તલાક: રાષ્ટ્રપતિ કોવિંદે હસ્તાક્ષર કરતા ટ્રિપલ તલાક આપવા પાછોતરી અસરથી ગુનો

0
122

પહેલા લોકસભા અને મંગળવારે રાજ્યસભા દ્વારા ટ્રિપલ તલાકને ગુનો જાહેર કરતા બીલને પસાર કરાવ્યા બાદ આજે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા તેના પર હસ્તાક્ષર કરવામાં આવતા આ બીલ  હવે કાયદો બની ગયું છે.

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આજે સંસદે પસાર કરેલા મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન મેરેજ) બીલ, 2019 એટલેકે  ટ્રિપલ તલાક બીલ પર હસ્તાક્ષર કરી દીધા છે. આમ હવેથી પાછોતરી અસરથી ટ્રિપલ તલાક આપ્યા હશે તો એ પણ ગુનો ગણાશે.

રાષ્ટ્રપતિની મંજુરી બાદ હવે આ કાયદો 19મી સપ્ટેમ્બર 2018થી લાગુ પડેલો માનવામાં આવશે, આથી આ તારીખથી આજ સુધી જેટલા પણ ટ્રિપલ તલાકના કિસ્સાઓ બન્યા છે તે હેઠળ મુસ્લિમ પતિ આરોપી ગણાશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ બાબતનું ગેઝેટ ગઈકાલે જાહેર કરવામાં આવ્યું હતું.

આ કાયદો ટ્રિપલ તલાકની પદ્ધતિને નકારે છે, ગેરકાયદે ગણે છે અને તેને ફોજદારી ગુનો ગણે છે અને મુસ્લિમ મહિલાઓ તેમજ તેમના પર આધારિત બાળકોને ભથ્થાં માટે લાયક ગણે છે.  હવેથી મુસ્લિમ મહિલાઓ તેમને આપવામાં આવેલા ટ્રિપલ તલાક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી શકશે અને મેજિસ્ટ્રેટની મંજૂરી બાદ આરોપી પતિ વિરુદ્ધ ઉચિત કાર્યવાહી કરી શકાશે.

સુપ્રિમ કોર્ટે સાયરાબાનોના કિસ્સામાં ટ્રિપલ તલાકને ગેરબંધારણીય અને ગેરઇસ્લામી જાહેર કર્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની NDA સરકારે આ માટે કાયદો ઘડવાની પ્રકિયા શરુ કરી હતી.

લોકસભામાં ટ્રિપલ તલાકને ગુનો નક્કી કરતા બીલને પસાર કરાવ્યા બાદ રાજ્યસભામાં ત્રણ નિષ્ફળ  કોશિશો બાદ મંગળવારે આ બીલ 99 વિરુદ્ધ 84 મતે પસાર થઇ ગયું હતું જેના પર આજે રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા હતા.

ગઈકાલે અસંખ્ય મુસ્લિમ મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીનો તેમનું આ વખતની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન ટ્રિપલ તલાકના કાયદાને પસાર કરવાના વચનને નિભાવવા બદલ આભાર માન્યો હતો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here