પુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા

0
188

અમીષ ત્રિપાઠીનું નામ આ કોલમના નિયમિત વાંચકો માટે અજાણ્યું નથી. થોડા સમય પહેલા આજ કોલમમાં એણે રચેલી અજાયબ સૃષ્ટિ ઉપર આપણે એક નજર કરી હતી. એણે રચેલી શિવા ટ્રાઈલોજી અને રામચંદ્ર સિરીઝને mass થી લઈને class સુધી દરેક વાંચકોએ બે મોઢે વખાણી છે.આજે આપણે જે પુસ્તક વિષે ચર્ચા કરવાના છીએ એ અમીષ ત્રિપાઠીની કોઈ આતુરતાથી રાહ જોવાઈ રહેલી નવલકથા નથી, પણ એના લેખો અને વક્તવ્યોનો એક સુંદર સંગ્રહ છે. એ પુસ્તક જેનું નામ છે ઈમમોર્ટલ ઇન્ડિયા.

આ પુસ્તકનું સબટાઇટલ છે Young Coutry, Timeless Civilization. જેનો ભાવાનુવાદ યુવાન દેશ, કાલાતીત સંસ્કૃતિ એવો થાય છે. અને આ આખા પુસ્તકમાં આ બંને મુદ્દાઓની ઘણી વખત ચર્ચા થાય છે. અમુક પ્રકરણોમાં ભારતની પુરાતન સંસ્કૃતિ વિષે ચર્ચા થાય છે. અમુક પ્રકરણોમાં ભારતની વાત એક યુવા દેશ તરીકે થાય છે. અમુક પ્રકરણોમાં ભારતના યુવાનો વિષે વાત થાય છે. અને આખું પુસ્તક આ ત્રણેય અલગ અલગ મોતીને એક સૂત્રમાં પરોવવાનો એક સુંદર પ્રયત્ન કરે છે. આ પુસ્તક મૂળ ચાર ભાગમાં વહેચાયેલું છે. Religion & Mythology, Social Issues, History અને Musings. પહેલા ત્રણ ભાગમાં જે તે મુદ્દા વિષે સારી એવી ચર્ચા થઇ છે, અને છેલ્લા ભાગમાં અમીષ ત્રિપાઠીનો એક વ્યક્તિ તરીકેનો એક આંખ ઉઘાડનારો પરિચય મળે છે. આ પહેલા આપણે જયારે સેપિયન્સ વિષે ચર્ચા કરેલી, ત્યારે એ પુસ્તકનો એના અમુક quotable qutoes દ્વારા પરિચય લીધો હતો. “ઈમ્મોર્ટલ ઇન્ડિયા” માં આવા ઘણા ક્વોટ્સ છે. તો આવો એનો પરિચય લઈએ….

ભાગ 1: Religion & Mythology

એક ભગવાન(શિવ) કેમ આટલા વિરોધાભાસી હોઈ શકે? કારણકે આ વિરોધાભાસ જ આપણી જરૂર છે. પહેલા એ(ભગવાન અને વિરોધાભાસ) આપણને આકર્ષે છે અને પછી એ જ આપણને સંતુલિત કરે છે.

