મધ્યપૂર્વમાં આવેલો દેશ ઈરાક તેની સદીઓ જૂની સંસ્કૃતિ માટે ઓળખાય છે. આ જ સંસ્કૃતિમાંથી ઉદભવેલા કેટલાક બાશીંદાઓ આજે પણ ઈરાકમાં પોતાને ગુલામ માને છે. આ ગુલામો એટલે કુર્દોની કથા એટલે વિષાદી ધરાનો પ્રેમ આપણે વાંચીશું દર શુક્રવારે!

ઈરાકની વીતી ગઈકાલની અને આજની પરિસ્થિતિને આપણે ન્યુઝ-મિડિયા અને સોશ્યલ મિડિયા મારફતે આપણે ઘણી સારી રીતે જાણીએ છીએ. કે ત્યાં જ્યારે સદ્દામનુ રાજ તપતુ હતુ ત્યારે એ દેશ લોખંડી બેડીઓમાં જકડાયેલો હતો; સરમુખ્ત્યારશાહીના લોખંડી દરવાજા પાછળ શુ થઈ રહ્યુ છે તેની દુનિયાને નહીવત્ જાણ થતી હતી અને પછી ત્યાંના વિપક્ષ અને પડોશી મુસ્લિમ દેશોના આમંત્રણ પર અમેરિકાએ યુનોની પણ અવગણના કરીને અને મિત્ર દેશોને સાથે રાખીને સદ્દામના શાસનને ખતમ કર્યુ. પરંતુ, ત્યારબાદ તરત જ દેશમાં ભયંકર અંધાધૂંધીનુ વાતાવરણ થઈ ગયુ અને લગભગ દરરોજ ડઝનોના હીસાબે બોંબ ધડાકા, આતંકવાદી હુમલા, અમેરિકી/ મિત્ર દેશોની સેના પર હુમલા, શિયા-સુન્ની ઝગડા, અરબ-કૂર્દના ઝગડા, મુસ્લિમ-યઝિદીના ઝગડા વગેરે વગેરે સપાટી પર આવતા ગયા.
થોડી ચૂંટણીઓ પણ થઈ, લોકશાહી પ્રક્રિયાઓની શરૂઆત થઈ; પણ, પછી તરત જ ભયંકર આતંકવાદી સંગઠન ISISની ગતિવીધીઓ વધી અને ઉત્તર ઈરાકના કૂર્દ બહુમતિ વિસ્તારોથી શરૂ થઈને ISISના ઘાતકી હત્યારાઓએ ધીમે ધીમે આખા ઈરાકને ગળવાનુ ચાલુ કર્યુ. એમના ઘાતકીપણાની સામે ઈરાકની નવી-સવી સેના પણ હથિયારો મૂકી દેતી હતી. અને હાલના ઈરાકની પરિસ્થિતિ એક અરાજક અને ભયંકર ત્રાસવાદની જકડમાં આવી ગયેલા રાષ્ટ્રની છે.
પણ, પણ, પણ… આજનુ ઈરાક એટલે કે ઐતિહાસિક કાળનુ મેસોપોટેમિયા જે યુફ્રેટીસ અને તૈગ્રીસ નદીઓના કિનારે વસેલી સભ્યતા હતી તેનો ઈતિહાસ દુનિયાની બીજી પુરાણી સભ્યતાઓથી બિલકુલ ઓછો આંકી શકાય તેવો નથી. અરબી ભાષાનો ઉદય પણ આ મેસોપોટેમિયામાં જ થયો. માત્ર વેપાર-ખેતીવાડીનુ જ નહી પણ જ્ઞાન-વિજ્ઞાન, ખગોળ, સાહિત્ય, કલા, સ્થાપત્ય વગેરે વગેરેનું એક મહત્વનુ કેન્દ્ર એટલે મેસોપોટેમિયા. હજ્જારો વર્ષ પુરાણી આ સભ્યતા ભારત (સિંધુઘાટીની સંસ્કૃતિ) થી યુરોપ (તે સમયે યુરોપમાં રોમની ભવ્ય સભ્યતાનો સુરજ તપતો હતો)ના વેપારનુ એક મહત્વનુ કેન્દ્ર હતી.
