલ નો બોલ હતો એવી કોઈ શંકા જ ન હોય. ગમે તે હોય પરંતુ જો એ નો બોલ હોત અને પછી ફ્રી હીટમાં જો દુબેએ સિક્સર મારી હોત તો મેચ ટાઈ પડી હોત અને સુપર ઓવરમાં તેનો ફેંસલો થયો હોત એવી અટકળોને જન્મ જરૂરથી મળી ગયો હતો.

આમ આ મેચ પત્યા પછી પણ અનિશ્ચિતતાઓને અલ્પવિરામ જ લાગ્યું હતું.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 7 | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. મુંબઈ ઇન્ડિયન્સ

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ

ટોસ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (બોલિંગ)

મુંબઈ ઇન્ડિયન્સ 187/8 (20) રન રેટ: 9.35

રોહિત શર્મા 48 (33)

સૂર્યકુમાર યાદવ 38 (24)

હાર્દિક પંડ્યા 32 (14)

યુઝવેન્દ્ર ચાહલ 4/38 (4)

ઉમેશ યાદવ 2/26 (4)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 181/5 (20) રન રેટ: 9.05

એ બી ડી વિલીયર્સ 70* (41)

વિરાટ કોહલી 46 (32)

જસપ્રીત બુમરાહ 3/20 (4)

મયંક માર્કંડે 1/23 (3)

પરિણામ: મુંબઈ ઇન્ડિયન્સ 6 રને જીત્યા

મેન ઓફ ધ મેચ: જસપ્રીત બુમરહ (મુંબઈ ઇન્ડિયન્સ)

અમ્પાયરો: એસ રવિ અને નંદન | યશવંત બેરડે (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: મનુ નૈય્યર

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here