અમીષ ત્રિપાઠી શિવભક્ત છે. જયારે ચેતન ભગતના ચીલે ચાલતા યંગ એમબીએ લેખકો લવ, સેક્સ, ધોખા અને ઓફિસ પોલિટિક્સ પર લખાયેલી સ્ટોરીઓનો ખડકલો કરતા હતા ત્યારે અમીષ ત્રિપાઠીએ ભગવાન શિવ ને માનવીય સ્વરૂપ માં દેખાડતી ઈમમોર્ટલ્સ ઓફ મેલુહા થી શરૂઆત કરીને પોતાની અલગજ છાપ ઉભી કરી હતી. મારામાં થોડું ઘણું જે મહાદેવ માટે માન અને ભક્તિ છે એમાં અમિષની શિવા ટ્રાઈલોજી નો જબરદસ્ત ફાળો છે. અને ઈમમોર્ટલ ઇન્ડિયાની શરૂઆત પણ મહાદેવની વિશેના એક લેખ થી જ થાય છે. અમીષના કહેવા પ્રમાણે મહાદેવ વિરોધાભાસનું સમૂહ છે. એ એવા વસ્ત્રો પહેરે છે જે આજકાલના નિમ્ન વર્ગના લોકો પણ પહેરવામાં સંકોચ અનુભવે, પણ એ મહાદેવે શોધેલી કળાઓ એના નૃત્યને દેશ વિદેશના ઉચ્ચ વર્ગના એરીસ્ટૉક્રેટ પણ શાન થી માણે છે. જે રાજાઓ સામેના વિગ્રહમાં મહાદેવે સામાન્ય પ્રજાને સાથ આપ્યો, એ જ રાજાઓ મહાદેવના ભવ્ય મંદિરો બનાવે છે. ચિલ્લમ ફૂંકતા મહાદેવ કૂલ તો છે જ સાથે સાથે એ આદિયોગી પણ છે જેને પોતાના શરીરને આટલું કસાયેલું બનાવ્યું. 

દુર્ભાગ્યે ભગવાન રામની ટીકા કરવી એ આજકાલ લિબરલ વર્તુળમાં ફેશનેબલ થઇ રહ્યું છે. હિન્દૂ ધર્મમાં આપણને પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણે આપણને આવું કરવાનો સ્પષ્ટપણે આદેશ આપ્યો છે. કોઈ વસ્તુ, ધર્મશાસ્ત્ર કે ઇવન ભગવાન પર પ્રતિભાવ બાંધવાની આપણને સલાહ આપવામાં આવે છે. પણ આ પ્રતિભાવને દ્રઢ કરતા પહેલા આપણને જે-તે વિષય પર ઊંડાણથી વિચારવા અને તમામ પાસાની તપાસ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને પ્રભુ શ્રી રામ માટે આવું કરવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ.

આમ મહાદેવ વિષે ની ચર્ચાથી શરૂઆત કરી અમીષ તરતજ ભગવાન રામ વિષે ચર્ચા કરે છે. મર્યાદા પુરુષોત્તમ કહેવાતા રામ, જે પોતે નિયમો માટે અને નિયમ પાલન માટે જીવ્યા પણ સામે એટલા જ દુઃખી થયા. પુસ્તકના આ ભાગમાં ભગવાન રામ, ભગવતી દેવી શક્તિ, ભગવાનની જરૂર અને નાસ્તિકતા વિષે ઘણી ચર્ચાઓ થઇ છે. સાથે સાથે બે-ત્રણ પ્રકરણોમાં અમીષના શિવ ટ્રાઈલોજી અને રામચંદ્ર સિરીઝમાં આપણી પૌરાણિક વાર્તાઓના અર્થઘટન વિષે ઘણી પ્રશ્નાવલિઓ થઇ છે. આ બધા પ્રકરણ માં આપણી ભક્તિ, પૌરાણિક કથાઓના આપણા અર્થઘટન જેવા મુદ્દાઓ પર અમીષે નવતર અને આંખ ઉઘાડે એવી ઘણી દલીલો કરી છે, જેના પછી એક જાગૃત વાંચક નો પોઇન્ટ ઓફ વ્યુ ઘણી વાતો માટે બદલાઈ જશે.

પ્ર: પૌરાણિક કથા કયા તબક્કે શ્રદ્ધા બની જાય છે? 
જ: જ્યારે તમે પ્રશ્ન કરવાનું બંધ કરો છો. શ્રદ્ધા હોવી એ કશું ખોટું નથી.
જયારે તમારું જ્ઞાન તેની સમાપ્તિ રેખા પર પહોંચે ત્યારે શ્રદ્ધા શરૂ થાય છે.

આ વિભાગમાં અમીષે એની નવલકથાઓને લગતી ચર્ચાઓ જ કરી છે એટલે થોડી ઘણી રીપીટીંગ લાગશે. જેવું આ પુસ્તક આગળ વધશે એમ અમીષના નવા નવા પાસાઓ ખુલે છે.

