પરિવર્તન: કેન્દ્રશાસિત પ્રદેશ લદાખની પોલીસને મળી નવી ઓળખ

0
2792
Photo Courtesy: amarujala.com

કલમ 370ની નાબૂદી બાદ અને જમ્મુ અને કાશ્મીરથી લદાખને અલગ કર્યા બાદ પણ લદાખની પોલીસને તેની પોતાની ઓળખ હજી સુધી મળી ન હતી, જે શનિવારના એક હુકમ બાદ મળી જવા પામી છે.

Photo Courtesy: amarujala.com

લેહ: દેશના સહુથી નવા કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના પોલીસ ખાતાને હવે જમ્મુ અને કાશ્મીર પોલીસ તરીકે નહીં ઓળખવામાં આવે. હવે આ પ્રદેશને પોતાની પોલીસ હશે, તેનું નવું ચિન્હ હશે અને નવો ગણવેશ પણ હશે.

અગાઉ જે જમ્મુ અને કાશ્મીર પોલીસ તરીકે ઓળખાતી હતી તેવા કેન્દ્રશાસિત પ્રદેશ લદાખની પોલીસને હવેથી લદાખ પોલીસ તરીકે ઓળખવામાં આવશે. ગત શનિવારે લદાખ પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ એસ એસ ખંધારેએ એક હુકમમાં નામ પરિવર્તનની જાહેરાત કરી હતી.

ઉપરોક્ત હુકમમાં જણાવવામાં આવ્યું છે કે હવેથી જે કોઇપણ હોર્ડિંગ પર, પોલીસ વાહનો પર, લેટર હેડ્સ પર, ઓફિસની સ્ટેશનરી પર, સિક્કાઓ પર કે અન્ય કોઇપણ જગ્યાએ જમ્મુ અને કાશ્મીર પોલીસ લખેલું હશે તેને બદલીને કેપિટલ અક્ષરોમાં ‘LADAKH POLICE’ તરીકે લખવામાં આવશે.

ગત વર્ષે કલમ 370ની નાબૂદી બાદ પણ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખની પોલીસ જમ્મુ અને કાશ્મીર પોલીસનો જ યુનિફોર્મ પહેરતી હતી જેને હવે ઉપરોક્ત આદેશ બાદ બદલી નાખવામાં આવશે.

31 ઓક્ટોબર 2019ના દિવસે જમ્મુ અને કાશ્મીરને લદાખથી અધિકારીક રીતે અલગ પાડવામાં આવ્યું હતું. 5 ઓગસ્ટે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર તેમજ લદાખના ભાગલા પાડી તેને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાનું બીલ રજુ થયું હતું જે બાદમાં લોકસભામાંથી પણ પસાર થતા કાયદો બન્યો હતો.

લદાખને પોતાની પોલીસ મળવાનું પણ એક અનોખું મહત્ત્વ છે. છેલ્લા ઘણા દાયકાઓથી લદાખના લોકો પોતાને જમ્મુ અને કાશ્મીરથી અલગ કરીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માંગણી કરતા હતા. પરંતુ હવે માત્ર તેમની માંગણી જ નથી સંતોષાઈ પરંતુ હવે તેમને પોતાના જ પ્રદેશનું નામ ધરાવતી પોલીસ પણ મળી ગઈ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here