સોનામાં રોકાણ કરાય? હા તો કેમ અને જો ના તો કેમ? ચાલો જાણીએ

0
210
Photo Courtesy: indianmoney.com

સોનામાં રોકાણની વાત જયારે કરવાની હોય ત્યારે એક બાબત સ્પષ્ટ થવી જરૂરી છે કે પત્ની માટે સોનાના દાગીના લેવા એક વાત છે અને સોનામાં રોકાણ એ બીજી વાત છે. ઘણી ગૃહિણીઓ ખાસ તો મહારાષ્ટ્રીયન ગૃહિણીઓ દર મહીને બે ગ્રામ સોનું લઈને સોનામાં બચત કરતી હોય છે તો આ બચત કેટલી વ્યાજબી છે? આ પ્રશ્નનો જવાબ મેળવવા આપણે સોનામાં રોકાણ ને અન્ય રોકાણ સાથે સરખાવવું યોગ્ય રહેશે.

Photo Courtesy: indianmoney.com

31/01/1981 ના રોજ સોનાનો દસ ગ્રામનો ભાવ હતો રૂ 1,522 જે 31/03/2017 માં વધીને થયો રૂપિયા 29,651 આ વધારો ખાસ્સો લાગે છે પરંતુ એને ટકાવારીમાં વળતર રૂપે જોઈએ તો આટલા વર્ષોમાં માત્ર ૮.૪૮ ટકા CAGR એટલેકે ક્યુમ્યુલેટીવ એન્યુઅલ ગ્રોથ રેટ વળતર છૂટ્યું કહેવાય આટલું વળતર તો બેન્કની ફેડીમાં આ સમય દરમ્યાન છૂટ્યું જ છે. જો આપણે આને શેર જોડે સરખાવીએ તો 31/01/1981 માં મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ હતો 173 જે વધીને 31/03/2017 માં થયો 29,651 જે 15.7 % CAGR વધારો સૂચવે છે એટલેકે 15.7 ટકા વળતર છૂટ્યું કહેવાય અને આજે સેન્સેક્સ 37,000 પાર કરી ગયો છે જે એક જ વર્ષમાં 24.97 % નો વધારો સૂચવે છે. ચાલો આ સ્થિતિને સમજીએ.

એમ કહેવાય છે કે એક મધ્યમ વર્ગીય પરિવાર માટે એક મહિનાનો ઘરખર્ચ જેટલો હોય એટલો સોનાનો દસ ગ્રામનો ભાવ એ સમયે રહે છે. આ અનુસાર 31/03/2017 માં સોનાનો ભાવ રૂપિયા 29,651 હતો તો મહિનાનો ઘરખર્ચ પણ આટલો જ હતો એ અનુભવ છે. આ એજ કહેવા માંગે છે કે સોનાના ભાવમાં વધારો મોંઘવારીના પ્રમાણમાં હોય છે. બેંકની ફિક્સ ડીપોઝીટનો દર પણ સરકાર મોંઘવારીના પ્રમાણ પ્રમાણે વધતો ઓછો કરતી રહે છે પરંતુ શેરના ભાવમાં મૂડી વૃદ્ધી થતી હોય છે. ઈકોનોમી વધે તો શેરના ભાવ વધે ધંધાપાણી સારા થાય તો બે પૈસા કમાવાય. એ રીતે આમ સોનામાં રોકાણ કરવાથી ખાસ વળતર છૂટતું નથી.

લાગતું વળગતું: તમારો CA અને રોકાણ સલાહકારની સલાહો તદ્દન વિરોધાભાસી હોઈ શકે

સોનાનો એક ગેરફાયદો એ છે કે એને બેંક લોકરમાં સંઘરી રાખવું પડે છે એમાં મહીને કે વર્ષે વધારાની આવક થતી નથી. જયારે બેંક ફિક્સ્ડ ડીપોઝીટમાં મહીને કે વર્ષે આવક થતી રહે છે. વળી, આ આવકને વધુ વળતર વાળા પ્રોડક્ટમાં રોકાણ કરવાથી જેમકે શેરમાં રોકાણ કરવાથી આવકમાં ખાસ્સો વધારો કરી શકાય જે સોનામાં શક્ય નથી આમ સોનામાં રોકાણ કરવા કરતા બેંક ફિક્સ્ડ ડીપોઝીટ વધુ ફાયદાકારક છે.

સોનાની બીજી મર્યાદા એ છે કે એને વેચી શકાતું નથી એ વેચવાનો જીવ થતો નથી ભલે પડ્યું રહ્યું એવી માનસિકતા રહે છે એથી એ બિનઉપયોગી રોકાણ થઇ જાય છે. સોનાને માત્ર સંકટ સમયની સાકળ કહેવાય જયારે બેંક ફિક્સ્ડ ડીપોઝીટ માટે એવી કોઈ માનસિકતા નથી હોતી ગમેત્યારે તોડી શકાય અને પાછી વધારી શકાય છે.

સોનું વેચી નવું સોનું ખરીદીએ તો એમાં એકાદ બે ગ્રામ નો ઘટાડો થાય છે. વળી જો દાગીના રૂપે સોનું સંઘર્યું હોય તો ઘડામણ ખર્ચ કાપી નવા સોનામાં એ લાગુ પડે આમ ઘટાડો ખાસ્સો થાય છે.

સોના સામે લોન મળે છે પરંતુ એ ખુબ મર્યાદિત છે જયારે બેંક ફિક્સ્ડ ડીપોઝીટ સામે એના 75% થી 80% સુધી લોન મળી શકે છે. વળી, સોનું વ્યાજની આવક રળતું ન હોવાથી વ્યાજની નવી આવક ઉભી કરી ભરવું પડે છે એથી એ ખર્ચાળ સાબિત થાય છે જયારે ફિક્સ્ડ ડીપોઝીટ વ્યાજ રળતું હોવાથી વ્યાજનો બોજો ઓછો થાય છે.

તો પ્રશ્ન એ થાય કે તો શું સોનું લેવું જ નહીં?

તો જવાબ છે સોનું જરૂર લેવું પણ એ જેટલું વાપરવું હોય. પત્નીના દાગીના રૂપે એટલું જ લેવું જેથી પત્ની ખુશ રહે અને એથી તમે પણ ખુશ રહો. સોનામાં રોકાણ કરવું આજના જમાનામાં મૂર્ખતા છે રોકાણ એવું હોવું જોઈએ જે મૂડી વૃદ્ધિ કરે અને આવક પણ રળે.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: Mother’s Day નિમિત્તે મમ્મીની એ સ્પેશિયલ ડીશ with a Twist!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here