ભાગ 2: Social Issues

સામાજિક પ્રશ્નોને લાગતું અમીષનું અવલોકન ખરેખર રસપ્રદ છે. બીજા ભાગની શરૂઆત અમીષે LGBTને લગતા લેખથી જ કરેલી છે.  આપણો પુરાતન હિન્દૂ સમાજ જેણે ભગવાન શિવને અર્ધનારીશ્વર તરીકે પૂજવા, રામાયણમાં કિન્નરોનો ભગવાન રામ દ્વારા સ્વીકાર થવો, મોહિની નો સ્વીકાર હોય કે ઉર્વશી કે ઈલા જેવું નામ આપણી દીકરીઓને આપવું એ દર્શાવે છે કે LGBT સંસ્કૃતિને આપણે અલગ રીતે યુગોથી સ્વીકાર્યા છે. (ઉર્વશી એ નર-નારાયણ બંને ઋષિઓથી થયેલી અયોની-જન્મા અપ્સરા હતી, અને ઈલા એ સુદ્યુમ્ન તરીકે જન્મેલ રાજકુમાર હતો અને એક ભૂલથી મળેલા શ્રાપના લીધે એ એક મહિને નર અને બીજા મહિને નારી તરીકે રહેતો, ઈલા અને સુદ્યુમ્ન બંનેના સંતાનો ચંદ્રવંશીઓ તરીકે ઓળખાયા). આ પુસ્તક અને આ લેખનાં માધ્યમ થી જાણવા મળ્યું કે લેફટીસ્ટ લિબટાર્ડસ જે મનુસ્મૃતિને કઠોર પિતૃપ્રધાન સમાજનાં પ્રતિનિધિ તરીકે ગણે છે એ મનુસ્મૃતિમાં હોમોસેક્સ્યુઆલિટીને લગ્નબાહ્ય સંબંધો અને પરાણે બાંધેલા સંબંધો કરતા ઓછો ગંભીર અપરાધ ગણ્યો છે.

એ પછીના પ્રકરણમાં અમીષ ત્રિપાઠીએ આપણા મીડિયા માટે લિટરલી અછૂત અને સંવેદનશીલ મુદ્દો પકડ્યો છે, ધર્માંતરણ અને વટાળ પ્રવૃત્તિનો. જેના ઉપર પુસ્તકોના ઢગલા થયા છે એ મુદ્દા ઉપર અમીષે આ લેખ કરતાંય ટૂંકા લેખમાં વટાળ પ્રવૃત્તિ વિષે એક બેલેન્સ્ડ અવલોકન કર્યું છે. આ ધર્માંતરણ કેમ થાય, એ ધર્માંતરણ પછીના ફાયદા, અને મેઈન તો ગેરફાયદા અને ધર્માંતરણની ઇન્ડસ્ટ્રી વિષે એક યુનિક અવલોકન કર્યું છે.

કોર્પોરેટ વિશ્વનો એક નિયમ છે. અમને ભગવાન ઉપર પુરે પૂરો વિશ્વાસ છે, બાકી બધી વાત માટે અમને પહેલા ડેટા બતાવો…

આ લેખ પછી અમીષ ત્રિપાઠી ધર્મ આધારિત હિંસા વિષે વાત છેડે છે. આ લેખની શરૂઆતમાં અમીષ આપણી કોમી એકતા અને સહિષ્ણુતા વિષે વેસ્ટર્ન મીડિયામાં અને લોકોમાં ફેલાયેલી ગેરમાન્યતા ઉપર પ્રકાશ ફેંકે છે.

US માં એક વર્ષમાં બંદૂકથી થયેલી હત્યાઓ કરતા ભારતમાં છેલ્લા પચાસ વર્ષમાં ધર્મ આધારિત હિંસામાં થયેલી કુલ હત્યાઓ નો સરવાળો અડધા કરતાંય ઓછો છે.

