આજે દિલ્હીમાં નરેન્દ્ર મોદી સરકારના ત્રણ મંત્રીઓ કોંગ્રેસના સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધીને મળવા ગયા હતા. આ બેઠક સંસદના નવા સત્ર અગાઉની શુભેચ્છા મુલાકાત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

નવી દિલ્હી: થોડા સમય પહેલા નરેન્દ્ર મોદીની સરકારના ત્રણ મંત્રીઓ કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ મંત્રીઓમાં સંસદીય મામલાઓના મંત્રી પ્રહલાદ જોશી, સંસદીય મામલાઓના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંઘ તોમર સામેલ હતા.
આવનારી 17 જૂને નવી સરકારના શપથ લીધા બાદ સંસદનું પ્રથમ સત્ર મળવા જઈ રહ્યું છે. આ મંત્રીઓએ સોનિયા ગાંધી સાથે આ અંગે ચર્ચા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
17મી લોકસભાનું પ્રથમ સત્ર 26 જુલાઈએ સમાપ્ત થશે. આ દરમ્યાન સરકાર 5 જુલાઈએ પૂર્ણ બજેટ રજૂ કરશે.
સરકાર સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે આ સંસદીય સત્ર દરમ્યાન લોકસભા તેમજ રાજ્યસભાનું કાર્ય વ્યવસ્થિતપણે ચાલે તેની ચર્ચા કરવા આ મંત્રીઓએ સોનિયા ગાંધીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત લગભગ પંદર મિનીટ ચાલી હતી.
ત્યારબાદ પ્રહલાદ જોશી રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ તેમજ DMKના નેતા ટી આર બાલુને પણ મળ્યા હતા. જાણવા મળ્યા અનુસાર સરકાર આ સત્રમાં બજેટ ઉપરાંત ટ્રિપલ તલાક તેમજ 10 અધ્યાદેશોને કાયદામાં પરિવર્તિત કરવાની યોજના બનાવી રહી છે અને તેને માટે તે વિપક્ષનો સહકાર ઈચ્છી રહી છે.
લોકસભામાં પહેલા બે દિવસ નવા સંસદ સભ્યો શપથ લેશે અને ત્યારબાદ 19 જૂનના દિવસે લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થશે. 20 જૂને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને ગૃહોના સભ્યોને એક સંયુક્ત સત્રમાં સંબોધન કરશે.
eછાપું