એ ની’ માને – એક ‘સુરતી’ લઘુકથા

0
137

સુરતની એક શાળામાં આગ લાગે છે અને પછી એ જ શાળાના વિજ્ઞાનના શિક્ષક કેવી રીતે વિદ્યાર્થીઓને બચાવે છે તેની સુરતી લહેજામાં એક લઘુકથા વાંચીએ.

એ ની’ માને. હું કેહું પણ કો’ ની માને. એકલા માસ્તરે જીવ સટોસટની બાજી લગાવી બોતેર પોયરાંના જીવ બચાઈવા. મેં. હા, નીચે  કેટલાંક પોયરાંઓને પબ્લિકે બચાઈવાં પણ બાવીસ હજારનો પગારદાર માસ્તર  જાનના જોખમે બોતેર પોયરાંના જીવ બચાવે, લગભગ એકલે હાથે.  એ કોઈ ની’ માને.  ** જાય ન માને તો. મેં હિંમત કરી,   મારાં વિજ્ઞાને આ ચમત્કાર કઈરો હે.

સાંભળતા? તો મું કેવો.

તી દા’ડે ગરમી તો આગ જેવી વરસતી હુતી. મારે મારા હુરતના નાલંદા ક્લાસમાં પોયરાંવને કેમિસ્ટ્રી ભણાવવાનું હુતું ને મારી હારે આઈ ‘તી  ફ્રેની દારૂવાલા. એ જ ક્લાસમાં બાજુની રૂમમાં  અંગ્રેજી ભણાવતી. નવી આઈ ‘તી. આગલો સર ‘અહીં આવી ચેર ન રાખો’, ‘બારીઓ ખુલે એવી રાખો’ ને એવું સંચાલકને સમજાવવા ગે’લો . સંચાલક હુરતમાં પૈસાફાડ જગ્યા માંડ ગોતે ત્યાં બધું નિયમવાળું ક્યાં કરે? તી’ એને કાઢી મુકી આ ફટાકડીને રાખી.  આમેય એ હંચાલક હહરીનો હતો જ ***.

તો હાંજે હાડાચારે હું ને મને ચોંટીને બાઈક પર ફ્રેની દારૂવાલા (એને જોઈને જ દારૂ ન પીધો હોય તોય ચડે. મારી સાથે એને બનતું થયેલું .) નાલંદા કલાસ ગયાં. એણે  બચ્ચાંઓને મસ્ત સ્માઈલ આપી ગુડ ઈવનિંગ ઝીલી  એના ક્લાસમાં ગોટપીટ હરુ કઈરું. મેં બારમાંવાળાઓને કેમિસ્ટ્રી.

આજે  દહનશીલ પદાર્થો ને અગ્નિશામક વિશે ભણાવવાનું હોતું. મી કું કે પ્રાણવાયુ આપણાં ફેફસાંમાં જઈ પ્રાણ આપે. અગ્નિમાં એ જ પ્રાણ પુરે. અને નામ અંગારવાયુ પણ એ કાર્બન ડાયોક્સાઇડ અગ્નિની મા પઈણી નાખે. આગ ઠારવા એ કાર્બન ડાયોક્સાઇડ વપરાય (મેં લોબીમાં લાલ સિલિન્ડર બતાઈવું) વપરાય. મી કું કે આગ લાગવા તૈણ ચીજ હારોહાર હોવી જોઈએ- જ્વલનશીલ પદાર્થ, હવા અને  હહરીનો ઓક્સિજન. એમાંની એક પણ ચીજ ની’ મલે તો આગ ની’ લાગી શકે. મી કું કે આગ હંમેશાં હવા પકડી એની તરફ જાય છે.

મેં પુઈછું, “ગરમ પદાર્થ ઉપર જાહે કે ઠંડો?” એક છોકરાએ કીધું ‘ગરમ’.

મીં કીધું, ‘હાચું.  આગ લાગે એટલે જ્વાળા ઉપર જાય ને નીચે પ્રમાણમાં ઠંડુ  હોય તી’  જ્વાળાના લબકારા ની’ હોય. આ આઠમા માં ભણેલા તે ઉષ્ણતાનયન..’

એ.. ટેક્નિકલ ટર્મ આવી. પેલા ખૂણે બેઠેલા છોકરાએ બગાસું ખાધું. મેં એને ઉભો કઇરો. ખખડાઈવો.