અને એટલેજ અમીષે એ ડેટા એકઠો કરીને એ સાબિત કર્યું છે કે ભારતમાં ધર્મ કે જાતિ આધારિત હિંસા કરતા અમેરિકામાં બંદૂક આધારિત હત્યા એ મોટી સમસ્યા છે, અને એના કરતાંય મોટી સમસ્યા સ્ત્રીભૃણહત્યા છે. (આ લેખ ત્યારે લખાયો હતો જયારે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના નવી નવી હતી). આ સિવાય આ વિભાગમાં જાતિવાદ અને ભ્રષ્ટાચાર વિષે પણ ચર્ચા કરેલી છે.

આજે શ્રેષ્ઠ જીવન શૈલી રાજ્યના વડા(જેમકે સૈનિક યુગમાં રાજાની સમકક્ષ) ની નથી. આ વિશેષાધિકાર આજકાલ સફળ ઉદ્યોગપતિઓ પાસે છે.

આ ક્વોટ આવે છે ત્યારે પુસ્તક લગભગ અડધું પૂરું થઇ ગયું હોય છે. અને ત્યારે અમીષ એક રસપ્રદ મુદ્દો છેડે છે. અને એ છે પૈસાનો યુગ. આ જમાનો પૈસાનો છે એવું બધા કહે છે. પણ આ પૈસાના જમાનાનો અર્થ શું છે. આપણું ભારત એમાં ક્યાં ઉભું છે એ બધા વિષે પણ અમીષે એક રસપ્રદ અને આંખ ઉઘાડનારી ચર્ચા કરી છે. પૈસા સાથે જોડાયેલી એક અન્ય વસ્તુ પણ છે દાન, જેના વિષે અમીષે બહુ રસપ્રદ ચર્ચા કરી છે. અને હું હાર્દિક અનુરોધ કરું છું કે આ પુસ્તક વાંચી તમે પોતે દાન-ધર્મ વિશેની સરસ છણાવટ વાંચજો.

સામાજિક સમસ્યાઓ વિશેની ચર્ચાઓ અહીંયા પુરી થાય છે. અને આ પછીના વિભાગમાં આપણને અમીષનાં વાચક તરીકેના પાસાનો એક સરસ પરિચય થાય છે.

લાગતું વળગતું: બુક રિવ્યુ – Stay Hungry Stay Foolish – ખભે કોથળો ને દેશ મોકળો

ભાગ 3: History

હું મારા એક યુરોપિયન મિત્રની ટિપ્પણી સાથે એકવાર સહમત થાઉં છું કે આર્યન આક્રમણ થિયરી  એ શેક્સપિયરની વાર્તાઓ પછી ઉભી કરવામાં આવેલી સહુથી મોટી કાલ્પનિક કથાનો ભાગ છે. અને હવે એ કથા પુરી કરવાનો સમય આવી ગયો છે.

જયારે દક્ષિણ ભારતના રાજકારણની વાત ઉઠે છે ત્યારે ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેના ભાગલા અને આર્યન ઉત્તર ભારતના દ્રવિડિયન દક્ષિણ ભારત પરના આક્રમણની વાત જરૂરથી ઉઠે છે. આ વાત અને એને સંકળાયેલો વિવાદ આર્યન ઇન્વેઝન થિયરી એટલેકે આર્યન આક્રમણ થિયરી. આ થિયરી પ્રમાણે હરપ્પા અને મોહેંજો ડારો સંસ્કૃતિ, જેનું ખરું નામ સપ્ત સિંધુ સંસ્કૃતિ છે પર ઉત્તર પશ્ચિમ એશિયાથી આવેલા અર્ધ જંગલી આર્યન આક્રમણકારીઓએ પુરાતન ભારતની અતિવિકસિત સપ્ત સિંધુ સંસ્કૃતિ ના દ્રવિડિયન લોકોને હાંકી કાઢ્યા અને એ પછી ગંગા-યમુનાના ફળદ્રુપ જમીનો પર કબ્જો જમાવ્યો અને વેદિક સંસ્કૃતિ બનાવી.

