તનુશ્રી દત્તા અને નાના પાટેકરના કિસ્સાએ જાણેકે ભારતના ‘ઉંચે લોગ’ દ્વારા થતી જાતીય સતામણીનો Pandora’s Box ખોલી દીધો છે. ગત શનિવારે Twitter પર દેશભરની મહિલાઓ ખુલ્લેઆમ બહાર આવી અને પોતાના પર જાણીતા ભારતીય પુરુષો દ્વારા થયેલી જાતીય સતામણીને ભારતનું Me Too ગણાવીને એકપછી એક તેમના નામ જાહેર કરવા લાગી.

ચેતન ભગત, કૈલાશ ખેર, AIBની ટીમના સભ્યો, જાણીતા સ્ટેન્ડ અપ કોમેડિયન્સ, કોર્પોરેટ ગુરુઝ, ભૂતપૂર્વ હાઈકોર્ટ જજ, એડ ગુરુઝ, સિનીયર પત્રકારો, એક્ટર રજત કપૂર અને અત્યારે સવારે જ્યારે આ આર્ટીકલ લખાઈ રહ્યો છે ત્યારે ‘સંસ્કારી’ કલાકાર આલોક નાથ પણ આ દુર્ગુણથી ભરપુર Me Too યાદીમાં ‘ચમક્યા’ છે. છેલ્લા ત્રણ દિવસથી Twitter ની જેમણે પણ મુલાકાત લીધી હશે એમને લાગ્યું હશે કે ભારતીય પુરુષ, ખાસકરીને જાણીતા ભારતીય પુરુષો તેમના ખાનગી જીવનમાં કેટલા અભદ્ર અને અણગમતા છે.
જે મહિલાઓ આગળ આવી છે અને ભૂતકાળમાં પોતાના પર થયેલા જાતીય આઘાતની ફરિયાદ કરી છે તેમાં મહિલાઓનું અપમાન કરનારા પુરુષો ઉપરાંત જે-તે ઘટના વિરુદ્ધ આંખ આડા કાન કરનારા પુરુષો પણ સામેલ હોવાનું પણ જાણવા મળ્યું છે. પરંતુ સૌથી મોટો આઘાત એ બાબતનો લાગ્યો કે વાતેવાતે મહિલા સશક્તિકરણની વાતો કરતી એટલેકે feminism નો ઝંડો સોશિયલ મિડિયામાં બુલંદ કરનારી મહિલાઓ પણ તેમની જાણમાં આવેલી જાતીય સતામણીના કિસ્સાઓને અવગણતી હોવાના કે મૂંગી રહેતી હોવાના કિસ્સા સામે આવ્યા છે!
શનિવારથી ચાલી રહેલા એક અવલોકન મુજબ એક કોમન બાબત ઉડીને આંખે વળગે છે. આ બાબત એવી છે કે મોટાભાગના કિસ્સાઓ એક વર્ષ કે તેનાથી પણ વધારે જુના છે. ચેતન ભગતનો કિસ્સો ચારેક વર્ષ જુનો છે એવી જ રીતે અન્ય કિસ્સાઓમાં પણ ઘટના ઘટ્યાને ઘણો સમય વીતી ગયો છે. અહીં જ મહિલાઓએ થોડા વધારે એક્ટીવ થવાની જરૂર છે એવું લાગે છે.
હા, જે કોઇપણ મહિલાઓ આ Me Too ના માનસિક ત્રાસમાંથી પસાર થઇ હોય તેમને માટે ખુલ્લેઆમ તેનો સ્વીકાર કરવામાં વાર લાગે પરંતુ આ વાર કેટલી હોવી જોઈએ એ પણ હવે નક્કી થઇ જાય તો સારું. જો ત્રણ કે ચાર વર્ષ બાદ તમને પોતાના પર થયેલા જાતીય ત્રાસને જાહેર કરવામાં વાંધો નથી તો થોડું વહેલું એને જાહેર કરીને ગુનેગારને ઝડપી સજા મળે એ નક્કી કરવામાં પણ કોઈ વાંધો ન હોવો જોઈએ. તનુશ્રી દત્તા અને નાના પાટેકરના કિસ્સામાં પણ આ કોલમમાં એ પ્રકારે જ વલણ દર્શાવ્યું હતું.
