સમયનું ચક્ર કેવી રીતે ફરે છે તે કદાચ પી ચિદમ્બરમ સિવાય આજે અન્ય કોઇપણ સમજી શકે તેમ નથી. ગઈકાલે રાત્રે તેમની ધરપકડ થયા બાદ CBI તેમને જે ભવનમાં લઇ ગઈ તેની સાથે પી ચિદમ્બરમ અનોખી રીતે જોડાયેલા છે.

નવી દિલ્હી: ગઈ રાત્રે પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને ગૃહમંત્રી રહી ચુકેલા પી ચિદમ્બરમની તેમના ઘેરથી CBI દ્વારા થયેલી ધરપકડની કાર્યવાહી જેટલી નાટકીય રહી હતી તેટલી જ નાટકીય એક અન્ય હકીકત પણ રહી છે. આજે સવારે ન્યૂઝ સંસ્થા ANI દ્વારા એક વિડીયો Tweet કર્યો છે જેના દ્વારા આ નાટકીયતા પરનો પડદો ઉઠ્યો છે.
આજથી લગભગ આઠ વર્ષ પહેલા એટલેકે 30 જૂન 2011ના દિવસે નવી દિલ્હીમાં CBIના નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન તે સમયના વડાપ્રધાન મનમોહન સિંહે કર્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે પી ચિદમ્બરમ પણ ત્યારે દેશના ગૃહમંત્રી તરીકે હાજર હતા અને ગઈ આખી રાત્રી પી ચિદમ્બરમે આ જ બિલ્ડીંગમાં આખી રાત CBIના પ્રશ્નોના જવાબ આપવામાં વિતાવી હતી.
#WATCH ANI file footage: The then Union Home Minister, P Chidambaram at the inauguration of the new Central Bureau of Investigation (CBI) headquarters in Delhi on June 30, 2011. Chidambaram was arrested by CBI yesterday and brought to this complex. pic.twitter.com/ikuxIzaSyF
— ANI (@ANI) August 22, 2019
CBIના એ ભવનના ઉદ્ઘાટન સમયે પી ચિદમ્બરમ સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ઉપરાંત તેમના કેબિનેટના વરિષ્ઠ મંત્રીઓ, વિરપ્પા મોઈલી, મલ્લિકાર્જુન ખડગે અને કપિલ સિબલ પણ હાજર હતા. ગઈકાલે ધરપકડ થવા અગાઉ પી ચિદમ્બરમ કોંગ્રેસ મુખ્યાલય ગયા હતા અને ત્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.
આ વખતે ચિદમ્બરમની આસપાસ બેઠેલા આગેવાનોમાં કપિલ સિબલ પણ હતા તે ઉપરાંત અભિષેક મનુ સિંઘવી અને ગુલામ નબી આઝાદ જેવા વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ પણ અહીં જોવા મળ્યા હતા. આજે CBI પી ચિદમ્બરમને કોર્ટમાં હાજર કરશે અને તેમના રિમાન્ડ માટે કોર્ટને વિનંતી પણ કરશે તેવી શક્યતાઓ છે.
જ્યારે આવતીકાલે સુપ્રિમ કોર્ટ પી ચિદમ્બરમની જામીન અરજી પર વિચાર કરશે.
eછાપું