આ થિયરી એક અલગ લેખ અને કદાચ અલગ પુસ્તક માંગતો વિષય છે. એટલે આપણે એના વિષે ટૂંકમાં કહીએ તો અર્ધ જંગલી આર્યનોએ એ સમયની સુવિકસિત હડપ્પાની સંસ્કૃતિ પર કરેલા આક્રમણ કે મોટા પાયે કરેલા સ્થળાંતર વિષેનાં કોઈ પુરાવા મળતાં નથી. આ ઉપરાંત આર્યન ઇન્વેઝન થિયરીમાં પોતે એટલા મોટા ગાબડાં છે. જે આ લેખમાં અમીષે બહુ સરસ રીતે કવર કર્યા છે.

લગભગ દરેક સુશિક્ષિત ચાઈનીઝ નાગરિક આ વાત જાણે છે, પણ લગભગ કોઈ શિક્ષિત ભારતીયને આ વાત ની ખબર નથી.

આર્યન ઇન્વેઝન થિયરી પછી અમીષે એક રસપ્રદ મુદ્દો છેડ્યો છે. જેનો ઉલ્લેખ ભારતીય ઇતિહાસમાં એકાદ બે છૂટક પ્રસંગો સિવાય ક્યાંય થયો નથી, અને એ છે ઇતિહાસના સહુથી મોટા સરકારી ડ્રગ કાર્ટલનો, જેમાં ડ્રગ બનતું હતું કોલકાતા થી, વેચાતું હતું ચીનમાં અને આ આખો વહીવટ ચાલતો હતો બ્રિટિશ બોમ્બે થી. મુંબઈના પારસી વ્યાપારીઓ ચીનમાં અંગ્રેજ કે પોર્ટુગીઝ પાર્ટનર સાથે મળી અફીણનો વ્યાપાર ચલાવતા હતા. આ અફીણ બંગાળ અને બિહારના ખેડૂતો પાસેથી ઇસ્ટ ઇન્ડિયા કંપની પરાણે ઉગાડાવતી હતી. જયારે ચીને આ અફીણના વ્યાપાર પર પ્રતિબંધ મુક્યો અને ગેરકાયદે અફીણ અને એના વ્યાપારીઓ ઉપર કાર્યવાહી કરી ત્યારે એ અંગ્રેજ વ્યાપારીઓ અને પારસીઓએ સરકાર પર દબાણ કરાવરાવ્યું અને એના પરિણામે ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે બે “અફીણ યુદ્ધ” થયા. આ અફીણ ઉગાડવા માટે કંપની સરકારે ધાન્ય પાક ઉગાડવા ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો, જેના લીધે દુકાળની પરિસ્થિતિ સર્જાઈ જેમાં લગભગ 1 કરોડ લોકોના મૃત્યુ થયા. આ ઘટના ચીનના ઇતિહાસમાં ભણાવવામાં આવે છે. પણ ઘણા ભારતીયોને આ વાતની ખબર નથી. શશી થરૂરની An Era Of Darkness કે આમિર ખાનની સુપરફ્લોપ મંગલ પાંડેના અમુક દ્રશ્યોને બાદ કરતા ભારતના ઇતિહાસમાં આ વાતનો કોઈ ખાસ્સો ઉલ્લેખ જોવા મળતો નથી.

(શોષણ થયાનો)રદિયો દેવાનો મનોવૈજ્ઞાનિક વિચાર -જેમાં પીડિત પોતાને ખાતરી આપે છે કે કોઈ શોષણ થયું જ નથી(અથવા ઓછામાં ઓછું થયું છે)- એ ભારતમાં લગભગ સર્વવ્યાપી છે. બ્રિટિશ રાજ તરફનું આપણા ઘણા ભારતીયોનું વલણ આનું એક ઉદાહરણ છે.