હાલના એક ઇન્ટરવ્યુમાં એક્ટર અન્નુ કપૂરે ખુબ સરળતાથી સમજાવ્યું હતું કે જાતીય સતામણીનો ભોગ બનેલી સ્ત્રીઓએ કેમ જલ્દીથી કાયદાનું શરણ લેવું જોઈએ. અન્નુ કપૂરના કહેવા અનુસાર જો તમારે તમારા વિરુદ્ધ થયેલી સતામણીની અસર બનાવેલી રાખવી હોય તો મિડીયામાં બેશક જાવ પણ સાથે સાથે પોલીસ ફરિયાદ પણ બને તેટલી ઝડપથી કરો. જો તમે માત્ર મિડીયામાં જ બયાનો આપતા રહેશો તો કોઈને પણ શંકા જશે કે તમારો આરોપ સાચો છે કે નહીં!
અંગત મંતવ્ય અન્નુ કપૂરના મંતવ્યથી ખાસ અલગ નથી, પરંતુ એટલું જરૂર ઉમેરવા માંગીશ કે ત્રણ-ચાર વર્ષે કોઈને ઉઘાડો પાડવો એ ખોટું નથી પરંતુ હવે જ્યારે સ્ત્રીઓ માટે કાયદા વધુને વધુ મદદગાર થયા છે તો તેનો લાભ લઈને ત્વરિત પોલીસ ફરિયાદ કરી, પેલા વ્યક્તિને એ રીતે પણ કન્ટ્રોલમાં લાવીને અન્ય સ્ત્રીઓને તે આ પ્રકારની જાતીય સતામણીથી બચાવી શકે છે. ભારતીય Me Too ના ઘણા કિસ્સાઓ એવા પણ છે કે એક મહિલાએ હિંમત દર્શાવીને કોઈ પુરુષને અટકાવ્યો હોય તો એ જ પુરુષ તેના બાદ અન્ય કોઈ સ્ત્રી કે મહિલાને સતાવવા લાગ્યો હોય.
જો સ્ત્રીઓએ હિંમત દાખવવામાં ઝડપ કરવાની જરૂર છે તો પુરુષોએ પણ કેટલીક સાવચેતીઓ લેવાની જરૂર છે જેથી તેમના વિરુદ્ધ પણ Me Too ના સ્ક્રિનશોટ્સ આવનારા વર્ષોમાં સોશિયલ મિડીયામાં ફરવા ન લાગે. પુરુષોએ સહુથી સરળ કામ પહેલું તો એ કરવાનું છે કે કોઇપણ સ્ત્રી કે મહિલા પછી તે સાથે કામ કરનારી હોય, કૌટુંબિક સગપણમાં હોય કે પછી પડોશી હોય જો એ મોડર્ન કે આઝાદ વિચારો ધરાવે છે તો એ અવેલેબલ છે એ માનવાની ભૂલ બિલકુલ ન કરવી.
લાગતું વળગતું: સોશિયલ મિડિયા હવે બની ચૂક્યું છે ‘સો સ્પેશિયલ મિડિયા’ |
કોઇપણ પુરુષ માટે સ્ત્રીઓનું સન્માન સર્વોપરી હોવું જ જોઈએ અને આ સન્માન સદાય જળવાઈ રહે તે માટે પુરુષે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. આ ઉપરાંત કોઈ સ્ત્રી પણ તમને સામેથી શારીરિક સંબંધો રાખવાની ઈચ્છા જણાવે છે કે પછી તેના સંકેત આપે છે તો મહેરબાની કરીને મન કઠણ કરીને એમાં ન પડતા, કારણકે કાયદો જ્યારે પણ એ મામલો જાહેરમાં આવશે પરણિત હશો કે અપરણિત તમે ગુનેગાર તમને જ ગણશે. એટલે અત્યારથી જ તમારી ભવિષ્યની Me Too મોમેન્ટથી દૂર રહો.
સ્ત્રી સાથેની મિત્રતાને મિત્રતા સુધી જ સીમિત રાખો. અજાણી કે ઓછી જાણીતી સ્ત્રીઓ સાથે ફ્લર્ટ કરવાથી દૂર રહો. ઘણીવાર નિર્દોષ ફ્લર્ટિંગ પણ તમારા માટે ભવિષ્યમાં ખતરનાક બની શકે છે. ફ્લર્ટ એ સ્ત્રી અને પુરુષ વચ્ચે અત્યંત નિર્દોષતાથી વ્યક્ત થયેલી ભાવના હોય છે અને બંનેની મંજુરીથી એ થતું હોય છે, પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે તોલારામ! એટલે ફ્લર્ટ કરો તો એ જ સ્ત્રીઓ સાથે કરો જે તમારી અંગત અને ખાસ મિત્ર હોય.
