આશ્ચર્ય: વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસના ટીમ સિલેક્શન પર સવાલ ઉઠાવતા દાદા

0
235
Photo Courtesy: hindustantimes.com

ટીમ ઇન્ડિયાના વેસ્ટ ઇન્ડિઝના આગામી પ્રવાસ માટે જાહેર થયેલી વનડે ટીમમાં બે ખેલાડીઓની ખાસ ગેરહાજરી અંગે ભારતના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ આક્રોશ વ્યક્ત કર્યો છે.

Photo Courtesy: hindustantimes.com

કોલકાતા: ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આજે Tweet કરીને આવનારા વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટેની ભારતીય ટીમ સિલેક્શનની ટીકા કરી છે. સૌરવ ગાંગુલી ખાસકરીને વનડે ટીમમાં અજીન્ક્ય રહાણે અને શુભમન ગીલને સ્થાન ન મળવાથી આશ્ચર્ય પામ્યા છે.

સૌરવ ગાંગુલીએ પોતાની પ્રથમ Tweetમાં કહ્યું છે કે ટીમમાં એવા ઘણા ખેલાડીઓ છે જે ત્રણેય ફોરમેટમાં ફીટ બેસી શકે તેમ છે અને રહાણે અને ગીલની વનડે ટીમમાંથી ગેરહાજરી તેમને આશ્ચર્ય પમાડી રહી છે.

અગાઉ ભારતના પૂર્વ સિલેક્ટર સંજય જગદાલેએ પણ કહ્યું હતું કે અજીન્ક્ય રહાણે વનડે ટીમની ચોથા નંબરની સમસ્યા દૂર કરી શકે તેમ છે. જ્યારે શુભમન ગીલ હાલમાં જ ઇન્ડિયા A સાથે વેસ્ટ ઇન્ડિઝ A સામે રમી ચૂક્યો છે અને તેણે આ સિરીઝમાં 218 રન પણ બનાવ્યા છે.

સૌરવ ગાંગુલીએ આગળ ઉમેર્યું હતું કે, સમય આવી ગયો છે કે સિલેક્ટર્સ ત્રણેય ફોરમેટમાં રમી શકે તેવા ખેલાડીઓની પસંદગી કરે. આ તેમના સાતત્યપૂર્ણ દેખાવમાં તેમજ આત્મવિશ્વાસમાં વધારો કરશે.

દરેક મહાન ટીમમાં સાતત્યપૂર્ણ દેખાવ કરનારા ખેલાડીઓ હોય છે. માત્ર દેશ માટે રમવાની ખુશી પૂરી પાડવા માટે અલગ અલગ ખેલાડીઓ પસંદ કરવા એ જરૂરી નથી.

સૌરવ ગાંગુલી અગાઉ અન્ય પૂર્વ ક્રિકેટરોએ પણ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસની ટીમમાં શુભમન ગીલને પસંદ ન કરવામાં આવ્યો તે અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વર્લ્ડ કપ દરમ્યાન પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા અંબાતી રાયુડુને સ્થાને પહેલા ઋષભ પંત અને બાદમાં મયંક અગરવાલને મોકલીને પણ સિલેક્ટરોએ આશ્ચર્ય સર્જ્યું હતું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here