હુકમ: સરકારે પૂર્વ સાંસદોને ઘર ખાલી કરવાનું કહેતા આનંદ શર્મા ભડક્યા

0
109
Photo Courtesy: booking.com

16મી લોકસભા ભંગ થયે બે મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે પરંતુ તેમ છતાં હારી ગયેલા સંસદ સભ્યો નવા સંસદ સભ્યો માટે પોતાના બંગલાઓ ક ખાલી નથી કરી રહ્યા આથી સરકાર હવે તેમના પ્રત્યે કડક બની છે.

Photo Courtesy: booking.com

નવી દિલ્હી: દેશના દરેક સંસદ સભ્યને દિલ્હીના લૂટ્યન્સ વિસ્તારમાં સરકાર તરફથી એક બંગલો મળે છે. જ્યારે પણ લોકસભા ભંગ થાય ત્યારબાદ આ બંગલામાં રહેવાનો ચૂંટણીઓ હારી ગયેલા કોઇપણ સંસદ સભ્યને નૈતિક અધિકાર રહેતો નથી.

16મી લોકસભાને ભંગ થયે બે મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે પરંતુ હજી સુધી 17મી લોકસભામાં ફરીથી ન ચૂંટાયેલા સાંસદોએ પોતપોતાના બંગલાઓ છોડ્યા નથી. આથી નવસારીના સંસદ સભ્ય સી આર પાટીલની અધ્યક્ષતામાં લોકસભાની હાઉસિંગ કમિટીએ આવનારા સાત દિવસોમાં આ સંસદ સભ્યોને પોતાના આવાસ ખાલી કરવાની ગઈકાલે નોટીસ આપી છે.

લોકસભાની હાઉસિંગ કમિટીએ પોતાના આદેશમાં એમ પણ જણાવ્યું છે કે નોટીસ મળ્યાના ત્રણ દિવસ બાદ આ સંસદ સભ્યોના ઘરની લાઈટ અને ગેસનું કનેક્શન પણ કાપી નાખવામાં આવશે. અત્રે એ નોંધનીય છે કે ગૌતમ ગંભીર, મીમી ચક્રવર્તી અને નુસરત જહાં રુહી સહીત એવા 260 સંસદ સભ્યો છે જે પહેલીવાર લોકસભામાં ચૂંટાઈને આવ્યા છે.

લોકસભાની હાઉસિંગ કમિટીએ આ નિર્ણય આમ તો સુપ્રિમ કોર્ટના એક આદેશ અનુસાર કર્યો છે જેમાં ફરીથી ન ચૂંટાયેલા સંસદ સભ્યોને લોકસભા ભંગ થયાના એક મહિનામાં પોતાના બંગલાઓને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ સંસદ સભ્ય અને રાજ્યસભામાં વિપક્ષના ઉપનેતા આનંદ શર્માને હાઉસિંગ કમિટીનો આ નિર્ણય પસંદ નથી પડ્યો. તેમણે પોતાનો ગુસ્સો સરકાર પર ઉતાર્યો હતો અને પ્રશ્ન કર્યો હતો કે માત્ર સાત દિવસમાં કોઈ સંસદ સભ્ય કેવી રીતે પોતાનો બંગલો ખાલી કરી શકે?

ખરેખર તો આનંદ શર્માએ સમજવાની વાત એ છે કે સરકાર અથવાતો લોકસભાની હાઉસિંગ કમિટી માત્ર સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છે. વળી, જ્યારે લોકસભાને ભંગ થયે બે મહિના થઇ ગયા હોવા છતાં 200 જેટલા સંસદ સભ્યોએ હજીસુધી પોતાના બંગલાઓ ખાલી નથી કર્યા એ એમના માટે શરમજનક બાબત કહી શકાય.

હાલમાં જે સંસદ સભ્યો પહેલીવાર ચૂંટાઈને આવ્યા છે તેમના રહેવા માટે સરકારે હોટલોમાં, જે તે રાજ્યોના ભવનોમાં કે અન્યત્ર વ્યવસ્થા ગોઠવી આપી છે પરંતુ આ તમામ વ્યવસ્થા સરકારી તિજોરી પર ભારે બોજો પણ નાખે છે. 2014ની ચૂંટણીઓ પછી પણ અસંખ્ય સંસદ સભ્યો જે ચૂંટણીમાં હારી ગયા હતા તેમણે લાંબા સમય બાદ પોતાના બંગલાઓ ખાલી કર્યા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here