“તારા ડોહા ભઈણવાના પૈહા આલે છે. ધ્યાન આપ.” તે ઉઠી પાછળ ગીયો ને એણે ઉપર જોયું. એણે રાડ નાખી “ભાગો , આગ.”

“કોડા, આગનું તો અત્યારે ભણાવીઓ…” હું બોલું ત્યાં તો મારા ડોળા ફાટી ગયા. જૂનું વાયરીંગ દગો દઈ ગયું હુતું. એક તણખો એસીમાંથી નીચે પઈડો.. ને.. આગ ભડકી ઉઠી.

મેં તરત કલાસ થંભાવી પોયરાંઓને એક પછી એક  ઝડપથી બહાર જવા કેહું. દરવાજો એસી ની નજીક ને પાછો **** પ્લાઇવુડનો. ને હાલી મઈલો ‘તો ડેકોરેશન વાળો તે નોબ  પિત્તળના! એકદમ ગરમ, ધગી ગીયા હુતા હોહે. મીં રાડ  નાઇખી: ‘છેલ્લી બેંચ, પેલાં કોણી પર થૂંકો પછી એ કોણીથી દરવાજો  ખોલો. હથેળી થી ની’. નહીં તો હથેળીની ચામડીની મા અણાઈ  જાહે. હળગી જાહે.’ ઈ ચામડી પાતળી હોય. તેને  અતિ ગરમ ચીજ બાળી નાખે. કોણી પાસે ચામડી કઠણ ને જાડી હોય. વિજ્ઞાનનો માસ્તર મુઓ તી’ અત્યારે કામ આઇવું નહીં તો ક્યારે?

મેં પહેલાં તો પેલું લાલ સિલિન્ડર ઉઠાવી પિન ખેંચી નીચે પટક્યું. એમાંથી જે સફેદ ગોટા નીકળ્યા તે આજુબાજુ ફેરવ્યા. આથી મારી સાવ સામેની બેંચો તુરત સળગતાં બચી ગઈ પણ છેક  એસી સુધી તેનો છંટકાવ પહોંચ્યો નહીં. ત્યાં સુધીમાં તો એસી આસપાસની બેંચો અને પાર્ટીશન આગમાં ભરખાઈ ગીયાં હુતાં.

હિંમત કરી કોઈએ નોબ ફેરવ્યો. નોબ તો ખુલ્યો પણ એની  ચામડી ગઈ. તેણે ભયાનક ચીસ પાડી. મેં કહ્યું “જલ્દી પાણી રેડ. બાજુની વૉટરબેગમાંથી. ને જમીન પર હાથ મૂકી દે. ભાગ.” એ નીકળ્યો ને એની કોણી ને હથેળીની ચામડી હોત. છતાં નીચે ધૂળ અડતાં એની હથેળી બચી ગઈ. એક પોયરીએ ચીસો નાખતાં કોણીથી ધક્કો મારી દરવાજો ખોલ્યો ત્યાં તો પ્લાયવુડ ભડભડ સળગ્યું. મેં મોં આડો હાથ રાખી બુમ પાડી “નીચે સુઈ રીખતાં રીખતાં. જલ્દી.”

તેઓ રીખતાં રીખતાં એક પછી એક બહાર નીકળ્યાં.

જ્વાળાઓ ઉપર જવા લાગી. નીચે ધૂંધવાટ, ધુમાડાના ગોટે ગોટા. કાંઈ દેખાય નહીં.

મારૂં જી’ થવું હોય એ થાય. આ મારા વિદ્યાર્થીઓ મારાં પોયરાં છે. પેલાં એને બચાવી પછી જ હું નીકળતો.

મેં પહેલી બેંચે પડેલી એક વૉટરબેગમાંથી પાણી મારા રૂમાલ પર રેડયું. એ જેની હતી એ પોયરીને માથે મૂકી કહ્યું ‘વીંટ ને તારું માથું બચાવ. ” એના સરસ લાંબા વાળ જો આગ પકડે તો પહેલો તેનો ચહેરો ને ખોપરીનું પોલાણ સળગે. આપણને  મરી ગયા  પછી અગ્નિ આપે ત્યારે એમ જ થાય છે. એનું જોઈ આગલી બેંચે બેઠેલી ને હવે કાં તો ડઘાઈને  ઉભી રહી ગયેલી કાં તો ચીસો પાડતી છોકરીઓએ પણ તેમ કર્યું.

