दिल से रेहमान (7): તમિલ અને હિન્દી ફિલ્મોનો ‘તાલ’ મળ્યો ત્યારે…

0
391

1995માં બોલીવુડમાં પદાર્પણ કર્યા બાદ રહેમાને 1996 અને 1997ના વર્ષમાં વધુ તમિલ ફિલ્મોમાં સંગીત આપ્યું. બે વર્ષમાં કુલ સાત તામિળ ફિલ્મો રહેમાન દ્વારા સંગીતબદ્ધ થઈ.

પ્રભુ દેવા અને નગમાની સુપરહીટ જોડીને લઈને નિર્દેશક પી. વાસુએ ‘લવ બર્ડ્સ’ નામની તમિલ ફિલ્મ બનાવી જે આખી ફિલ્મ લંડનમાં જ તૈયાર થયેલી. આ ફિલ્મનું સંગીત ઘણું લોકપ્રિય થયું અને ફિલ્મના એક ગીત માટે બ્રિટીશ ભારતીય સંગીતકાર અપાચે ઈન્ડીયનને પણ ગાયક અને ડાન્સર તરીકે ફિલ્મમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ કમલ હાસન, મનીષા કોઈરાલા અને ઊર્મિલા માતોંડકરની તમિલ ફિલ્મ ‘ઈન્ડીયન’ આવી જેના પરથી હિન્દીમાં ‘હિન્દુસ્તાની’ ફિલ્મ બની.

આ ફિલ્મ નિર્દેશક શંકરે બનાવી અને તમિલ ફિલ્મજગતની સૌથી વધુ સફળ અને બ્લોકબસ્ટર ફિલ્મ બની રહી. 1996ના વર્ષમાં આ ફિલ્મને ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ ફિલ્મ માટે મોકલવામાં આવેલી પરંતુ નામાંકન ન મળ્યું. ફિલ્મને ત્રણ નેશનલ એવોર્ડ મળ્યા અને કમલ હાસનને હીરો તરીકે ફિલ્મફેર એવોર્ડ પણ મળેલો. આ ફિલ્મ ત્યારબાદ હિન્દીમાં ‘હિન્દુસ્તાની’ નામથી રિલીઝ થઈ. આમ તો ફિલ્મના બધાં જ ગીતો જનતાને પસંદ પડ્યા તેમ છતાં “લટકા દિખા દિયા તુમને”, અને “ટેલિફોન ધૂનમેં હસને વાલી” આ બે ગીત ખૂબ લોકપ્રિય થયેલા.

‘અન્થિમન્થરઈ’ ફિલ્મ ત્રીજી ફિલ્મ હતી જેમાં રહેમાને સંગીત આપ્યું અને આ ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ જીતેલો. નિર્દેશક કથિર દ્વારા રહેમાનની આગલી ફિલ્મ ‘કાધલ દેસમ’ રિલીઝ થઈ. તમિલ ફિલ્મ ખૂબ પ્રસિદ્ધ થઈ તેમ છતાં હિન્દીમાં ‘દુનિયા દિલવાલોં કી’ નામથી રિલીઝ થયેલી આ જ ફિલ્મ પીટાઈ ગઈ. ફિલ્મનું ગીત “મુસ્તફા મુસ્તફા” માટે રહેમાનને સળંગ પાંચમી વાર શ્રેષ્ઠ સંગીતકાર (તમિલ)નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો.

1996ના જ વર્ષમાં પ્રભુદેવાને ડબલ રોલમાં લઈને શિલ્પા શેટ્ટી અને મધૂ સાથે ફિલ્મ ‘મિસ્ટર રોમિયો’ રિલીઝ થઈ. ત્યારબાદ આ જ નામથી ફિલ્મ તેલુગુ અને હિન્દીમાં પણ રિલીઝ થઈ. સંગીત અને ફિલ્મ બંને લોકોને ઓછા પસંદ પડ્યા. 1997નું વર્ષ શરૂ થયું અને પહેલાં જ મહિને પોંગલના દિવસે (14 જાન્યુઆરીએ) રહેમાને સંગીત બદ્ધ કરેલી બે ફિલ્મો રિલીઝ થઈઃ ‘મિન્સારા કનાવુ’ નામની રાજીવ મેનનની ફિલ્મ અને મણિ રત્નમની ‘ઈરુવર’.

