આહાર અને જાતિવાદ – આઝાદીના સાત દાયકા પછી પણ ‘હમ સાથ સાથ હૈ’?

0
102
Photo Courtesy: bigapplecurry.com

આહાર અંગે તાજેતરમાં એક કિસ્સો બન્યો: બેંગલુરુના એક કેટરીંગવાળાએ છપાવેલા બેનર પરથી વિવાદ જાગ્યો છે. વકીલ અને આંદોલનકાર ડૉ. બી. કાર્થિક નારાયણે ટ્વીટ કરેલા બેનરમાં લખેલું છે –  બ્રાહ્મણ લંચ બોક્સ અને ભોજન સર્વિસ! ઘણા દલિત અધિકાર કાર્યકર્તાઓએ આ ‘જાતિવાદી’ બેનર ઍડ સામે વિરોધ કર્યો છે. એમણે એવો દાવો કર્યો છે કે દરેક વખતે દલિતોને મુખ્યપ્રવાહના ખાદ્ય પદાર્થોની પસંદગીઓમાંથી બાકાત કરવાની આ પરંપરાગત રીત છે. કહેવાતા ‘નિમ્ન-જાતિ’ સાથે સંકળાયેલા રસોઈના પ્રવાહો ભારતીય રાંધણ સંસ્કૃતિમાંથી વ્યવસ્થિત રીતે બહાર કાઢી નાખવામાં આવ્યા છે, એવો એમનો દાવો છે.

Photo Courtesy: bigapplecurry.com

ખોરાક એ મહત્વપૂર્ણ પદાર્થોનો એક સ્રોત છે જે મનુષ્યોને, પ્રાણીઓને જીવંત રાખે છે. મોટે ભાગે, ખોરાકને શાકાહારી અને માંસાહારી ખોરાકમાં વિભાજિત કરવામાં આવે છે. ખોરાકનો ઇતિહાસ રસપ્રદ છે કારણ કે પુરાતત્વીય સર્વેક્ષણોએ દર્શાવ્યું છે કે બૌદ્ધ ધર્મના આગમન પહેલાં ગોમાંસ મહત્વનો ખોરાક હતો. કહેવાતા બ્રાહ્મણો સહિત સમાજના તમામ વર્ગો દ્વારા ગોમાંસ ખાવામાં આવતું. સમ્રાટ અશોકે જ્યારે બલિદાનોના તમામ સ્વરૂપો પર પ્રતિબંધ મૂક્યો, લોકો શાકાહાર તરફ વધુ વળ્યા. ભારતમાં લોકો અને ખોરાક વચ્ચેનો સંબંધ જાતિ પ્રણાલી સુધી વિસ્તરેલો છે. સૌથી વધુ પુરોહિત જાતિના સભ્યો, ‘બ્રાહ્મણ’, શાકાહારી હોવાનું કહેવાય છે અને માંસ ખાવાથી દૂર રહે છે. માંસ તેમના માટે અશુદ્ધ તેમજ અખાદ્ય છે કારણ કે તે નિર્દયતા અને મૃત્યુનું પરિણામ છે. જો બ્રાહ્મણ માંસને ખાવા માટે અથવા તેમની જાતિના ગંભીર આહાર સંહિતાના અન્ય ઉલ્લંઘન માટે જવાબદાર બને તો તેમને અત્યંત પ્રદૂષિત ગણવામાં આવે છે અને તેમને તેમની શુદ્ધતાને પુનઃસ્થાપિત કરવા માટે વિવિધ શુદ્ધ ધાર્મિક વિધિઓ કરવી પડે છે.