મેં તાત્કાલિક ડસ્ટરનો કપડાંનો ટુકડો લઈ એના ઉપર પાણી રેડયું ને એને મારા નાક, મોં પર  દાંત વચ્ચે દબાવી હું બારી તરફ દોડ્યો. આ રીતે મારાં ફેફસાંમાં કાર્બન મોનોકસાઈડ (ધૂંધવાય ત્યારે નીકળતો ઝેરી વાયુ. વિજ્ઞાનમાં આવી ટર્મ તો આવે) જતો રોક્યો.

એક છોકરી બંધ બારી તોડવા એનું બક્કલ મારતી હતી. એનાથી શું થાય? મેં મારી ખુરશી જે એક જ મેટલના પાયાવાળી હતી તે કાચ પર જોરથી લગાવી. તડડ.. કરતો કાચ તૂટ્યો. મેં છુટ્ટો બુટ મારી  બીજો કાચ તોડ્યો.

આગની જ્વાળાઓ હવા મળતાં બહાર જવા લાગી. બહારની ઠંડી હવા અંદર આઇવી એટલે અંદર થોડી મોકળાશ થઈ.  બચવા થોડી મિનીટ મળી.

છોકરીઓ આગલી બેંચે બેઠેલી. તેમને દરવાજો તો દૂર પડે. એક છોકરી કૂદવા ગઈ.  ’12મામાં ઓછા ટકા આવે તો ઈચ્છા હોય તો પડજે, હમણાં નહીં’ કહી  મેં તેની ટાંગો ખેંચી. અમે પાંચમે માળ હતાં. ત્યાંથી કુદો તો બચો જ નહીં. મેં એ લોકોને વચ્ચે આવી નીચે સુઈ વચ્ચે રહેવા કહ્યું.

‘તાત્કાલિક કોઈક રસ્તો કરવો પડશે.’ મીં વિચાર્યું.

આગ બાજુના ક્લાસને પણ અડી ચુકેલી. ફ્રેની ખુદ ગભરાઈ ગયેલી. તેની પે’લેથી પહોળી આંખોના ડોળા બહાર આવવા મથી રહ્યા હતા. તે ધ્રૂજતી હતી. તેનો તો કલાસ પણ રસ્તાની વિરુદ્ધ બાજુ હતો.  બચ્ચાંઓ પણ નાનાં, 8માં ધોરણનાં.હું ફ્રેનીને ઊંચકીને બહાર તરફ દોડ્યો. સામાન્ય સંજોગોમાં આવી ગોરી ચટ્ટ યુવતીને ઊંચકી જતાં શું નું શું થાય, અત્યારે તો કોઈ વિચાર આવે તેમ ન હતો. મેં તેને એ ક્લાસની વચ્ચે મેઈન સ્વિચ હતી તે તરફ દોડાવી. (હહરીના અક્કલબુઠ્ઠા સંચાલકને એટલું ન હમજાયું કે મેઈન સ્વિચ પેસેજમાં કે બારણાં પાસે હોય? આ તો એક ના બે કલાસ કઈરા હોશે  કમાવા ‘તી પે’લાં નું બારણું હશે ત્યાં ભીંત કરી હુતી, એ પણ કદાચ પ્લાયવુડની હશે.  સ્વિચ ખૂબ દૂર. એ પેલાં બંધ કરવી પડે. લોકો મરશે **** સંચાલકને પાપે.

ફ્રેની દોડતી ત્યાં ગઈ ત્યાંતો બારી કે પેસેજમાંથી એક તણખો એના ટોપને લાગ્યો. એ નીચેથી સળગ્યું. મેં એકદમ એને ખેંચીને ફાડયું. એ કઢંગી દશામાં ઉભી રહેવા ગઈ ત્યાં મેં  એને એ જ કપડું હાથ પર વીંટી અત્યંત ગરમ મેઈન સ્વિચ પાડવા કહ્યું. એણે રબરનાં ચપ્પલ પહેરેલાં એટલે વિદ્યુત સર્કિટ એના શરીરમાંથી પસાર થાય એમ નહોતું. મેઈન સ્વિચ બંધ થઈ.  જ્વલન કરતો  પદાર્થ  વિદ્યુત શાંત. બાકીના બે, ઓક્સિજન અને હવા એકલાં કાંઈ ન કરી શકે.

હવા વગર ખૂબ ધુમાડો ને ગૂંગળામણ થવા લાગી.

