ક્રિસમસ સેલિબ્રેટ કરવી છે પણ Egg-less કેક બનાવીને? આ રહી રેસિપીઝ

0
206
પ્રતિકાત્મક તસ્વીર Photo Courtesy: chowhound.com

આપણામાંથી ઘણા ધાર્મિક, સામાજિક કે અન્ય કોઈપણ કારણોસર એગ/ઈંડા ખાવાથી દૂર રહે છે. પરિણામ સ્વરૂપ તેઓ કેકની મજા નથી માણી શકતા, હોમ-મેડ કેક પણ રેસિપીના “આંધળા” અનુકરણને કારણે ઘણી વાર વ્યવસ્થિત નથી બનતી. તેથી જ આજે કેકમાં ઈંડાનું મહત્વ અને એના રીપ્લેસમેન્ટ અંગે આપણે વાત કરીશું અને સાથે જ જોઈશું થોડી એગલેસ કેક રેસીપીઝ.

ઈંડું કેક માટે મહત્વનું છે, તે મુખ્યત્વે લીવનીંગ એજન્ટનું કામ કરે છે, જેને લીધે કેક હલકી અને હવા ભરેલી બને છે. એટલે જો આપણે ઈંડાને બદલે એવી કોઈક વસ્તુ ઉમેરીએ કે જેને લીધે કેક હલકી અને હવા ભરેલી બને તો તે ઈંડું ઉમેર્યા બરાબર ગણાશે. અહી નીચેના ટેબલમાં આવી કેટલીક વસ્તુ/મિશ્રણ અને તેનું માપ (એક ઈંડાને બરાબર) આપેલ છે તે વાપરી શકાય છે. જો એકથી વધુ ઈંડા વાળી કેક હોય તો માપ એ રીતે બદલવું.

 

સામગ્રી/મિશ્રણ માપ
એપલ સોસ 1/3 કપ (અથવા ¼ કપ સોસ + 1 ટીસ્પૂન બેકિંગ પાઉડર)
કેળાની પ્યુરી ¼ કપ
દહીં ¼ કપ
ઘી અથવા વેજીટેબલ ઓઈલ ¼ કપ
છાશ ¼ કપ
અળસી 1 ટેબલસ્પૂન અળસીનો પાઉડર + 3 ટેબલસ્પૂન પાણી
આરારૂટનો પાઉડર 2 ટેબલસ્પૂન

 

સ્ટ્રોબેરી યોગર્ટ કેક

પ્રતિકાત્મક તસ્વીર
Photo Courtesy: generalmills.com

સામગ્રી:

1 કપ મેંદો

½ ટીસ્પૂન બેકિંગ પાઉડર

½ ટીસ્પૂન બેકિંગ સોડા

2 ટેબલસ્પૂન બટર (નરમ પડેલું)

1 ¾ ટેબલસ્પૂન ઘી

2/3 કપ+1 ½ ટેબલસ્પૂન ખાંડ

½ ટીસ્પૂન વેનીલા એસેન્સ

¾ કપ છાશ

1 કપ પાતળી સ્લાઈસમાં સમારેલી સ્ટ્રોબેરી

રીત:

 1. સૌથી પહેલા ઓવેનને 175° સે. પર પ્રીહીટ કરવા મૂકો અને 9” ના કેક પેનને બરાબર ગ્રીઝ કરી લો. (બટર અથવા ઘી વડે બધી જ બાજુઓને પૂરતી ચીકણી કરવી)
 2. એક બાઉલમાં મેંદો, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા લઇ બરાબર ભેળવી લો.
 3. હવે અન્ય એક બાઉલમાં બટર, ઘી અને 2/3 કપ ખાંડ લઇ તેને ઇલેક્ટ્રિક બીટર વડે તેનો રંગ બદલાય અને હવાવાળું ના લાગે ત્યાંસુધી, આશરે બે મિનીટ માટે, બરાબર ફેંટો. હવે તેમાં વેનીલા એસેન્સ ઉમેરીને, બરાબર ભળી ન જાય ત્યાંસુધી ફેંટો.
 4. હવે ધીરે ધીરે તેમાં 3 બેચમાં મેંદા વાળું મિશ્રણ અને છાશ વારાફરતી ઉમેરતા જઈને મિક્સ કરતા જાઓ. આ મિશ્રણ એવી રીતે ઉમેરવું જેથી મિક્સિંગ પ્રોસીજરની શરૂઆત અને અંત બંને મેંદાના મિશ્રણથી જ થાય. મિશ્રણને બહુ ફેંટવું નહિ, ફક્ત બરાબર ભળી જાય ત્યાંસુધી જ ફેંટવું.
 5. હવે આ મિશ્રણમાં ધીરે ધીરે સ્ટ્રોબેરીની પાતળી ચીરીઓ ઉમેરવી અને સાચવીને મિક્સ કરી લેવું.
 6. કેક બેટરને પેનમાં પાથરી દેવું. ઉપર થોડી સ્ટ્રોબેરીની ચીરીઓ ગોઠવાવી અને 1 ½ ટેબલસ્પૂન ખાંડ ભભરાવી દેવી.
 7. કેકને એનું ટોપ ગોલ્ડન થાય ત્યાંસુધી બેક કરી લો, આશરે 25 થી 30 મિનીટ માટે.
 8. કેક તૈયાર થઇ જાય એટલે એમ જ અથવા વ્હીપ્ડ ક્રીમ કે આઈસ્ક્રીમ સાથે મજા માણો.

