રામચંદ્ર સિરીઝ ,શિવા ટ્રાઈલોજી અને અમીષ ત્રિપાઠીનું પુરાતન ભારત

0
258
રામચંદ્ર સિરીઝ- પહેલી બે નવલકથાઓ Courtesy: Snapdeal

માણસ ત્યારે મહાદેવ બને છે જયારે એ અનિષ્ટનો નાશ કરવા ધર્મયુદ્ધ માં ઉતરે છે. હું એકલો મહાદેવ નથી, મારી સમક્ષ લાખો મહાદેવ ઉભા છે. લાખો મહાદેવ જે અનિષ્ટ સામે લડવા તૈયાર થયા છે, લાખો મહાદેવ જે અનિષ્ટનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. આવું બોલતા શિવા ની સામે મેલુહાના સૈનિકો દિગ્મૂઢ થઇ એકબીજાને જોઈ રહ્યા છે, અને વિચારી રહ્યા છે. શું અમે પણ મહાદેવ છીએ? અને આ સવાલનો જવાબ શિવા પાસે છે. હર એક હૈ મહાદેવ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. આ ભાગ લેખક અમીષ ત્રિપાઠી ની પહેલી અને અતિ વખણાયેલી નવલકથા ધ ઈમ્મોર્ટલ્સ ઓફ મેલુહા નાં અંત ભાગ માંથી લીધેલો છે. જેમાં ભગવાન શિવને કઈ રીતે એક સામાન્ય આદિવાસી લીડર થી મહાદેવ બનવાનો પ્રવાસ દર્શાવ્યો છે. આ લેખ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મહાદેવને યાદ કરવાનો અને એ નિમિત્તે અમીષ ત્રિપાઠીએ ઉભી કરેલીપૌરાણિક ભારત ની સૃષ્ટિ અને એના થોડા અનન્ય પાસાઓ પર એક નજર નાખવાનો એક નમ્ર પ્રયાસ છે.

51qGuXN2Q2BL._SX320_BO1204203200_

શિવા ટ્રાઈલોજી ના પોસ્ટર્સ: Courtesy: Amazon

શિવા ટ્રાઈલોજી ત્રણ નવલકથાઓનો સમૂહ છે. The Immortals of Meluha(એટલે કે મેલુહાના અવિનાશીઓ), The Secret of Nagas(એટલે કે નાગવંશનાં રહસ્યો) અને The Oath Of Vaayuputras(એટલેકે વાયુપુત્રોના શપથ). અને આ સિવાય અમીષ ત્રિપાઠીએ અત્યારે રામચંદ્ર સિરીઝ શરુ કરી છે. જેમાં Ram: The Scion Of Ikshvaku(એટલે રામ: ઈક્ષ્વાકુના વંશજ), Sita: Warrior Of Mithila(સીતા: મિથિલાની યોદ્ધા) બે પુસ્તકો પ્રકાશિત થઇ ગઈ છે અને ત્રીજી, Raavan: The Orphan of Aaryavarta(રાવણ: આર્યાવર્તનો અનાથ) આ વર્ષના અંતમાં પ્રકાશિત થવાની છે. આ પાંચ પુસ્તકોમાં અમીષ ત્રિપાઠીએ પૌરાણિક ભારતની એક સરસ અને એક અલગજ સૃષ્ટિ ઉભી કરી છે. જેમાં થોડું લોજીકલ છે અને થોડું માયથોલોજીકલ પણ છે. આ બધાની શરૂઆત ધ ઈમ્મોર્ટલ્સ ઓફ મેલુહા થી થઇ, અને હજી એ સૃષ્ટિ રામચંદ્ર સિરીઝ ની આગળની નવલકથાઓમાં પણ આવવાની છે. આવો એના અમુક યુનિક પાસાઓ પર નજર કરીએ.

ramchandraseries-50490

રામચંદ્ર સિરીઝ- પહેલી બે નવલકથાઓ Courtesy: Snapdeal

માયથોલોજી નહિ, વાસ્તવિકતા

આપણે વર્ષોથી કહેતા આવીએ છીએ કે જેમ અમેરિકા પાસે બેટમેન, સ્પાઈડર મેન કે કેપ્ટન અમેરિકા છે, એમ આપણી પાસે પણ હનુમાન, ભીમ કે ભગવાન રામ છે. આ સુપરહીરો કોઈ સીધે સીધા સુપરહીરો નથી થયા, એની ઓરિજીન સ્ટોરીઝ અને સામાન્ય માણસથી લઇ સુપરહીરો સુધીનો વિકાસ અને એનો સંઘર્ષ અમેરિકાએ જોયેલો છે. સામે આપણા સુપરહીરો, જે સાથે સાથે આપણા ભગવાન પણ છે એની ઓરિજીન સ્ટોરીઝની આપણને વેદ, પુરાણો અને કથાકારો ના મોઢે સાંભળેલી વાર્તાઓ સિવાય ખાસ ખબર નથી. અને આપણી પાસે જે કંઈ પણ છે એ ટોટલી ભક્તિ રસ થી ભરપૂર છે. અને હવે તો આપણા વડીલો પણ આ વાત સ્વીકારે છે કે આ ભક્તિરસ આપણા યુવાનોને બહુ ઓછો ખપે છે. એટલે અહીંયા અમીષ ત્રિપાઠીએ આપણા હીરોઝ ને એકદમ માનવીય ટચ આપ્યો છે. અને એ કરવામાં આપણી પૌરાણિક કથાઓને પણ વફાદાર રહેવાનો પ્રયાસ પણ કર્યો છે.