સદભાગ્યે એ પાર્ટીશન એસબેસ્ટોસનું હતું. અવાહક. મેં એક શીટ તોડવા કાંઈ હોય તો ઝડપથી નજર દોડાવી. મારો એક બુટ તો મારા ક્લાસની બારી તોડવા ફેંકેલો. બીજો બુટ  થાય એટલું જોર કરી પાર્ટીશન પર માર્યો. નાની તડ પડી. મેં માથું માર્યું. મારૂં જોઈ ફ્રેનીએ પણ તેમ કર્યું. એસબેસ્ટોસના ટુકડા હાથમાં આવ્યા. એ તો અવાહક પદાર્થ. બે ચાર બાળકો તરફ એ ફેંક્યા અને કહ્યું કે એ ઓઢીને સૂતાં સૂતાં ઝડપથી બહાર પેસેજમાં ભાગે. પેસેજ અતિ સાંકડો. મારા ક્લાસનાં છોકરાં પણ જતાં હતાં તેનાથી રોકાએલો.

ફ્રેનીનું બહાર ધ્યાન પડ્યું. નજીકમાં એક લીમડાના ઝાડની ડાળી  હતી પણ  હાથ પહોંચે એટલી નહીં. થોડા માટે  ભૂલકાંઓનો જીવનનો માર્ગ ઝુંટવાઈ જશે?

ઓચિંતું મને યાદ આવ્યું. બાઈકનો પ્લગ સાફ કરવાનું સાધન તે દિવસે મારા ખિસ્સામાં હતું તેનાથી મેં હવે ઇલેક્ટ્રિસિટી બંધ થયેલી તેવો લટકતો વાયર ખેંચી કાપ્યો. થોડો ઘસાયો પણ તૂટ્યો નહીં. ફ્રેનીએ તેનું પર્સ બતાવી કહ્યું કે આમાં એક નાનું કટર છે.  પણ ત્યાં તો મેં એ કાપા પાસેથી દાંતથી વાયર સહેજ તોડ્યો અને ખેંચ્યો. ઉપરથી દસ ફૂટ જેવો કટકો હાથ આવ્યો. હવે મેં લાંબા થઈ ફ્રેનીનું પર્સ લીધું. આ સહેલું ન હતું. એ ક્લાસની છત પાછી થર્મોકોલની. ઓલરેડી તૂટીને નીચે પડવા લાગેલી.  ફ્રેનીએ પર્સના પટ્ટાનો એક છેડો ખેંચીને તોડ્યો.

મેં તૂટેલા વાયર સાથે પર્સ ભરાવી ગોળ ગોળ ફેરવી સામે લીમડાની ડાળીમાં ભરાવ્યું.  લંગસીયું નાખ્યું ઇમ કો’. તેની સાથે તોડેલો વાયર. બારી સાથે ગાંઠ મારી. એક એક કરી પાંચ છોકરાંને એ વાયર પરથી ઝાડ તરફ રવાના કર્યાં. ત્યાં તો વાયર તૂટ્યો. એક જઈ રહે તે પહેલાં બીજું છોકરું ટીંગાયેલું. બે નો ભાર ન ઝીલતાં વાયર લટક્યો. બેય પડ્યાં પણ ઝૂલવાને કારણે સીધી નીચે તરફ પડવાની વેલોસિટી ઓછી થઈ ગઈ અને એક પડ્યું બીજે માળ છજા ઉપર ને બીજું અથડાયું નળની પાઇપ સાથે. લો, એ પ્લાસ્ટિકની પાઇપ પણ તૂટી. એની લાત નીચે તરફ વાગતાં પાણીનો ધોધ ઉપર તરફ ફેંકાયો જે બારીમાંથી એ ક્લાસની જ્વાળાઓ પર પડ્યો અને તે ધૂંધવાવા લાગી.

બીજે માળ છજા પર પડેલો છોકરો ઈજા થઇ પણ બચી ગયો. પાઇપ સાથે પાંચમે માળથી પટકાએલો છોકરો મને થયું કે ખોપરી ફાટી મરી જ જશે પણ પાઇપ નીચે ને એ ઉપર પડ્યો.  પહેલો ફોર્સ પાઇપે ઝીલ્યો. ન્યુટન વાળા પ્રત્યાઘાતમાં પાઇપ સાથે એ ઊંચકાઈ ને પડ્યો.એને છાતી પાસેથી પાંસળી તૂટી હશે પણ એ બચ્યો.