ઉચ્ચ યોદ્ધાઓ ‘ક્ષત્રિય’ બિન-શાકાહારી ખોરાકના ઉપયોગ માટે જાણીતા છે. માંસાહાર તેમની હિંમત અને ભૌતિક શક્તિની પરંપરા અનુસાર યોગ્ય માનવામાં આવે છે. એક નોંધનીય વાત એ છે કે હિન્દુઓના પરમ ભગવાન રામ ક્ષત્રિય કુટુંબમાં જન્મેલા હતા. રામના ખોરાક અભિગમની ઘણી વખત ચર્ચા અને ડિબેટો થાય છે. કેટલાક લોકો માને છે કે શરૂઆતથી જ રામ શાકાહારી હતા, જ્યારે કેટલાક લોકો માને છે કે ક્ષત્રિય કુટુંબી રામની ઉત્પત્તિ બિન-શાકાહારી જીવનશૈલીને અનુસરવાની હતી. રામાયણમાં એક શ્લોકમાં લખેલું છે કે 14 વર્ષનાં વનવાસ માટે જતા પહેલાં રામે કહ્યું હતું કે, “હું ચૌદ વર્ષ માટે એકાંત જંગલમાં જીવવા જાઉં છું. હવે મૂળ, ફળો અને મધ પર જીવીશ”.

चतुर्दश हि वर्षाणि वत्स्यामि विजने वने ।

मधु मूल फलैः जीवन् हित्वा मुनिवद् आमिषम् ॥

બેંગલુરુના બેનર ઍડમાં છપાયેલા લખાણનો ભાવાર્થ કદાચ એવો હોય કે કેટરીંગવાળા તાજુ બનાવેલું શુદ્ધ શાકાહારી અને સાત્વિક ભોજન ગ્રાહકોના ઘર સુધી પહોંચાડી આપશે. ‘બ્રાહ્મણ’ તરીકે પોતાના પ્રોડક્ટને લેબલ આપીને એ શુદ્ધતા અને ઉત્તમ ગુણવત્તા વાળું પ્રોડક્ટ છે એવું લોકો સમજે છે. સવાલ એ છે કે કોઈ જાતિનું નામ લખવા કરતાં ‘પ્યોર’, ‘હાઈ-ક્વાલિટી’ કે ‘શુદ્ધ’ એવું લખી શકાય નહીં? પુષ્પેશ પંત નામના આહારના ઇતિહાસકાર અને સંશોધક એવું કહે છે કે: સોશિયલ મિડીયા એ વાત સમજવામાં નિષ્ફળ જાય છે કે જાતિ આપણા સ્વાદમાં અને આહારમાં જોડાયેલી છે.

લાગતું વળગતું: કર્મ કાફે: અહીં ભોજન કરતી વેળા ગાંધીજી આસપાસ હોય એવું લાગે

આહારનો આવો દંભ આપણે ત્યાં સેલીબ્રેટ થાય છે. જાતિ-સંવેદનશીલ ભારતમાં, તમારા ઉત્પાદનને બ્રાહ્મણ તરીકે લેબલ કરવું એ એક માર્ગ છે કે તે ઉચ્ચતમ શુદ્ધતાની ગેરેંટી આપે છે. આમાં કંઈ જ નવું નથી. ચેન્નાઈમાં અક્ષય એસ. હોમમેડ ફૂડ ડિલીવરી સર્વિસ પણ ત્યાં ‘બ્રાહ્મણ આહાર’ પીરસે છે. કેલિફોર્નિયામાં ‘માયલાપોર એક્સપ્રેસ’ નામની રેસ્ટોરેન્ટ ચેઈન ‘તામ-બ્રાહ્મ’ (Tam-brahm) ભોજન પીરસે જ છે ને. સ્વીગી (Swiggy) અને ઝોમાટો  (Zomato) જેવી ફૂડ એપ પણ આવો ખોરાક ખરીદવાના વિકલ્પો આપે છે. કેરળમાં (ડી-માર્ટ કે મોર જેવી) ઈસ્ટર્ન કોન્ડીમેન્ટસ (Eastern Condiments) નામની ગ્રોસરી શોપિંગ ચેઈનના માલિક ‘બ્રાહ્મણ સાંભાર પાવડર’ બજારમાં લાવ્યા છે.