જેમકે અમીષ ની પૌરાણિક ભારતીય સૃષ્ટિમાં મહાદેવ અને વિષ્ણુ એ ભારતના સમાજને જાળવી રાખતી સંસ્થાઓ છે અને જેમ દર પાંચ વર્ષે ભારતનાં વડાપ્રધાન બદલાય એમ સમય આવ્યે ભારતને નવા વિષ્ણુ અને નવા મહાદેવ મળતા રહે. શિવા ટ્રાઈલોજીમાં શિવા પહેલા રામ સાતમાં વિષ્ણુ તરીકે જીવ્યા હતા, અને એ પહેલા ભગવાન રુદ્ર -જેણે અસુરો નો સંહાર કરી દેવ અને દાનવો વચ્ચે શાંતિ સ્થાપી- એ મહાદેવ હતા. રામચંદ્ર સિરીઝની વાર્તામાં રામ અને સીતા માંથી હવેના વિષ્ણુ કોણ બનશે અને કઈ રીતે એ એક મહત્વનો મુદ્દો છે. અને વિષ્ણુ અને મહાદેવને તાલીમ આપવા માટે માલયપુત્રો, વાયુપુત્રો, વાસુદેવો જેવા સમૂહો છે જેની જે-તે વિષ્ણુ કે મહાદેવે આગળ વિષ્ણુ કે મહાદેવની મદદ કરવા માટે નિમણુંક કરેલી હોય.

ઉપરાંત આપણી પૌરાણિક કથામાં જોવા મળતા પાત્રો, વસ્તુઓ અને ઘટનાઓને પણ અલગ અને માનવીય ટચ આપ્યો છે. શિવા ટ્રાઈલોજીમાં ગણેશ અને કાલી અને રામચંદ્ર સિરીઝનાં હનુમાન અને જટાયુને અમીષ ત્રિપાઠીએ નાગ જાતિના દર્શાવ્યા છે, જેમાં જન્મજાત કોઈ ખામીના લીધે એમના શરીરનાં અમુક ચોક્કસ અંગોનો સામાન્ય કરતા અલગ રીતે વિકાસ થયો હોય.(દા.ત. કાલીના વધારાના હાથ એ એના હાડકાની વિશિષ્ટ રચના હોય અને જટાયુ નાં નાક આસપાસના ખોડખાંપણ વાળા હાડકા એને ગરુડ નું રૂપ દેતા હોય). શિવા ટ્રાઈલોજીમાં નંદી એક બળદ ને બદલે મેલુહાનો બહાદુર મેજર હોય અને રામચંદ્ર સિરીઝમાં મંથરા કૈકેયીની દાસીના બદલે એની મિત્ર અને મહત્વની વ્યાપારી હોય. આપણી પૌરાણિક કથાઓમાં દર્શાવેલા દેવોનાં પીણા સોમરસને એક પણ આ બંને સિરીઝમાં વૈજ્ઞાનિક એંગલ આપ્યો છે. આવા નાના મોટા ઘણા બદલાવ લાવીને અમીષ ત્રિપાઠીએ ભગવાન રામ અને મહાદેવ શિવ ને મારી તમારી જેવા સામાન્ય માણસ દર્શાવી એમની ભગવાન બનવા પ્રત્યેની સફર આપોઆપ પ્રેરણા દાયક બનાવી છે.

શિવ ની પહેલા રામ

ધ ઈમ્મોર્ટલ્સ ઓફ મેલુહા ના બીજા જ પ્રકરણમાં શિવાને રામનામ વળી શાલ પહેરતા દર્શાવ્યા છે. મેલુહા પોતે ભગવાન રામ ના આદર્શો અને એના રામરાજ્યનાં સિદ્ધાંત પર ચાલતું રાજ્ય છે. મતલબ અમીષ ત્રિપાઠીનાં પુરાતન ભારતમાં રામ શિવનાં ત્રણેક હજાર વર્ષ પહેલા થઇ ગયેલા રાજા છે. જે આપણા સામાન્ય દ્રષ્ટિબિંદુની બહાર ની વસ્તુ છે. શિવા ટ્રાઈલોજીનાં પહેલા બે ભાગ પછી મેં The Scion of Ikshvaku વાંચી, અને એ વાંચ્યા પછી પણ મને એવું લાગ્યું કે રામને શિવની પહેલા મૂકવું એ અમીષ ત્રિપાઠીની એક વાર્તા કહેવાની સ્પેશિયલ રીત હોવી જોઈએ. પણ ખરેખર એવું નથી, અને આ વાત નો અણસાર શ્રી રામચરિતમાનસ માંથી મળે છે.