નીચે લોકોનાં ટોળાં એકઠાં થવા લાગેલાં. મેં મોં પરથી ડસ્ટર  હટાવી બુમ પાડી કહ્યું કે અમે છોકરાં ફેંકીએ છીએ તે કેચ કરજો. અમે બન્નેએ ફટાફટ એકે પાંચ એમ દસેક છોકરાં ફેંકયાં. જે કેચ કરે તે ખુદ પડતાં છોકરાં ના જોશથી નીચે પડે. એને પણ ઇજા થાય. આમ સાત આઠ છોકરાં વાયરથી ઝાડ પર ને બીજાં દસેક લોકોએ કેચ કરી બચાવ્યાં.

ધુંધવાટમાં કશું દેખાતું ન હતું. ફ્રેનીને મેં ઢસડીને બહાર પેસેજમાં ખેંચી. તેનું ટોપ તો મેઈન સ્વિચ બંધ કરતાં બળી ગયેલું. જીન્સ ધસડાવાથી ખાસ કાંઇ થયું નહીં. તે ખાંસતી ખાંસતી પેસેજમાં ઉભી થઈ. મેં તેને  હાથથી મોં ઢાંકી રાખવા કહ્યું.

મારા ક્લાસના અમુક છોકરાઓ દાદરા પર લપસણી ખાઈ ઉતરવા  લાગેલા. બીજાઓ પગથીએથી હુડુડાટ કરતા. ઓચિંતો દાદરો તૂટ્યો અને સળગ્યો. પગથીયે હતા તે ફસાયા. આ તો લાક્ષાગૃહ જેવી સ્થિતિ થઈ.

તુરત મારાં વિજ્ઞાને મને મગજમાં બુમ પાડી. ‘Stop, drop and roll. ‘

ક્લાસમાં બેસવાની સીટો કોણ જાણે શા માટે, ટાયર પર કવર લગાવી ફેશનેબલ બનાવી હતી. અરે ભાઈ રબર તો એકદમ સળગીને પીગળે! કાર સળગતી જોઈ છે? એનું વ્હીલનું પતરું  દેખાતું હોય, ક્યારેય ટાયર અકબંધ જોયું? ટાયરની સીટ સળગતી હતી તે મેં ગમે તેમ કરી હરક્યુલીસ ની જેમ ઊંચકી. એક છોકરાએ એ વખતે પણ મદદ કરી. મેં ટાયરને ધક્કો મારી ગબડાવ્યું. રોલ થતું ટાયર એ સળગતા દાદરા સાથે અથડાતાં આગ સ્ટોપ થઈ. મેં જે હાથવગું હતું તે ક્લાસમાં સળગતી ચીજો પર ઊલટું પડે તેમ ફેંકવા માંડ્યું.  ચોપડા, નોટો, બોર્ડના ટુકડા વગેરે. હવા કે ઓક્સિજન ન મળે તો આગ રોકાય જ ને, કલાસ શરૂ કરતાં કહેલું તેમ ત્રણમાંથી એકની ગેરહાજરી.

અમે હજુ વીસેક લોકો ફસાયેલા.   એક હજુ લોંદો ન બની ગયેલો  બારણાંનો એલ્યુમિનિયમનો બારેક ફૂટ લાંબો રોડ લઈ એક છોકરાને નીચે ચોથા માળના છજા પર ટેકવી થાય તો  કુદવા  કહ્યું. એ બિચારો સાયન્સ સ્ટુડન્ટ. સ્પોર્ટ્સનો ખેલ ક્યાંથી આવડે? મેં રોડ મારા હાથમાં પકડી બીજો છેડો એને  પકડાવી એને નીચે ધકેલ્યો. રોડ મેં પકડી રાખ્યો.  બાળકોના ઉચકનીચક ની જેમ. ઉચ્ચાલનના નિયમ મુજબ મેં લાકડી બારસખ સાથે દબાવી ઊંચી કરતાં એ નીચે સરકયો અને સીધો ત્રીજા માળના છજા પર ઉભા પગે અથડાયો. પોતાના જ ફોર્સથી છેક નીચે પડ્યો પણ વચ્ચે ત્રીજો માળ સ્પીડબ્રેકરનું કામ કરી ગયો.