‘મિન્સારા કનાવુ’ ફિલ્મમાં પ્રભુદેવા અને અરવિંદ સ્વામી સાથે કાજોલે પહેલી વાર તમિલ ફિલ્મમાં કામ કર્યુ. રહેમાનને આ ફિલ્મ માટે બીજો શ્રેષ્ઠ સંગીતકારનો નેશનલ એવોર્ડ, ચોથો તમિલનાડુ રાજ્ય એવોર્ડ અને સળંગ છઠ્ઠો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. આ જ ફિલ્મ પછી હિન્દીમાં ‘સપને’ નામથી રિલીઝ થઈ અને “ચન્દા રે ચન્દા રે”, ‘આવારા ભંવરે”, “એક બગિયામેં” ગીતોએ બોલીવુડમાં ધૂમ મચાવી દીધી. આ ફિલ્મના ગીત “થંગા થામારાઈ” (હિન્દી ફિલ્મમાં “દૂર ન જા હમસે”) માટે SPBના અવાજની પીચ થોડી ઓછી પડતી હતી તો રહેમાને માઈકને થોડું ઊંચું ગોઠવીને આ ગીત ગવડાવ્યું. તે જ રીતે ચિત્રાને “ઉહ લા લા લા” (હિન્દી ફિલ્મમાં “એક બગિયામેં”) ગીત માટે ખૂબ જ મોટેથી ગાવાનું કહ્યું – આ બંને ગીત માટે SPB અને ચિત્રાને નેશનલ એવોર્ડ મળેલા.

મણિરત્નમની ફિલ્મ ‘ઈરુવર’ પણ તે જ દિવસે રિલીઝ થઈ જેમાં મોહનલાલ અને પ્રકાશ રાજ સાથે 1994ની મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયે પહેલી વાર ફિલ્મમાં કામ કર્યુ. 1997ના ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મ દર્શાવવામાં આવી.

હવે રહેમાને ફરી હિન્દી ફિલ્મોમાં ઝંપલાવ્યું.

‘રંગીલા’ પછી રામ ગોપાલ વર્માએ પોતાની ફિલ્મ ‘દૌડ’ માટે બીજી અને છેલ્લી વાર રહેમાન સાથે કામ કર્યું. આ ફિલ્મ શરૂ થઈ ત્યાં સુધી સંજય દત્ત જેલમાંથી બહાર આવી ગયેલો અને ઊર્મિલા પણ બોલીવુડમાં પ્રસિદ્ધ થઈ ગયેલી. ફિલ્મમાં આઠ ગીત હતા પરંતુ “ઓ ભંવરે” અને શીર્ષક ગીત “ઈધર દૌડ હૈ” ગીતો જ સારા બન્યા. ‘રંગીલા’ જેવી અપેક્ષા હોવા છતાં આ ફિલ્મ વધુ સમય ચાલી નહીં અને એક મધ્યમ હીટ રહી. આ ફિલ્મ પછી રહેમાન અને રામુએ કદી સાથે ફિલ્મ ન કરી પરંતુ મણિ રત્નમની ફિલ્મ ‘દિલ સે’ માટે રામુ નિર્માતા તરીકે જોડાયેલા રહ્યા.

ત્યારબાદ દીપા મહેતાની ‘ફાયર’ (જે ઈસ્મત ચુગ્તાઈની વાર્તા ‘લિહાફ’ પરથી બનેલી) માટે રહેમાને સંગીત આપ્યું. ફિલ્મમાં 16 ઈન્સ્ટ્રુમેન્ટલ થીમ ગીતો હતા – જેમાંથી બે થીમ ગીત (“રામાયણ” અને “અલ્લાહ હુ”) સિવાય બધાં જ ગીતો રહેમાને સંગીતબદ્ધ કરેલા. 1997ની છેલ્લી ફિલ્મ ‘રત્ચગન’ માટે પણ રહેમાને સંગીત આપ્યું.

***

1998માં ચાર હિન્દી ફિલ્મોમાં રહેમાન વ્યસ્ત રહ્યો – ‘કભી ના કભી’, ‘જીન્સ’, ‘દિલ સે’ અને ‘ડોલી સજા કે રખના’!