આ પછી એક પ્રકરણમાં ઇતિહાસમાં એવી ઘટનાઓ જેને દબાવી દેવામાં આવી હોય અથવા જાણીજોઈને એના તથ્યોને તોડી મરોડીને પ્રસ્તુત કરવામાં આવ્યા હોય એના વિષે લખ્યું છે. કેટલાક એકેડેમિક્સ અને ઇતિહાસકારો જે આજની તારીખે એવું માને છે અનસિવિલાઇઝડ ગરીબ ભારતનું આધુનિકીકરણ(મોડર્નાઇઝેશન) અંગ્રેજોના લીધેજ થયું છે. પણ સામે આ જ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ અંગ્રેજ રચિત બંગાળ ના બે દુકાળ ને ભૂલી જાય છે જેના લીધે લગભગ 3-4 કરોડ લોકોના મૃત્યુ થયા હતા. અમીષે પુસ્તકમાં આ અંગ્રેજ પ્રેમીઓની વાત કરી હતી, જયારે આજકાલ ટ્વીટરમાં પણ એવા લેફટીસ્ટ લોકો મળી જાય છે જેના મતે સ્વતંત્ર ભારતના કોઈપણ લીડર કરતા ઔરંગઝેબ કે અલ્લાઉદ્દીન ખીલજી વધારે પ્રગતિશીલ સાશક હતો. આ લેખમાં આવા લોકો વિષે એના પોઇન્ટ ઓફ વ્યુ વિષે અમીશે વિસ્તારથી ચર્ચા કરી છે. અને સાથે સાથે એ પણ કહ્યું છે કે આ પ્રેમ આપણા દેશ અને આપણી સંસ્કૃતિ માટે ઘાતક છે.

આપણા રાજકીય મતભેદોને લીધે આપણા સંશોધકો અને વિચારકોને વિકલ્પો શોધવાની છૂટ મળી. જો પાલ રાજાઓને તમારા વિચારો પસંદ ન આવ્યા હોય તો તમે ચોલ રાજાઓ પાસે જઈ શકતા હતા. જો વિજયનગર ના તુલુવા વંશને તમારા વિચારો સાથે મતભેદ હોય તો તમે બહ્માણી સુલતાનનો આશરો મેળવી શકતા હતા. આપણે સાંસ્કૃતિક રીતે એક રાષ્ટ્ર હતા એટલે મુસાફરી સરળ હતી. (સત્તાના આવા) વિકેંદ્રીકરણના લીધે સંશોધકોને મદદ મળી, જેના લીધે આપણે સમૃદ્ધ રહી શક્યા.

આશ્ચર્ય છે કે અમીષ મલ્ટી-પાર્ટી સિસ્ટમ ને સમર્થન આપે છે. જેના સમર્થનમાં એણે ઉપર કહી એવી દલીલ કરી છે. આ દલીલ ખોટી તો નથીજ. ઈકોનોમી, બાયોલોજી અને પોલિટિક્સ બધે જેટલી કોમ્પિટિશન એટલો વધારે ફાયદો થયો છે. અને મોનોપોલી હંમેશા નુકસાનકારક રહી છે. પણ ભારતને વર્ષો સુધી જે ત્રીજા મોરચાનું સાશન અને કુ-સાશનનો અનુભવ થયો છે એ સહેજેય સારો અનુભવ કહી શકાય એવું તો નથીજ. ખાસ તો 2004-14 નું UPA સાશન જેમાં દેશને બધેથી જોરદાર નુકસાન ગયું હતું. આપણે સત્તાની ખેંચતાણ અને ડિસિઝન પેરેલિસિસનાં સાક્ષી રહ્યા છીએ. અને એટલેજ એક વિકલ્પ તરીકે આપણે BJPને સ્પષ્ટ બહુમતી આપીને 2014માં જીતાડ્યા હતા. એક જ પાર્ટીને એકહથ્થુ સત્તા દેવામાં કદાચ કૈક પ્રોબ્લેમ આવત. પણ આ BJP સરકારે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના વિકેંદ્રીકરણને જાળવી રાખવામાં સારોએવો ફાળો આપ્યો છે.

