નાગરિક તરીકે આપણી લાયકાત કેટલી?

1
164
Photo Courtesy: dnaindia.com

કેન્દ્ર સરકારે આપણી સુરક્ષા માટે ટ્રાફિકના નિયમ કાયદાઓ કડક બનાવ્યા છે, પરંતુ આપણે જાણેકે રોજ આ નિયમોનો ભંગ કરવા માટે જ રસ્તે ઉતરવાના હોઈએ એવી રીતે તેનો વિરોધ કરી રહ્યા છીએ.

Photo Courtesy: dnaindia.com

હું જાણું છું કે હવે પછી આગળ આ લેખમાં હું જે એક એક શબ્દ, એક એક વાક્ય લખવાનો છું તેની સાથે કેટલાક લોકો અસંમત હશે તો સામે ખૂબ મોટી સંખ્યામાં લોકો સંમત પણ થશે. જે લોકો અસંમત હશે તેમને સમજાવવા માટે હું લખતો જ નથી. હું તો માત્ર જે લોકો મારા મુદ્દા, મારા તર્ક અને મારી દલીલો સાથે સંમત હોય તેમની માન્યતાને વધારે મજબૂત કરવા માગું છું. સ્વાભાવિક રીતે આજે અહીં ટ્રાફિક નિયમોના ભંગ બદલ કેન્દ્રીય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા આકરા દંડની જોગવાઈ કરવામાં આવી અને તે અંગે પ્રજા જે રીતે વહેંચાઈ ગઈ છે તેની ચર્ચા કરવા માગું છું.

આપણે એ પ્રજા છીએ જેને તમામ પ્રકારના મોજ-શોખમાં રસ પડે છે. આપણને મોંઘામાં મોંઘાં વાહનો ખરીદવાનો શોખ છે. આપણને સારી રેસ્ટોરામાં જમવાનું ગમે છે. આપણને ઘરે લગ્ન પ્રસંગે ચિક્કાર ખર્ચ કરવામાં હરખ થાય છે, બલ્કે કેટલો ખર્ચ કર્યો તેના આંકડાની ચર્ચા કરીને છાતી ફૂલાવીએ છીએ. મંદિરમાં અને ધાર્મિક કાર્યક્રમોમાં 100-200-500-1000નું દાન રમતાં રમતાં કરી દઈએ છીએ.

— આમાંનું એકપણ પગલું જરાય ખોટું નથી જ. આ બધું હોવું જ જોઇએ, પ્રજા તરીકે આપણી જીવંતતાનું એ પ્રમાણ છે. કેમ કે ઉપર કહી એ તમામ બાબતોમાં આપણે પરિવાર અને સમાજને પણ સાથે જોડીએ છીએ. આપણા હરખ, આનંદ અને સુખમાં પરિવાર અને સમાજ સામેલ થાય છે અને એ જ રીતે અન્યોના હરખ, આનંદ અને સુખમાં આપણે પણ સામેલ થઈએ છીએ.

સરસ. તો પછી તકલીફ ક્યાં છે?

તકલીફ છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે નિયમ-કાયદાનું પાલન કરવાની વાત આવે. અહીં ઉપર કહી એ તમામ બાબતો સ્વૈચ્છિક છે. તેમાં આપણી મરજી ચાલે છે. આ બધું આપણે સ્વચ્છંદપણે કરીએ છીએ. પણ એથી વિરુદ્ધ આપણને કોઈપણ કામગીરી નિયમ અનુસાર, કાયદા અનુસાર કરવી ગમતી નથી… અથવા કહો કે એ નિયમ અને કાયદા આપણી મરજી મુજબના હોવા જોઇએ, તેમાં આપણે ઇચ્છીએ તે અનુસાર છૂટછાટ અથવા સજાની જોગવાઈ હોવી જોઇએ.

સરકાર, તંત્ર કે પોલીસ નિયમ-કાયદાનું પાલન કરાવે એ આપણને નથી ગમતું. હાલ જે મુદ્દો છે તે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ આકરા દંડ તથા અમુક કિસ્સામાં સજાની જોગવાઈ અંગેનો છે. 65,000 થી 70,000નું ટુવ્હીલર ખરીદનારને 650થી 700 રૂપિયાનું હેલ્મેટ ખરીદવું ગમતું નથી. એ હેલ્મેટ મફતમાં મળે તો પણ એ પહેરવું ગમતું નથી. અને પછી અકસ્માત થાય ત્યારે વળતર મેળવવા માટે રોદણાં રડવા લાગીએ છીએ.

ક્યાંક કશુંક મફત મળતું હોય તો એ મેળવવા કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવામાં આપણને વાંધો નથી હોતો, પણ કોઈ સરકારી કામ માટે લાઇનમાં ઊભા રહેવાનું થાય તો તરત જ સિસ્ટમ અર્થાત સરકારી તંત્રને મનમાં અને જાહેરમાં મણ-મણની દેવા લાગીએ છીએ.