મીત્ર‌‌ પ્રતિક ભટૃ નાં ધ્યાન દોર્યા મુજબ શ્રી રામચરિતમાનસમાં બાલકાંડની શરૂઆતમાં ઋષિ ભારદ્વાજ ઋષિ યાજ્ઞવલ્ક્યને રામકથા સંભળાવવાનું કહે છે. અને જવાબમાં ઋષિ યાજ્ઞવલ્ક્ય કઈ રીતે શિવ પાર્વતીને રામકથા સંભળાવે છે એની વાત છે. અને એ વાતમાં ઋષિ યાજ્ઞવલ્કય શિવકથા પણ સવિસ્તાર વર્ણવે છે, જેમાં શિવ અને સતીની રામ સાથે મુલાકાત, સતીએ રામની કરેલી પરીક્ષા સિવાય દક્ષનો યજ્ઞ, એમાં શિવનું અપમાન, માતા સતીનું સ્વબલિદાન આ બધીજ કથા રામકથા શરુ થતા પહેલા સવિસ્તાર વર્ણવી છે. અને પછી ખરી રામકથા શરુ થાય છે.

શિવા ટ્રાઈલોજી અને રામચંદ્ર સિરીઝનું આના સાથે સરસ સામ્ય છે. તુલસીદાસ અને અમીષ ત્રિપાઠી બંનેની વાર્તાઓમાં રામ શિવની પહેલા થયા હોય એવું દેખાડે છે. અને આપણને પહેલા શિવ ની કથા કહેવાય છે અને એ પછી રામકથા શરુ થાય છે. અમીષ ત્રિપાઠીએ 2010 થી 2013 સુધી ત્રણ ભાગમાં આપણને શિવાની વાર્તા સંભળાવી અને હવે 2015થી રામચંદ્રની કથા સંભળાવે છે, જેમાં કમસેકમ બે નવલકથાઓ હજી આવવાની બાકી છે.

જીવન જીવવાનાં બે રસ્તા

જીવન જીવવવાના બે રસ્તા છે. એક પૌરુષી જીવનરીતિ(Masculine way of life) જેમાં સત્ય, ધર્મ અને સમ્માનને મહત્વ આપવામાં આવે છે. અને બીજી સ્ત્રૈણ જીવનરીતિ(Feminine way of life) જેમાં સ્વતંત્રતા, જુસ્સો અને રચનાત્મકતા ને મહત્વ આપવામાં આવે છે. સમાજ એક સમયે બે માંથી કોઈ એક જ રસ્તો પસંદ કરે છે. અને જયારે એકજીવનરીતિ પડતીનો સમય ચાલુ થાય એટલે બીજી જીવનરીતિ આપોઆપ એની જગ્યા લેવાનું શરુ કરે છે.

શિવા ટ્રેઈલોજીનું મેલુહા પૌરુષી જીવનરીતિ માં જીવે છે, જેમાં દરેક મેલુહા વાસી એક નિશ્ચિત નિયમોનું પાલન કરે છે. પણ આ રસ્તાના પડતી કાળમાં લોકો કટ્ટરવાદી, જડ અને નબળા લોકો તરફ કઠોર થઇ જાય છે. નિયમોનું પાલન કરવા પાછળ મેલુહા વાસીઓ પોતાના જ લોકોને હેરાન કરી મૂકે છે અને એને એની જ સમસ્યાઓથી બચાવવા એક બહાર થી આવેલા નીલકંઠ ની જરૂર પડે છે. જયારે રામચંદ્ર સિરીઝનું અયોધ્યા એની સ્ત્રૈણ જીવનરીતિના પડતી કાળમાં જીવે છે. એક સમયે કલા અને સ્વતંત્રતાનું ધામ બનેલું મહારાજ દશરથનું અયોધ્યા રાવણ સામે ના યુદ્ધની હાર પછી ભ્રષ્ટ, ગેરજવાબદાર અને અનીતિના માર્ગે જતો સમાજ બની જાય છે.

આ વાત આજના રાજકારણ તરફ પણ આંગળી ચીંધે છે. એક સમયે ઉદારતા અને ક્રિએટિવિટી જેવી ફેમિનાઈન જીવનરીતિ નો પર્યાય બનેલું અમેરિકા કઈ રીતે ભ્રષ્ટ અને ગેરજવાબદાર બની ગયું છે અને બીજી તરફ કઈ રીતે આપણે ભ્રષ્ટચાર અને ગેરરીતિ થી ઘેરાયેલી સરકારના બદલે નિયમોને વફાદાર, સત્ય પાલન કરતી અને દેશને સમ્માન આપતી સરકારને જ એક પછી એક રાજ્યોની કમાન સોંપતા જઈએ છીએ. બસ મહાદેવ ની કૃપા આપણા પર બનતી રહે અને આપણે આ માસ્ક્યુલાઇન જીવનરીતિની પડતી ને ટાળી શકીએ.

અને એ સાથેજ,

હર હર મહાદેવ……

તમને ગમશે: 102 Not Out – વૃદ્ધાવસ્થા એ ફક્ત માનસિક પરિસ્થિતિ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here