વેપારીઓના વહાણો અને તેમની વણજારોની સાથે-સાથે ભારત-મેસોપોટેમિયા વચ્ચે વિદ્વાનો, કલાકારો અને ધર્મગુરુઓનુ પણ આદાન-પ્રદાન થતુ. ત્યાંના વિદ્વાનો ભારતિય રાજાઓના દરબારમાં આવતા અને અહીંની સંસ્કૃતિ/સભ્યતાનો અભ્યાસ કરતા, તે જ રીતે ભારતિય વિદ્વાનો પોતાના જેવી જ આ મહાન સંસ્કૃતિના મુખ્ય નગરોની મુલાકાતે જતા. ઐતિહાસિક પુરાવાઓ મળી આવે છે કે ખગોળ-ગણિત-સ્થાપત્ય-વિજ્ઞાન-સાહિત્ય-કલાનુ આદાન-પ્રદાન આ બંને મહાન સંસ્કૃતિ વચ્ચે થતુ હતુ. જેમ કે, અરબ પ્રદેશોમાં આજે પણ વપરાતુ ચંદ્ર અધારિત કેલેન્ડર; બીજગણિત (જે અરબસ્તાનમાં અલ-જિબ્રાને નામે ઓળખાતુ અને ત્યાંથી યુરોપમાં જઈને એ અલ્જિબ્રા બની ગયુ); એમના સ્થાપત્ય અને સંગીતે પણ ભારતને ઘણુ આપ્યુ.
આજે મેસોપોટેમિયાની જે મહાન સંસ્કૃતિની આ હાલત થઈ છે; તે પણ કંઈ એમને એમ નથી થઈ. કેટલાય પાણી તૈગ્રીસ નદીમાં વહી ગયા. બગદાદ શહેર એક સમયે ભવ્ય જાહોજલાલીવાળુ શહેર હતુ. એની ભવ્યતા એવી હતી કે એને પૂર્વનુ પેરિસ કહેવાતુ. ઈસ્લામના આવ્યા પછી પણ પાશ્ચત્ય સંસ્કૃતિના પ્રતિક રૂપ ફેશન અને ભણતરની બગદાદમાં ઘણી બોલબાલા હતી. બગદાદી યુવાનો ભણતર અને ખેલકૂદ બંનેમાં અવ્વલ હતા. બીજા વિશ્વયુધ્ધ પછી ઈરાકનો નવો નકશો બન્યો પણ જાહોજલાલી તો અકબંધ જ રહી હતી. વાસ્તવમાં એ પહેલા કરતા પણ વધી ગઈ હતી કારણ કે ઉત્તર ઈરાકના કીરકુક નજીક તે સમયે દુનિયાનો બીજો સૌથી મોટો તેલનો ભંડાર મળ્યો હતો અને તેલની સાથે સાથે દુનિયાભરની જાહોજલાલી પણ ઈરાકને દરવાજે આવી ગઈ હતી.
પરંતુ ખાટલે મોટી ખોડ એ હતી કે બીજા વિશ્વયુધ્ધ પછી જ્યારે પશ્ચિમી રાષ્ટ્રોએ ઇરાકની સરહદો દોરી ત્યારે ઈરાક-ઈરાન-સિરિયા-તુર્કીમાં વસેલી કૂર્દ સભ્યતાની પ્રજાની સાવ અવગણના કરવામાં આવી હતી. અને તેમને પોતાનુ અલગ મળવાને રાષ્ટ્રને બદલે ક્ષત-વિક્ષત કૂર્દ પ્રદેશો મળ્યા. આ કૂર્દીશ પ્રજા પહાડી પ્રજા હતી અને તેમની સંસ્કૃતિ મેદાની અને રણના વિસ્તારમાં વસતા અરબી લોકોથી સાવ અલગ પ્રકારની હતી. ખુલ્લા મનના અને રસિક મિજાજના કૂર્દ લોકો અરબીઓથી સાવ અલગ હતા અને તૂર્કી સિવાયના પ્રદેશોમાં હવે તેમના પર, તેમના પ્રદેશો પર અરબી લોકોનુ રાજ આવી ગયુ હતુ.