પાંચમે માળથી પડે તો પ્રવેગ એટલે કે પડવાની ગતિ વધતી જાય પણ પાંચમેથી ત્રીજા માળે થઈ તે પડ્યો. આ  પ્રવેગમાં બ્રેક તેને બચાવી ગઈ.  તેના સદભાગ્યે નીચે ગંદી ગટર વહેતી હતી તેમાં ભૂંડની જેમ પડ્યો. એ બચી ગયો.  દાઝયો હતો તે ભાગે છમમ.. અવાજ આવ્યો. બીજા બે એ જ રીતે કુદયા  પણ  તે પછી એક મારો વિદ્યાર્થી ખરો. તેણે વાયરથી પાંચમેથી સરકી ત્રીજા માળેથી લટકી બીજા માળના એક શેડની ગ્રીલ પકડી. નીચે લટકી ગયો. ચીંપાંઝી દાળ પકડી ગતિ કરે તેમ. હવે દોઢ માળ જ કુદવાનું. બીજા ત્રણ હિમ્મતબાજો એ રીતે કુદયા.

ત્યાં તો દાદરા પાસેની ભીંત જ પડી. ફ્રેમ મેટલની અને વચ્ચે ઈંટો. ફ્રેમ ગરમીથી પીગળી  વળી ગઈ.  હું સિવિલ એન્જીનીયર નથી પણ વિજ્ઞાન શિક્ષક હોઈ એટલું તો સમજું છું કે કોન્ક્રીટનું  બીમ જ ફ્રેઇમ હોઈ શકે. કોન્ક્રીટ આખરે રેતી છે. એ વિદ્યુત અને ઉષ્મા બન્નેનો અવાહક પદાર્થ છે. અને એલ્યુમિનિયમનું ગલનબિન્દુ ખૂબ નીચું. એ ફ્રેમનો એકદમ લોચો થઈ ગયો.  પાસે ઉભેલા પોયરાઓને મેં ખેંચી લઈ બચાવ્યા. ઠીક, ફ્રેમના લોચા સાથે ઈંટો પડી. ત્રણ છોકરાને માથા પર. એક તો ખોપરી ફાટી પેસેજમાં જ મરણ ને શરણ થઈ ગયો. બીજા બે પ્રતિક્ષિપ્ત ક્રિયાથી જ નીચે વળી ગયા એટલે પીઠ પર માર વાગ્યો પણ બચી ગયા.

બંબાવાળાની સાયરન સંભળાઈ. અરે, કદાચ મારે જ ફાયરબ્રિગેડ ડાયલ કરવો જોઈતો હતો. પણ એ વખતે પ્રેઝન્સ ઓફ માઈન્ડ સામે હોય તેને બચાવવામાં લાગેલું.  આમેય સળગતા ક્લાસમાં મોબાઈલ ન લગાવી શક્યો હોત.

બંબાવાળાઓ પાસે પાંચ માળની સીડી હતી જ નહીં. હહરીની હીડી જ બચુકડી બે માળ જેટલી જ જાય એવી.

ફરી મેં સામે સાઈડમાં લટકતો  ટેલિફોનનો વાયર બહારથી ખેંચી, આગળથી ગૂંચળું બનાવી ગોળ ઘુમાવી  બંબાવાળાતરફ ફેંક્યો. એ રીતે તેની પાસે વાયર આવ્યો તે અમે લટકાવી બે માળ નીચે રસ્તાની એક થી બીજી બાજુ લટકતા લાઈવ વાયર પર બાંધવા કહ્યું. તે પહેલાં એ શેરીનો વીજ પ્રવાહ ટ્રાન્સફોર્મરમાંથી જ બંધ કરાવ્યો. બાકીના છોકરા એ રીતે પહેલાં  ઉભા લટકતા વાયરથી નીચે તરફ સરકી, પછી રસ્તાના વાયર પર સરકી બંબા તરફ જવા લાગ્યા. એમ બાકીના પણ સરકી ગયા.

આખરે ક્લાસમાં બળેલા અવશેષો વચ્ચે હું એકલો બાકી રહ્યો. મને રસ્સી આપી તે બાંધી, લટકીને હું ઉતર્યો.

ફ્રેની ધુમાડો શ્વાસમાં લઈ બેભાન થઈ ગઈ હતી. તેને મેં તેના હોઠ સાથે હોઠ મિલાવી ગાઢ ચુંબન કરતાં કૃત્રિમ શ્વાસ આપ્યો. તેની એક ઉધરસ સાથે મારા મોમાં તેનો ગળફો ગયો. હત્તેરેકી.