અંગત અને ખાસ સ્ત્રી મિત્રને પણ જો હજી સુધી પૂછ્યું ન હોય તો હવે પૂછી લો કે શું હું તારી સાથે અમુક અમુક સમયે ફ્લર્ટ કરું તો તને વાંધો ખરો? જો એ હા પાડે તો તમે એનો સ્ક્રિનશોટ પાડીને તેને સાચવી રાખો જેથી ભવિષ્યમાં સંબંધમાં કડવાશ આવે તો તમારી સાઈડ સેફ થઇ જાય. જો ના પાડે તો એ જ ઘડીએ ફ્લર્ટ બિલકુલ બંધ કરી દો અને ત્યારે પણ તેને અવોઇડ કરો જ્યારે તમારી એ મિત્ર તમે હવે તેની સાથે ફ્લર્ટ કરવાનું કેમ બંધ કરી દીધું છે એવી મીઠી ફરિયાદ કરે.
એવું જરાય નથી કે પુરુષ જ સ્ત્રીઓની જાતીય સતામણી કરતા હોય છે, બોલિવુડ અને કોર્પોરેટ જગતમાં શક્તિશાળી સ્ત્રીઓએ પણ પુરુષોની મરજી વિરુદ્ધ તેમની છેડતી કરી હોય કે તેમની મજબુરીનો ગેરલાભ લઇ તેમની સાથે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી હોય એવા કિસ્સાઓ પણ સામે આવતા જ હોય છે. પણ આપણે પુરુષ એટલે આપણાથી કોઈ ફરિયાદ થાય ખરી? અથવાતો પુરુષોને તો એવું બધું ગમતું જ હોયને? એવી માનસિકતા પણ બદલી નાખજો. જાતીય સતામણી એ પુરુષને પણ માનસિક રીતે અસર કરતી હોય છે, એટલીજ જેટલી તે સ્ત્રીઓને પણ કરતી હોય છે. જો કોઈ પુરુષ સાથે પણ Me Too મોમેન્ટ બને તો તેણે પણ ગભરાયા વગર એ સ્ત્રીને સમાજમાં અને કાયદાની નજરે ખુલ્લી પાડવી જ રહી.
ઉપરવાળાએ સ્ત્રી અને પુરુષના કેવા મીઠા સંબંધ બનાવ્યા છે? જો બંને એકબીજાનું સન્માન જાળવશે તો જ દુનિયા માણવા લાયક બનશે. એકબીજા પર જાતીય હુમલાઓ કરીશું તો આ જીવન જીવવા લાયક નહીં રહે, તમારા માટે તો નહીં જ પરંતુ એ પુરુષો કે સ્ત્રીઓ માટે પણ જેમણે ક્યારેય કોઈની જાતીય સતામણી કરવાનું સ્વપ્નમાં પણ નથી વિચાર્યું એમના માટે પણ. આથી હવે ભારતમાં એટલીસ્ટ Me Too મોમેન્ટ્સ ઓછી થવા લાગે એ તરફ આપણે આપણા તરફથી શક્ય હોય તેટલું પ્રદાન આપીએ.
આચારસંહિતા
અમે જ્યારે પણ સામાજીક પ્રસંગોએ મળતા અમે એકબીજાને શુભેચ્છા પાઠવતા અને ભેટતા, ત્યારે તે પોતાનો ચહેરો મારા ગળામાં છુપાવી દેતો, મને એકદમ જોરથી ભેટતો અને મારા વાળની સુવાસ લેતો. આ અપમાનથી મારી જાતને દૂર કરવામાં મને ખુબ મહેનત પડતી. તે મને કહેતો ‘K’ મને તારી સુગંધ ખુબ ગમે છે. અને મને લાગતું કે એનામાં કોઈ તકલીફ છે.
– ‘ક્વીન’ ના ડિરેક્ટર વિકાસ બહલ વિષે કંગના રનૌત.
eછાપું
તમને ગમશે: શેર બજારમાં રોકાણ કરવું શું રોકાણકાર માટે ફાયદાકારક છે ખરું?