‘કભી ના કભી’ ફિલ્મ પ્રિયદર્શને બનાવેલી અને આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત અને જાવેદ અખ્તર દ્વારા લખાયેલા ગીતો માટેનું સંગીત રહેમાને આપ્યું. તે ઉપરાંત ફિલ્મના નિર્દેશકે કરેલી વિનંતી મુજબ રહેમાને 1994 માં આવેલી તમિલ ફિલ્મ ‘ડ્યુએટ’નાં “અંજલિ અંજલિ” ગીતનો આ ફિલ્મમાં ફરીથી ઉપયોગ કર્યો. તેના પરથી બનેલું “મિલ ગયી મિલ ગયી” ગીત એકમાત્ર ગીત છે જે કુમાર સાનુએ એ.આર. રહેમાન માટે ગાયું છે. આ જ નિર્દેશક પ્રિયદર્શનની ફિલ્મ ‘ડોલી સજા કે રખના’ માટે રહેમાને ગીતો સંગીતબદ્ધ કર્યા પરંતુ આ ફિલ્મના લગભગ બધાં જ ગીતો રહેમાનની જ તમિલ ફિલ્મ ‘જોડી’માંથી લેવાયા હતા.

‘જીન્સ’ ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને પ્રશાંતની જોડીએ ધૂમ મચાવી અને 1997ના ઑસ્કર એવોર્ડ માટે પ્રવેશ પામી સાતેય(તેમ છતાં નામાંકન ન મળ્યું). આ ફિલ્મના બે ગીત લોકપ્રિય થયાઃ એક ગીતમાં ઐશ્વર્યા-પ્રશાંત દુનિયાની  અજાયબી સામે નાચે છે (“પૂવુક્કુલ ઓલીન્થિરુક્કુમ” – હિન્દી ફિલ્મમાં “અજૂબા”) અને “કોલંબસ કોલંબસ”. 1990 ના દાયકાની રહેમાનની મણિ રત્નમ સાથેની છેલ્લી ફિલ્મ હતી ‘દિલ સે’.

‘દિલ સે’ એ 1998 ની રોમેન્ટિક ફિલ્મ હતી જે મણિરત્નમ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત ફિલ્મ હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને મનીષા કોઈરાલા મુખ્ય ભૂમિકામાં હતા અને પ્રીતિ ઝિન્ટાએ આ ફિલ્મમાં સહાયક અભિનેત્રીનો રોલ કરી ફિલ્મોમાં પદાર્પણ કર્યુ. આ ફિલ્મનું શૂટિંગ મુખ્યત્વે હિન્દી ભાષામાં કરવામાં આવ્યું હતું, પરંતુ દિગ્દર્શક મણિ રત્નમે પણ ‘ઉયીરે’ શીર્ષકથી તમિલમાં આ ફિલ્મ ડબ કરીને રજૂ કરી. શાહરૂખ ખાનના સંવાદ અરવિંદ સ્વામીએ ફિલ્મમાં ડબ કર્યા હતા.

આ ફિલ્મ ‘એરા ન્યૂ હોરાઇઝન્સ ફિલ્મ ફેસ્ટિવલ’ અને ‘હેલસિન્કી આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ’માં દર્શાવવામાં આવી હતી. ફિલ્મે સિનેમેટોગ્રાફી, ઓડિયોગ્રાફી, કોરિયોગ્રાફી અને સંગીત માટે એવોર્ડ જીત્યા હતા. યુનાઇટેડ કિંગડમના ઑફિસ ચાર્ટમાં ટોપ 10 માં પ્રવેશ કરનારી આ ફિલ્મ પ્રથમ ભારતીય ફિલ્મ બની રહી અને જાપાનમાં પણ તે સુપરહીટ રહી હતી. આ ફિલ્મે બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને છ ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા, જ્યારે નેટપૅક એવોર્ડ્સમાં પણ ફિલ્મનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એ.આર. રહેમાન દ્વારા કંપોઝ કરવામાં આવેલી આ ફિલ્મનો આલ્બમ ભારતમાં 60 લાખ જેટલી કેસેટોનું વેચાણ કર્યુ.

