લોકસભાની ચૂંટણી બાદના પ્રથમ સત્રમાં અનેક રેકોર્ડ્સ તૂટ્યા

0
319
Photo Courtesy: wefornews.com

નવી લોકસભાના પ્રથમ સત્રનું ગઈકાલે સમાપન થયું છે અને આ સત્ર દરેક રીતે અનોખું રહ્યું હતું એટલું જ નહીં આ સત્રમાં અનેક નવા વિક્રમો સર્જાયા હતા તેની વિગતો વિગતવાર જાણીએ.

Photo Courtesy: wefornews.com

ગઈકાલે લોકસભા અને આજે રાજ્યસભાના સત્રો પૂર્ણ થયા છે. આ વર્ષની લોકસભાની ચૂંટણીઓ બાદ 17મી લોકસભાનું આ પ્રથમ સત્ર વિક્રમસર્જક બની રહ્યું હતું. આ સત્રમાં અનેક રેકોર્ડ્સ તૂટ્યા હતા અને કેટલીક અવનવી બાબતો પણ બની હતી. તો ચાલો આપણે પણ જાણીએ પૂર્ણ થયેલા સંસદીય સત્રની કેટલીક અનોખી અને વિક્રમસર્જક હકીકતો.

અઘરાં ગણાતા બીલો આસાનીથી પસાર થયા

લોકસભામાં આટલી બહોળી બહુમતી મળ્યા છતાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત દેશની સત્તાનું સુકાન સંભાળ્યું હતું ત્યારે પણ ટ્રિપલ તલાક, રાઈટ ટુ ઇન્ફોર્મેશન બીલ જેવા બીલો પસાર કરાવવા સરકાર માટે અત્યંત અઘરા ગણાઈ રહ્યા હતા કારણકે તેની પાસે રાજ્યસભામાં બહુમતી ન હતી. પરંતુ તેમ છતાં આ બંને બીલો ઉપરાંત દેશની એકતા માટે અત્યંત મહત્ત્વનું એવું કલમ 370ને નાબૂદ કરવાનો ઠરાવ પણ બંને ગૃહોમાં 2/3 બહુમતીથી તેમજ આસાનીથી પસાર થઇ ગયો હતો.

પહેલીવાર એક જ સત્રમાં આટલી મોટી સંખ્યામાં બીલો પસાર થયા

આ સમગ્ર સત્રમાં લોકસભાએ કુલ 35 બીલો પસાર કર્યા હતા જ્યારે રાજ્યસભાએ પણ 30 બીલોને પસાર કર્યા હતા જે એક રેકોર્ડ છે. લોકસભા પાસે હવે માત્ર ત્રણ જ બીલો પેન્ડીંગ છે. કેટલાક કઠીન બીલો તો એવા હતા જે રજૂ થવાના દિવસે જ પસાર થઇ ગયા હતા. આ ઉપરાંત સમગ્ર સત્રમાં બે દિવસ લોકસભા મધ્યરાત્રી પછી પણ ચાલુ રહી હતી અને આ વખતે એક હજારથી પણ વધુ મુદ્દાઓ વિવિધ પક્ષોના સભ્યો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. આટલું જ નહીં દેશના ઇતિહાસમાં પહેલીવાર લોકસભા તેના પૂર્ણ સત્ર દરમ્યાન એક પણ વખત, એક મિનીટ માટે પણ સ્થગિત થઇ નથી જેનો શ્રેય નવા ચૂંટાયેલા સ્પિકર ઓમ બિરલાને જાય છે જેમણે સંસદને સ્થગિત ન કરવાના પોતાના નિર્ધાર પર કાયમ અડગ રહ્યા હતા.