ખુમારી વાળી આ પહાડી પ્રજાને આ એક પ્રકારની ગુલામી જેવુ લાગતુ હતુ. ઈરાકમાં કૂર્દ લોકોની સંખ્યા અને એમના પ્રદેશનો સૌથી મોટો હિસ્સો હોવાને લીધે ત્યાં કૂર્દીશ સ્વતંત્રતાની ચળવળ શરૂ થઈ ગઈ; અને વખત જતા જ્યારે ઈરાકમાં રાજાશાહીને ઉથલાવીને લોકશાહી સરકાર આવી ત્યારે આ ચળવળે મોટુ સ્વરૂપ પકડી લીધુ હતુ. એમાંય જ્યારે સદ્દામ હુસેનની બાથપાર્ટી સત્તામાં આવી (ત્યારે સદ્દામ હજુ પ્રેસિડેન્ટ નહોતો બન્યો) ત્યારે કૂર્દીશ ફ્રીડમ મૂવમેન્ટ તેના ચરમ પર આવી ગઈ હતી અને સદ્દામ (જે સરકારમાં બીજા નંબરનુ સ્થાન ધરાવતો હતો) અને તેના મળતિયાઓએ આ પહાડી મસ્ત-રંગીન મિજાજ પ્રજા પર સિતમો ગુજારવામાં જરાય પાછી પાની નહોતી કરી. તો સામે કૂર્દીશ લડાકૂઓ પણ સ્વતંત્રતા સિવાય ઓછુ કશુ જ નહી એ મંત્ર દીલમાં રાખી અને ગેરીલા યુધ્ધમાં સદ્દામની બળુકી સેનાને જબરજસ્ત ટક્કર આપતા હતા. આ સમયગાળો હતો ૧૯૭૦ના દશકાનો…
આપણી વાર્તાની પૃષ્ઠભૂમિ પણ આ કુર્દીસ્તાનજ છે. આ પ્રેમકહાણી એક કૂર્દીશ માતાની કૂખે અરબી પિતા દ્વારા જન્મેલી એવી યુવતીની છે; જે પોતાને મન અને તનથી સંપૂર્ણ કૂર્દ માનતી હતી અને બચપણથી કૂર્દીશ સ્વાતંત્ર્ય સેનાની સાથે પરણીને તેની સાથે ખભેખભો મિલાવીને પહાડોમાં સદ્દામની અરબી સેનાઓ સામે લડવાનુ સપનુ જોતી હતી અને એ સપનુ પુરુ કરવા તેને જે કરવુ પડે એ કરવા તૈયાર હતી… વાર્તામાં આપણે તે સમયના ઈરાકની પરિસ્થિતિ, ત્યાંનુ સમાજ જીવન ત્યાંની રાજકિય પરિસ્થિતી, કૌટુંબિક જીવન અને ઈરાક-ઈરાન યુધ્ધની વાર્તાને પણ વણી લઈશુ. આખી વાર્તા ઘણી લાંબી છે; તેથી આપણે તેને હપ્તે-હપ્તે પૂરી કરીશુ. યાદ રહે, આ વાર્તા સંપૂર્ણ સત્યઘટના પર આધારિત છે અને વાસ્તવમાં આ એક બેસ્ટસેલર અંગ્રેજી પુસ્તકનુ મારી પોતાની શૈલીમાં ભાવાનુવાદ છે જેને આવતા શુક્રવારથી દર શુક્રવારે હું આપના માટે લઇ આવીશ માત્ર eછાપું પર.
eછાપું
આ વાર્તા નો હું બંધાણી થઈશ એવું લાગી રહ્યું છે.. વત્સલ સાહેબ નાં શબ્દોમાં આ વાર્તા વાંચવાની મજા આવશે..! ભારતીય ગાર્ગી સહિતામાં લખેલું છે કે અમે ખગોળ વિજ્ઞાન માટે યૂનાનના આભારી છીએ.. આજે ફરી એ ઇતિહાસ યાદ આવ્યો.. મજા પડશે..!