‘દિલ સે’ ફિલ્મના પ્રિમિયરનો આ વિડીયો જુઓઃ

ફિલ્મમાં છ ગીતો છે અને તેના ઉત્કૃષ્ટ મખમલી ગીતો માટે આ ફિલ્મ ઉચ્ચ પ્રતિષ્ઠા મેળવી શકી. ફિલ્મના ગીતો “છૈયા છૈયા”, “દિલ સે રે”, “એ અજનબી, તુ ભી કભી”, “જીયા જલે, જાન જલે”, “સતરંગી રે” અતિ લિકપ્રિય થયા. સૂફી સંગીતથી મઢાયેલ “છૈયા છૈયા” ગીત બુલ્લેહ શાહ દ્વારા સુફી લોકગીત “થૈયા થૈયા” પર આધારિત હતું અને આ ગીત બોમ્બે ડ્રીમ્સમાં ‘ઈનસાઇડ મેન’ નામની ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. રહેમાનને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. “દિલ સે રે” ગીતને શ્રેષ્ઠ ગીતનો MTV વિડીયો સંગીત એવોર્ડ મળ્યો. “છૈયા છૈયા” ગીત બી.બી.સી. વર્લ્ડ સર્વિસના હંમેશા સાંભળવા જેવા 10 ગીતોમાં નવમો ક્રમ પામ્યું.

***

1999માં ‘એન સ્વાસા કાત્રે’, ‘પદ્યપ્પા’, ‘કધાલાર ધીનમ’, ‘સંગમમ’, ‘જોડી’, ‘મુધાલવન’, ‘તાજ મહાલ’ જેવી તમિલ ફિલ્મો અને ‘તાલ’, ‘અર્થ’ અને ‘તક્ષક’ જેવી હિન્દી ફિલ્મોમાં રહેમાને સંગીત આપ્યું.

‘તાલ’ એ 1999 ની એક ખૂબ જ સફળ અને સુભાષ ઘઈ દ્વારા રચિત, સંપાદિત, નિર્મિત અને નિર્દેશિત ફિલ્મ હતી. આ ફિલ્મનો શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 2005માં પણ સમાવેશ થયેલો. આ ફિલ્મ તમિલમાં ‘થાલમ’ તરીકે રિલીઝ થયેલી. ફિલ્મમાં અનિલ કપૂર, અક્ષય ખન્ના, ઐશ્વર્યા રાય, અમરીશ પુરી અને આલોક નાથની મુખ્ય ભૂમિકા હતી તેમ છતાં ફિલ્મનું સંગીત આ દરેક કલાકારોને પાછળ છોડી ગયું. આ ફિલ્મનું સંગીત એ.આર. રહેમાને અને ગીતો આનંદ બક્ષીએ લખેલા.

“ઈશ્ક બિના ક્યા જીના યારો”, “તાલ સે તાલ મિલા”, “રમતા જોગી”, “કરીયે ના”, “ની મૈં સમજ ગયી”, “કહીં આગ લગે” જેવા સૂરીલા ગીતો સાથે 12 જૂન 1999 ના રોજ ‘તાલ’ નો ઓડિયો રીલિઝ થયો હતો અને તરત જ સફળતા મળી.

રહેમાન દ્વારા પ્રદાન થયેલ સંગીતને કારણે જ ફિલ્મનું નામ ‘તાલ’ આપવામાં આવ્યું. ફિલ્મના નિર્દેશક સુભાષ ઘઈને ફિલ્મનું સંગીત એટલું સારું લાગ્યું કે ફિલ્મનો એક અભિન્ન ભાગ હોવાથી તેમણે નક્કી કર્યું કે ફિલ્મનું નામ પણ તેના એક પ્રકારના આદર સ્વરૂપ હોવું જોઈએ. એક પ્રેસ કોન્ફરન્સમાં સુભાષ ઘઈએ કહેલું, “હું આ ફિલ્મનું નામ સંગીતકાર રહેમાનને અર્પણ કરું છું. આ ફિલ્મ એક મૂવી રોમાન્સની કથા છે જેને હું ‘દિલ’, ‘પ્યાર’, ‘હમ ભાગ ગયે’ જેવા કોઈ પણ શીર્ષક હેઠળ રિલીઝ કરી શકત પરંતુ આ ફિલ્મમાં રહેમાનની હાજરીએ મને આત્મવિશ્વાસ આપ્યો. તાલ એટલે સંગીત અને સંગીત એટલે તાલ. આ ફિલ્મનો સમગ્ર શ્રેય રહેમાનને અને આનંદ બક્ષીને જાય છે. ફિલ્મનું સંગીત બનાવતી વખતે રહેમાને મને ઘણી રાતો જગાડ્યો છે, પરંતુ આ ગીતો સાંભળ્યા પછી મને લાગ્યું કે તે બધી જ રાતો મૂલ્યવાન છે”.