એવું કહેવાય છે કે પતન પહેલા ગર્વ આવે છે. પણ કોઈ શરૂઆત થી ઉભું જ ન થયું હોય, અથવા કાયરતાના બોજ નીચે દબાયેલું રહ્યું હોય એવા લોકોનો પતન ન થઇ શકે. ગર્વ મેળવવાના તબક્કાઓ હોય છે. એ આત્મવિશ્વાસ અને સ્વાભિમાન-જે તમને સફળતામાં મદદરૂપ થાય છે- સાથે શરુ થાય છે. સમય જતા એ આત્મવિશ્વાસ અને સ્વાભિમાન ગર્વમાં અને કદાચ ખેદજનક રીતે ઘમંડમાં બદલાઈ જાય છે. અને ત્યાંથી જ પતનની શરૂઆત થાય છે.

આજકાલ જયારે યુનિવર્સીટીઓમાં આપણી સંસ્કૃતિ વિષે અને આપણા વેદ વિષે શીખવવા વિષે કોઈ ચર્ચા થાય છે ત્યારે લેફટીસ્ટ લોકો આપણા શિક્ષણનું સેફ્રોનાઇઝેશન થયું હોવાની રાડારોળ કરે છે. એ લોકોના કહેવા પ્રમાણે આવું શીખવવું એ હિન્દૂ આતંકવાદ અને નફરતની રાજનીતિનેં પ્રોત્સાહન આપે છે. આ હિન્દૂ ગર્વ ભારતની ગંગા જામુની તેહઝીબ અને ભાઈચારામાટે નુકસાન કારક છે. આ દલીલ ના વિરોધમાં અને ખાસ તો હિન્દૂ ગર્વ આપણા માટે નુકસાન કારક નથી એના તરફેણમાં અમીષ ની દલીલો એકદમ ટૂ ધ પોઇન્ટ છે. આ વેદિક સંસ્કૃતિ હોય કે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, એ કોઈ એક ગ્રુપ કે એક પક્ષનો નથી. આ ઇતિહાસ જાતિ, ધર્મ, સ્થળ અને પોલિટિક્સ એ બધા ભેદભાવો થી પરે આખા ભારતનો ઇતિહાસ છે. આ ઇતિહાસને જેમ છે તેમ સ્વીકાર કરવો, એનામાંથી શીખવું એ દેશના વિકાસ માટે જરૂરી છે. જયારે બીજા રાષ્ટ્રો પોતાના ગર્વ ને જાળવી રાખવા ઇતિહાસને તોડી મરોડી શકે છે ત્યારે આપણે ગર્વ લેવા માટે ઇતિહાસને તોડવા મરોડવાની જરૂર નથી. આપણો ઇતિહાસ જેવો છે એવોજ ગર્વ લેવા માટે પૂરતો છે.

અમીષે એકથી વધારે પ્રકરણમાં એવું નોંધ્યું છે કે ભારત બે અંતિમો વચ્ચે જીવે છે. એક અંતિમ જેના મતે ભારતમાં બ્રિટિશરો(કે મુઘલો) પહેલા કઈ સારું થયુંજ ન હતું, અને બીજો અંતિમ જે એવું વિચારે છે કે ભારત વેદિક યુગથી જ એક એડવાન્સ્ડ સિવિલાઈઝેશન છે અને મુસ્લિમ આક્રમણકારોએ એનો નાશ વાળી દીધો. આ બંને અંતિમઓએ દેશને જોરદાર નુકસાન પહોચાડ્યું છે અને સત્ય આ બંને અંતિમોની વચ્ચે એવી જગ્યાએ છે જે આ બંનેને સ્વીકાર્ય નથી.

ભાગ 4: Musings

આ ભાગમાં અમીષની પર્સનલ લાઈફ વિશેની વાતો થઇ છે. એક હાઈ લેવલ મેનેજમેન્ટ એમ્પ્લોયી માંથી એમની લેખક બનવા સુધીની સફર. CERN લેબોરેટરીના એના પ્રવાસ દરમ્યાન એમના પુત્ર નીલ સાથેનું એનું કનેક્શન અને એના જીવનમાં આવેલી ત્રણ સમજદાર મહિલાઓ, એમના માં, એમની બહેન અને એમની પત્ની જેણે અમીષના વ્યક્તિત્વ અને વર્તમાન ને ઘાટ આપ્યો છે. આ બધી વાતો રસપ્રદ છે, અને એક હાઈ પ્રોફાઈલ લેખક અમીષને  મારી તમારી જેવા વ્યક્તિઓ ની સમકક્ષ મૂકે છે.