મારા બંને ખભ્ભા વજન ખેંચવાથી ઉતરી ગયા હતા.  બુટનો ઉપયોગ આગ સામે કરવાથી ઉઘાડા પગની ચામડી બળીને તતડી ગઈ હતી. જ્યાં ત્યાં છાલાં પડ્યાં હતાં. શર્ટ કાઢી આગ પર  ઢાંકવા પગથી રગદોળ્યો હતો તે બળી ગયો હતો અને પછી ખુલ્લી છાતીના વાળ પણ.

નીચું માથું કરવા છતાં માથાના વાળ ધુમાડાના તણખાઓથી બળી ગયા હતા. મોં ભીના કપડે ઢાંકેલું તેથી ફેફસાં અને અંદરના અવયવો સલામત હતા. એ વખતે મારી પાસે માથું ઢાંકવા કશું ન હતું. મારો રૂમાલ તો નોબ  અને બારીઓ ખોલવા આપી ચુકેલો.

મારા સદભાગ્યે બર્ન્સ બહુ વધુ પ્રમાણમાં ન હતા.

કુલ બે ક્લાસનાં એંસી છોકરાં અને અમે બે શિક્ષક એમ બ્યાસીમાંથી  એ વખતે દસ ની જ જાનહાની થયેલી. એક તો ઈંટ પડતાં મારી સામે. અમુક સળગતી પાર્ટીશન શીટ પડતાં ને અમુક રઘવાયા થઈ મારી સૂચના છતાં પાંચમે માળથી સીધા કુદેલા. એ પણ જો આડા બે હાથ પહોળા કરી બિલાડીની જેમ કુદયા હોત  તો કદાચ બચી જાત, સીધા ડાઈવ મારીને કુદયા તે ભૂલ. એમને લોકો ઝીલે તે પહેલાં જ પટકાઈને મરી ગયેલા.

બીજા ખૂબ દાઝેલા બે છોકરા પછીથી મૃત્યુ પામ્યા. પણ બ્યાસીમાંથી દસ  સિવાય એટલે કે બોતેરને મેં એટલેકે મારા વિજ્ઞાને બચાવ્યા. એટલે જ કે’તો કે વિજ્ઞાનમાં શ્રદ્ધા રાખો. જ્ઞાન ગમે ત્યારે જરૂર કામ આવશે.

ગુરૂપૂર્ણિમાએ સુરત મ્યુનિ.  મારૂં સન્માન કરવાની છે.  તેની કોઈ જરૂર નથી.  શિક્ષક જો ‘ગુરૂ સાક્ષાત્ પરબ્રહ્મ’ કહેવાતો હોય તો એટલી તેની ફરજ છે કે પોતાનાં સંતાનો જેવાં બાળકોને  પહેલાં બચાવે. હું તો આ બચી ગયો ને એની મા ને.. તમારી હામે મારી વાત કે’વા ઉભો છું ને?

અમે હુરતીઓ બાકી બઉ સ્પિરિટવાળા. 1973 નું પુર હોય કે 1995 નો પ્લેગ કે કોઈ પણ હોનારત કે ઇતિહાસની લૂંટ, રાખમાંથી બેઠા થઈ આકાર ધારણ કરવો અમારા DNA માં છે. મારૂં ચાલે તો એ પોરીયાંઓની સ્મશાનની રાખમાંથી એમને ઊભાં કરૂં. પછી લેસન ન લાવવા માટે ઊભાં કરૂં.

કલાસ થોડા વખતમાં ફરી શરૂ થઈ જશે અને ગરજના માર્યા એલઅફફા વાલીઓ ત્યાં જ ફરી મોકલશે. સંચાલક તો ફરાર હતો. હમણાં પકડાયો.

હું અને પેલા કાઢી મૂકેલા માસ્તર નવો કલાસ ખોલવા માંગીએ છીએ. જગ્યા સારી મળે અને પૂરતી સુરક્ષાની વ્યવસ્થા અમે કરી લઈએ ત્યારે. ત્યાં સુધી સંચાલકના છોકરાને અમુક સુધારા કરી કલાસ ખોલવા કહ્યું. સમજાવ્યો  પણ એની તો ***,  એ ની’ માને.

 

eછાપું

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here