રાજ્યસભામાં અનેક વિપક્ષી સાંસદો ભાજપમાં સામેલ

લોકસભાની ચૂંટણીઓના પરિણામો બાદ રાજ્યસભાના કોંગ્રેસના બે સાંસદો સંજય સિંહ અને ભુવનેશ્વર કલીતાએ પાર્ટી તેમજ સાંસદ તરીકે રાજીનામાં આપી દીધા હતા. સંજય સિંહ ઓલરેડી ભાજપમાં સામેલ થઇ ગયા છે જ્યારે કલીતા જેમણે કલમ 370 પ્રત્યે કોંગ્રેસ પાર્ટીના વલણથી નિરાશ થઈને રાજીનામું આપી દીધું હતું તેઓ પણ ભાજપમાં સામેલ થાય તેવી અટકળો વર્તાઈ રહી છે. સમાજવાદી પાર્ટીના નીરજ શેખર જે પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર છે, સુરેન્દ્ર નાગર અને અખિલેશ યાદવના મિત્ર સંજય સેઠે પણ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે. નીરજ શેખર ભાજપમાં જોડાઈ ગયા છે જ્યારે બાકીના બે ગમે ત્યારે ભાજપમાં જોડાય તેવી સંભાવનાઓ છે.

આંધ્રપ્રદેશમાં ભાજપ શૂન્ય પરંતુ રાજ્યસભામાં ચાર સભ્યો

આંધ્રપ્રદેશમાં લોકસભાની ચૂંટણીઓ સાથે જ વિધાનસભાની ચૂંટણીઓ થઇ હતી જેમાં ભાજપનો એક પણ વિધાનસભ્ય ચૂંટાયો નથી પરંતુ તેલુગુ દેશમ પાર્ટીના રાજ્યસભાના ચારેય સભ્યો ભાજપમાં જોડાઈ જતા હવે ભાજપ પાસે આંધ્રપ્રદેશથી ચાર રાજ્યસભા સાંસદો છે.

વિપક્ષ દ્વારા ભરપૂર ક્રોસ વોટીંગ થયું

ટ્રિપલ તલાક બીલ અને રાઈટ ટુ ઇન્ફોર્મેશન બીલ જ્યારે સરળતાથી રાજ્યસભામાં પસાર થઇ ગયા ત્યારે જ લાગી રહ્યું હતું કે સરકારે રાજ્યસભામાં વિપક્ષી કેમ્પમાં મોટું બાકોરું પાડી દીધું છે. આ બંને બીલો પર સરકારને BJD, YRSC જેવી વિપક્ષી પાર્ટીઓનું સમર્થન મળ્યું હતું. આ જ પાર્ટીઓએ તેમજ બહુજન સમાજ પાર્ટીએ પણ રાજ્યસભામાં કલમ 370ની નાબુદીને સમર્થન આપીને આશ્ચર્ય સર્જ્યું હતું. તો કોંગ્રેસમાં પણ કલમ 370 અંગે ફાટફૂટ સામે આવી હતી. દિલ્પીન્દર હુડ્ડા, પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી અશ્વિની કુમાર અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીની મરજી વિરુદ્ધ કલમ 370 નાબૂદ કરવાને સમર્થન આપ્યું હતું. ભાજપના ફ્લોર મેનેજમેન્ટની આ અભૂતપૂર્વ જીત કહી શકાય છે.

નવા સાંસદોને સહુથી વધુ તક મળી

સંસદનું પૂર્ણ થયેલું સત્ર એટલા માટે પણ યાદ રાખવામાં આવશે કારણકે આ સત્રમાં લોકસભામાં ચૂંટાઈ આવેલા 265 નવા સભ્યોમાંથી 229 સભ્યોને પોતાની વાત રજૂ કરવાનો મોકો મળ્યો હતો જે એક વિક્રમ છે. 46 નવી ચૂંટાયેલી મહિલા સાંસદોમાંથી પણ 42 મહિલા સાંસદોએ આ સત્રમાં પ્રશ્નો પૂછ્યા હતા. ગઈકાલે લોકસભામાં લદાખથી ભાજપના નવનિર્વાચિત સાંસદ જામયાંગ ત્સેરીંગ નામગ્યાલે કલમ 370 પર ફાયરબ્રાંડ સંબોધન કરતા તમામના દિલ જીતી લીધા હતા જેમાં ગૃહમંત્રી અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત લોકસભાના સ્પિકર ઓમ બિરલા પણ સામેલ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here