આ પુસ્તકનો અંતિમ લેખ એક અલગજ મુદ્દા પર છે, રાજધર્મ અને સ્વધર્મ. સ્વધર્મ એટલે પોતે જે કામ માટે બન્યા હોઈએ એ કામ કરવું, અને રાજધર્મ એટલે પોતાની શક્તિ અને સમજણનો ઉપયોગ આપણા દેશ અને સમાજના ભલા માટે કરવો. એક યોદ્ધાનો સ્વધર્મ છે લડવું, પણ એનો રાજધર્મ છે પોતાના દેશ માટે લડવું. જયારે સ્વધર્મ રાજધર્મ પર ચડી બેસે છે ત્યારે એ આપણા દેશને અને આપણને નુકસાનકારક છે. અને એટલેજ હંમેશા રાજધર્મ ને સ્વધર્મ કરતા વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. આ પુસ્તકમાં એટલેજ અમીષ કહે છે કે.

મારા મતે. આપણા દેશપ્રેમ થી વિશેષ કશુંજ નથી. આપણી સરકારને ના-પસંદ કરવાનો અધિકાર આપણને સોએ સો ટકા છે, પણ આપણે ભારતમાં જ રહીએ અને એ ભારતનેજ ધિક્કાર્યા કરીએ એ જરાય શક્ય નથી.

આ પુસ્તક દરેક વ્યક્તિઓ માટે છે. જેને ભારત અને હિન્દુત્વ વિષે કૈક જાણવું છે એના માટે આ પુસ્તક ફરજીયાત છે, પણ જે ભારત અને હિંદુત્વને નજીકથી ઓળખે છે એવા વ્યક્તિઓ માટે પણ આ પુસ્તકમાં કૈક નવું મળશે. અને જે ભારત અને હિંદુત્વને જાણે છે, એને આવા પુસ્તકમાં આનંદ આવશે. આ પુસ્તકમાં પુરાતન ભારત થી શરુ કરી, મધ્યયુગીન ભારત વિષે થોડી ઘણી વાત કરી અને આજના યુવાન અને યુવાનોથી ભરેલા ભારતને ભરપૂર પ્રેમ આપ્યો છે. આ પુસ્તકની વાત એના એક છેલ્લા ક્વોટથી પુરી કરીએ…..

મને આઉટલુક મેગેઝીને આજના યુવાનો માટે કૈક સંદેશ આપવાનું કહ્યું, મને નથી ખબર કે હું એને લાયક છું કે નહિ. પણ હું એક પ્રોત્સાહનનું  એક વાક્ય તમને કહીશ. આ અમર વાક્ય મારી કિશોરાવસ્થાના સમયનું છે, સ્ટાર વોર્સ નામની એક ફિલ્મમાંથી(😍), જે આજે પણ મને યાદ છે. મે ધ ફોર્સ બી વિથ યુ, આપણે આને થોડું ભારતીય પણ બનાવી શકીએ.. મે ધ શક્તિ બી વિથ યુ.(😍😍😍)

પુસ્તક વિષે

નામ: Immortal India: Young Country, Ancient Civilization

લેખક: અમીષ ત્રિપાઠી

પબ્લીશર: વેસ્ટલેન્ડ પબ્લિકેશન

પાના: 216(પેપરબેક), 189(કિન્ડલ એડિશન)

ભાષા: અંગ્રેજી

આ પુસ્તક એમેઝોનમાંથી આ લિંક પરથી મળી રહેશે

આ પુસ્તકમાંથી મને ગમેલા વાક્યોની હાઇલાઇટ્સ અને નોટ્સ ગુડરિડસ પર મુક્યા છે, જે તમે અહીંથી વાંચી શકશો.

મે ધ શક્તિ બી વિથ યુ.

તમને ગમશે: સેશેલ્સનો ટચૂકડો એઝમ્પશન આયલેન્ડ ભારત માટે આટલો બધો મહત્ત્વનો કેમ છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here