સુભાષ ઘઈ પોતાની ફિલ્મ ‘તાલ’ અને રહેમાન સાથે કઈ રીતે આ સંગીત બન્યું એની વાત માંડે છે આ વિડીયોમાંઃ

ઓડિયો પ્રકાશનના એક જ મહિનામાં તેની 18 લાખ કરતા વધુ નકલો વેચાઇ ગઈ. પ્લેનેટ બોલીવુડ દ્વારા સંકલિત, આ ફિલ્મને “ગ્રેટેસ્ટ બોલીવુડ સાઉન્ડટ્રેક્સ ઑફ ઑલ ટાઇમ” ની સૂચિમાં સ્થાન મળ્યું. રહેમાનને ફિલ્મમાં સંગીત આપવા બદ્દલ ઘણા એવોર્ડ્સ મળ્યા – ફિલ્મફેર, આઈફા, ઝી સીને એવોર્ડ, સ્ક્રીન એવોર્ડ, વી. શાંતારામ એવોર્ડ અને બોલીવુડ મૂવી એવોર્ડ – અને દરેક એવોર્ડ શ્રેષ્ઠ સંગીત માટે જ!

સુભાષ ઘાઈ એ જ રહેમાનને હિન્દી ભાષા શિખવાની વિનંતી કરી હતી, કહ્યું હતું કે જો રહેમાનને હિન્દી ફિલ્મોમાં આગળ વધવું હોય તો હિન્દી ભાષા શીખવાની જરૂર છે. રહેમાને તેમની સલાહને અનુસરી. આજે તે ફક્ત અંગ્રેજી અને તમિલમાં જ નહીં, પણ હિન્દી, ઉર્દુ અને તેલુગુમાં પણ અસ્ખલિત બોલી શકે છે.

‘દિલ સે’ ફિલ્મમાં “છૈયા છૈયા” ગીત ગાયા બાદ સુખવિંદર સિંઘને નવજીવન મળ્યું અને ફિલ્મના સંગીતથી પ્રભાવિત થઈને તેણે રહેમાનને પત્ર લખ્યો. રહેમાને તેને ફોન કરીને બોલાવ્યો અને ગીત ગાવાની નહીં પરંતુ ગોવિંદ નિહલાનીની ફિલ્મ ‘તક્ષક’ માટે ગીત લખવા માટે વાત કરી. સુખવિંદરે “મુજે રંગ દે” ગીત લખ્યું અને તે સુપરહીટ નીવડ્યું.

‘રંગીલા’થી ‘તક્ષક’ (1990 ના દાયકામાં રહેમાનનો અંતિમ આલ્બમ) સુધી રહેમાને 23 હિન્દી અને તમિલમાં બનેલી ફિલ્મો સંગીતબદ્ધ કરી. તમિલમાં બનેલી કૃતિઓ રહેમાનની હિન્દી કૃતિની સરખામણીએ વધુ લોકપ્રિય રહી અને આજે પણ કેટલાક તમિલ ગીતો એવા છે જે તેના ચાહકો માટે શ્રેષ્ઠ ગીતો ગણાય છે. 1990 ના દાયકાનો રહેમાનના જીવનનો અત્યંત મહત્ત્વનો બનાવ એટલે આલ્બમ ‘વંદે માતરમ’, જેની વાત આવતા અઠવાડિયે!

આજનો વિડીયોઃ

આજે ‘તાલ’નું શીર્ષક ગીત ગાયિકા અલ્કા યાજ્ઞિકને કેવી રીતે મળ્યું અને રહેમાન સાથે આ ગીત ક્યારે ગવાયું એની વાતઃ

eછાપું 

તમને ગમશે – Late Review- ઈરુવર: પ્રેમ, પાવર અને દોસ્તી ની વાર્તા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here