મુદ્દો એ છે કે, જો આપણે ટ્રાફિક નિયમો અને કાયદાનું પાલન કરતા હોત તો શું સરકારે નિયમો આકરા કરવા પડત?

મુદ્દો એ છે કે, રોંગ સાઇડમાં ન ચલાવીએ, ગમેતેમ આડુંઅવળું વાહન ચલાવીને બીજાની આગળ નીકળી જવાના પ્રયાસમાં પોતાની અને બીજાની જિંદગી જોખમમાં ન મૂકતા હોત તો શું સરકારે નિયમો આકરા કરવા પડત?

હકીકત એ છે કે નિયમો અને કાયદાની બીક માત્ર એવા લોકોને જ લાગે છે જે તેનો ભંગ કરવાની દાનત રાખતા હોય. નિયમ-કાયદાનું પાલન કરનારને કદી તેનો ડર લાગતો નથી.

કેટલાક “ભોળા” લોકો એવી દલીલ કરે છે કે સરકાર કમાણી કરી લેવા માગે છે એટલે દંડની રકમ આટલી વધારી દીધી. આવી દલીલ એટલા માટે ભોળપણ છે કે સરેરાશ 1000 વાહનચાલકોએ એકાદ-બે વાહનચાલક દંડાય છે, અને તેના પોતાના વાંકે. હવે આ એકાદ-બે વાહનચાલકના દંડની રકમથી શું સરકારી તિજોરી ભરાઈ જાય? આ સરેરાશની વાત છે. માની લો કે તમામ 1000 વાહનચાલકો કોઈ નિયમ-કાયદાનો ભંગ કરતા નથી, તો કોઈને દંડ પણ થવાનો નથી. તો પછી સરકારે કમાઈ લેવાની વાત ક્યાં આવી?

કેન્દ્ર સરકારે વાહનચાલકોમાં શિસ્ત અને સંયમ આવે તે હેતુથી નિયમભંગ કરનાર ઉપર આકરા દંડની જોગવાઈ કરી તેની સામે ગુજરાત સરકારથી શરૂ કરીને ઘણી રાજ્ય સરકારોએ “રાહત” નું રાજકારણ રમવાની ઉતાવળ કરી. ગુજરાત સરકારને લાગ્યું કે આપણે સવર્ણ અનામત લાગુ કરવાની પહેલ કરીને જેમ ઇડરિયો ગઢ જીતી લીધો હતો તેમ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને દંડમાં રાહત આપીને પણ ઇડિરિયો ગઢ જીતી લઈશું.

પરંતુ માફ કરજો રૂપાણી સાહેબ, તમે આ ગંભીર ભૂલ કરી છે. શાસક તરીકે તમારે મક્કમતા દાખવીને પ્રજાને નિયમોનો ભંગ ન કરવા અને એ રીતે દંડમાંથી બચવા માટે સમજાવવાની જરૂર હતી, તેના બદલે તમે કેજરીવાલ જેવી નીતિ અપનાવીને રાહતની જાહેરાતો કરી દીધી. તમારા પગલે અન્ય રાજ્ય સરકારોએ પણ કેન્દ્રીય કાયદા સામે બંડ પોકારી દીધો.

સાથે, છેલ્લા થોડા દિવસમાં ગુજરાતમાં તથા અન્યત્ર “ભોળી” પ્રજામાં એક પ્રકારનું ગાંડપણ પણ જોવા મળ્યું. કેટલાક લોકો ટ્રાફિક પોલીસને નિશાન બનાવીને તેમને નિયમોનું પાલન કરવા ફરજ પાડતા હોવાનું જોવા મળ્યું. વાસ્તવમાં આવી પ્રજાનું આ એક પ્રકારનું “ભોળપણ” છે. ટ્રાફિક પોલીસની ફરજ પ્રજાનું ધ્યાન રાખવાની છે, પ્રજા નિયમ-કાયદામાં રહે તે જોવાની છે. પણ “ભોળી” પ્રજા પોલીસને જ નિશાન બનાવે એ તો એના જેવું છે કે, દરેક વિદ્યાર્થીની દરેક પરીક્ષા વખતે તેના શિક્ષકે પણ પરીક્ષા આપવી! ચતુર કરો વિચાર.

eછાપું

1 COMMENT

  1. અલ્કેશભાઈની વાત એકદમ સાચી છે.

    આપણી નિષ્ફળતાનો આપણી અકર્મણ્યતાનો ટોપલે આપણે હંમેશા સરકાર પર ઢોળીએ છીએ.

    મિહિર પારેખ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here