વર્લ્ડ કપની પહેલી બંને મેચો હારી ચૂકેલા સાઉથ આફ્રિકાને આજે એક બહુ મોટો ફટકો લાગ્યો છે. તેનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ખભાની ઇજામાંથી બહાર ન આવી શકતા હવે બાકીનો વર્લ્ડ કપ રમી શકશે નહીં.

સાઉથહેમ્પટન: ભારત સામેની અતિશય મહત્ત્વની વર્લ્ડ કપ મેચના એક દિવસ અગાઉ સાઉથ આફ્રિકાની ટીમને જબરદસ્ત ફટકો પડ્યો છે. આજે તેનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેન વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયો છે. ડેલ સ્ટેન ખભાની ઈજાથી પીડિત હતો.
ભારતમાં રમાયેલી IPL દરમ્યાન જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા ડેલ સ્ટેનને આ ઈજા થઇ હતી. ત્યારબાદ વર્લ્ડ કપ રમવા ઇંગ્લેન્ડ રમવા પહોંચ્યા બાદ તેને ખભામાં બીજી ઈજા થઇ હતી જેણે ડેલ સ્ટેનનું વર્લ્ડ કપ ભવિષ્ય સીલ કરી દીધું હતું.
ડેલ સ્ટેન સાઉથ આફ્રિકાની ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ બંને સામેની મેચો રમ્યો ન હતો. આટલું જ નહીં તેણે વોર્મઅપ મેચોમાં પણ હિસ્સો લીધો ન હતો. સાઉથ આફ્રિકાના કોચ ઓટીસ ગિબ્સને આ સમયે કહ્યું હતું કે વર્લ્ડ કપ છ અઠવાડિયા લાંબો ચાલશે એટલે અમે સ્ટેન અંગે કોઇપણ પ્રકારનું જોખમ ઉઠાવવા માંગતા નથી.
ટુર્નામેન્ટ શરુ થયા અગાઉ સાઉથ આફ્રિકાના કપ્તાન ફાફ દુ પ્લેસીએ કહ્યું હતું કે ડેલ સ્ટેન 60% ફીટ છે અને તેને તેમજ ટીમ મેનેજમેન્ટને તેનો ખ્યાલ પણ છે. પરંતુ જો સ્ટેન સંપૂર્ણપણે ફીટ થઇ જશે તો ટીમનો બોલિંગ એટેક એકદમ મજબૂત બનશે.
ડેલ સ્ટેનની જગ્યાએ હવે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર બ્યુરન હેન્ડ્રીક્સ સાઉથ આફ્રિકાની ટીમમાં સ્થાન લેશે. હેન્ડ્રીક્સે આ વર્ષે જાન્યુઆરીમાં જ પાકિસ્તાન સામે ડેબ્યુ કર્યું છે. બે વનડે મેચ રમ્યો છે. આ બે મેચમાં હેન્ડ્રીક્સે માત્ર એક વિકેટ લીધી છે.
બાંગ્લાદેશ સામેની મેચમાં લુંગી ન્ગીડી પણ હેમસ્ટ્રીંગ ઈજાથી ગ્રસ્ત થયો હતો અને જાણવા અનુસાર તેને એક અઠવાડિયાથી માંડીને 10 દિવસનો આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. આવા સંજોગોમાં સાઉથ આફ્રિકા જે તેની પહેલી બંને મેચો હારી ગયું છે તેને આગળની મેચોમાં જીત માટે ખૂબ સંઘર્ષ કરવો પડશે.
ડેલ સ્ટેનને સહુથી પહેલીવાર ખભાની ઈજા 2016માં પર્થના WACA ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમતા થઇ હતી અને તે વખતે તેણે સર્જરી કરાવવી પડી હતી. હવે ડેલ સ્ટેન આ ઇજામાંથી બહાર આવીને ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો જોવા મળશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે.
eછાપું