માણસ કયા પ્રકારનો ખોરાક ખાય છે એ એની નૈતિકતાનું સર્ટીફિકેટ નથી. જો લોકોને તેમના ખોરાક પરથી ધારણા કરવી હોય તો એ જાણવું જરૂરી છે કે હિટલર શુદ્ધ શાકાહારી હતો. છતાં દાયકાઓથી ‘સામાજિક કુકબુક’ કે ‘રેસિપી બુક’ એક પરંપરા રહી છે. એંગ્લો ઈન્ડિયન, ઐયર બ્રાહ્મણ, ઈસ્માઈલી મુસ્લિમ, પારસીઓ, જૈનો, સારસ્વત બ્રાહ્મણ, લિંગાયત, ચેટ્ટીનાડ – આ જાતિઓમાં આવી કુકબુક ઘણી ફેમસ છે. નવી પરણેલી વહુવારુઓ માટે તો આવી કુકબુક ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. આપણે ત્યાં પણ નવી પરણીને આવેલી વહુને શ્વસુરપક્ષમાં એમની રૂઢિ, રીતિ-રિવાજ પ્રમાણે, સ્વાદ પ્રમાણે ભોજન બનાવવાનું શીખવાડવામાં આવે છે.

અમેઝોન પર ‘ગૌડ સારસ્વત બ્રાહ્મણની કુકબુક’, ‘ચેટ્ટીનાડ કુકબુક’, ‘કાયસ્થ ફૂડ’ જેવી અલગ અલગ કુકબુક ઉપલ્બ્ધ છે. આ શૈલીમાં અન્ય પુસ્તકો છેઃ ધ કોંકણી સારસ્વત કુકબુક, કાશ્મીરી ક્યુઝીન બાય ધ એજીસ, અને માય બોમ્બે કિચન.

Why Onions Cry: Peek into an Iyengar Kitchen નામનું પુસ્તક લખનાર વિજી ક્રિષ્ણન એક ઐયંગર બ્રાહ્મણ પરિવારમાં જ્યારે લગ્ન કરીને જાય છે ત્યારે તેમને થયેલી મુશ્કેલીઓ વિશે વર્ણવે છે. પોતે બ્રાહ્મણ (ઐયંગર નહીં, ફક્ત બ્રાહ્મણ) હોવા છતાં પોતાના સાસુ પાસેથી કઈ રીતે ટ્રેનિંગ લઈને પરિવારનું ધ્યાન રાખ્યું એ વિશેની વાત કરી છે. વિજી એવું પણ લખે છે કે પતિ કે સાસુ તો ઠીક, પાડોશી અને બીજા સગાંવ્હાલાંની ડોશીયુંનું લશ્કર પણ કીચનમાં મારી માથે ઊભા રહીને જોવા માંગતું હતું કે હું રાઈના દાણાને એકસરખા બે ભાગમાં કાપી શકું છું કે નહીં. ઐયંગર બ્રાહ્મણ સમાજ રસોઈ કરાવતાં પહેલાં વ્યક્તિને નવડાવી, ચોખ્ખા કપડાં પહેરાવીને જ રસોડામાં પ્રવેશ આપે છે. રસોડામાં કોઈ પ્રોસેસ્ડ ફૂડની મંજૂરી નથી. માત્ર સ્થાનિક રીતે ખરીદેલા શાકભાજીનો ઉપયોગ રસોઈ માટે કરવામાં આવે એવો નિયમ છે. તેઓ ખાંડ ખાતા નથી, ગોળ પસંદ કરે છે. રસોડામાં બનેલી દરેક વાનગી ભગવાનને પ્રસાદ તરીકે ધરાવીને પછી જ બીજાને પીરસાય છે. કાયસ્થ સમાજની રાંધણકળાના જાણકાર પ્રીતા માથુર તેમના પુસ્તક ‘ધી કોર્ટલી ક્યુઝિન: કાયસ્થ કિચન્સ થ્રુ ઇન્ડિયા’માં લખે છે કે ઓછામાં ઓછી એક મટનની વાનગી ભોજનમાં હોવી એ કાયસ્થો માટે નિયમ છે. તેણી સમજાવે છે કે કેવી રીતે, મોગલ શાસન હેઠળ વહીવટકર્તાઓ અને પ્રધાનો હોવાના કારણે, આ સમુદાયની રસોઈપ્રથા માંસાહારથી પ્રભાવિત થઈ હતી.

ભારતમાં આજે દલિત કરોડપતિઓ-ઉદ્યોગસાહસિકો પણ છે, જેમણે જાહેરક્ષેત્રોમાં અને વ્યવસાયોમાં પ્રવેશ કર્યો છે અને તેમને જાતિ જાહેર કરવાની જરૂર નથી. તેમ છતાં, આજે પણ, દલિતો માટે ખોરાક અને ખાદ્ય-પ્રક્રિયા ઉદ્યોગોમાં પ્રવેશવા માટે અત્યંત મુશ્કેલભર્યું છે. નવેમ્બર 2015 માં, આશરે 100 બાળકોએ કર્ણાટકમાં એક સ્કૂલ છોડી દીધી કારણ કે ત્યાં દલિત કૂક દ્વારા ભોજન તૈયાર કરવામાં આવતું હતું. એ જ વર્ષે જાન્યુઆરીમાં, બે ઉપરી જાતિના ગ્રામવાસીઓએ મધ્યપ્રદેશની એક સ્કૂલના પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં સેવા આપી ત્યારે મીઠાઈઓ ખાવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે દલિત વિદ્યાર્થીઓએ મિઠાઈઓને સ્પર્શ કરી છે. આજે આઝાદીના સાત દાયકા પસાર થયા છે, વસ્તુઓ બદલાઈ છે પણ વિચારોના નામે અંદરખાને મીંડું જ છે. દલિત ભારતીય ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના દલિત ઉદ્યોગસાહસિક અને સલાહકાર ચંદ્રભાન પ્રસાદે, દલિત ફૂડ્સ (Dalit Foods) નામની એક ઈ-કોમર્સ વેબસાઈટ દ્વારા ફૂડ બિઝનેસ શરૂ કર્યો છે.

પૅરિસનું Charles de Gaulle એરપોર્ટ એ ફ્રાંસનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય અને ધમધમતું એરપોર્ટ છે. શાર્લ દ ગૌલ (Charles de Gaulle) એ ફ્રાંસના એક સમયના પ્રધાનમંત્રી રહેલા જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી-જર્મની વિરુદ્ધ ફ્રાંસનું નેતૃત્વ કરેલું. એમનું એક અતિ પ્રસિદ્ધ ક્વોટ છે કે ‘જે દેશમાં 246 અલગ અલગ પ્રકારના ચીઝ ખવાતાં હોય ત્યાં શાસન કઈ રીતે કરી શકાય?’ (એટલે કે રોજેરોજ બ્રેડ સાથે ખવાતી મૂળભૂત વસ્તુમાં પણ એકતા ન હોય તો બીજા કોઈ પ્રકારની એકતાની આશા કેમ રાખી શકાય?) હિન્દુસ્તાનમાં તો બાર ગાઉએ બોલીઓ પણ બદલાય અને આહાર પણ. એક જ રાજ્યમાં પણ અન્નની વિવિધતા આપણે ત્યાં જોવા મળશે. Youtube પર બે ડોક્યુમેન્ટ્રી ફિલ્મો STIR. FRY. SIMMER અને Caste on the Menu Card જોવા જેવી છે જે આવા જાતિવાદ અને આહાર સાથે જોડાયેલી વાતોને ઉઘાડી પાડે છે.

પડઘોઃ

ડો. બાબાસાહેબ આંબેડકરે 1948માં લખેલા The Untouchables: Who Were They and Why They Became Untouchables? નામના પુસ્તકમાં લખ્યું છેઃ કાસ્ટ સિસ્ટમ એ ઘણાં લક્ષણોને આધારે કરવામાં આવી છે જેમાંથી એક લક્ષણ છે કે કોણ શું ખાય છે? પોતે શું ખાધું અને બીજાઓએ શું ખાધું હશે એ ધારીને લોકોએ રેન્કિંગ આપવાનું શરૂ કર્યું હતું. જે સાત્વિક આહાર ની વાતો ભગવદ ગીતાના આધારે કહેવાયેલી, એવું સાત્વિક ભોજન આજે મળશે જ નહીં. દરેક ભોજનમાં એવી ઘણી સામગ્રીઓ હશે જે આપણા જીવંત રહેવા માટે જરૂરી છે.

eછાપું

તમને ગમશે: Happy Mother’s Day Special … મારા વ્હાલા પપ્પા….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here