લાગતું વળગતું: ગોવામાં એક યાદગાર ક્રિસમસ ઉજવવાની પાંચ મહત્ત્વની ટીપ્સ

વેનીલા લેયર કેક

પ્રતિકાત્મક તસ્વીર
Photo Courtesy: seriouseats.com

સામગ્રી:

1 1/2 કપ  ઘઉં નો લોટ

1 કપ  મોળું દહીં

3/4 કપ  ઓર્ગેનીક ખાંડ અથવા ટિપ્સ જુઓ

1/2 ટીસ્પૂન બેકિંગ સોડા

1 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર

1/2 કપ ઘી

1 1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ

2 ટેબલસ્પૂન પાણી

1/4 કપ વ્હીપીંગ ક્રીમ

1/4 કપ સ્ટ્રોબેરી જામ

રીત:

 1. સૌથી પહેલા ઓવેનને 175° સે. પર પ્રીહીટ કરવા મૂકો અને 9” ના બે કેક પેનને બરાબર ગ્રીઝ કરી લો. (બટર અથવા ઘી વડે બધી જ બાજુઓને પૂરતી ચીકણી કરવી)
 2. એક બાઉલમાં ઘઉંનો લોટ બરાબર ચાળી લો અને બાજુ એ રાખો.
 3. બીજા એક બાઉલમાં દહીં અને ખાંડ લઇ, ખાંડ ઓગળે નહિ ત્યાંસુધી મિક્સ કરો. હવે તેમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ભેળવી મિશ્રણને પાંચેક મિનીટ માટે અથવા ઉપરથી ફીણવાળું ન લાગે ત્યાંસુધી બાજુ એ રહેવા દો. ત્યારબાદ તેમાં વેનિલા એસેન્સ, ઘી અને 2 ટેબલસ્પૂન પાણી ઉમેરો.
 4. આ ભીના મિશ્રણમાં 1/3 કપ ઘઉંનો લોટ ઉમેરો અને એને બરાબર ભેળવી દો. આ પ્રોસેસને બધો જ લોટ વાપારીના જાય ત્યાંસુધી રીપીટ કરો. મિશ્રણને બહુ ફેંટવું નહિ, ફક્ત બરાબર ભળી જાય ત્યાંસુધી જ ફેંટવું. છેલ્લે તૈયાર થતું મિશ્રણ સહેજ જાડું, સહેલાઈથી ફેલાઈ શકે તેવું અને દેખાવે ક્રીમી હોવું જોઈએ. જો મિશ્રણ કોરું લાગે તો તેમાં થોડું પાણી ઉમેરી દેવું. (1 ટેબલસ્પૂનથી વધારે નહિ)
 5. કેક બેટરને બે 9” વાળા કેક પેનમાં સમાન ભાગે વહેંચી લો અને ઓવેનમાં લગભગ 20 થી 25 મિનીટ માટે બેક કરી લો.
 6. કેક તૈયાર થઇ જાય એટલે પેનમાં જ સહેજ ઠંડી પાડી, પેનમાંથી બહાર કાઢી લો.
 7. કેક ઠંડી થતી હોય એટલીવારમાં વ્હીપીંગ ક્રીમને ફેંટીને તૈયાર રાખો.
 8. હવે એક કેક ઉપર જામને બરાબર ચોપડી લો. એના ઉપર વ્હીપ્ડ ક્રીમ પાથરો.
 9. તેના ઉપર બીજી કેક મૂકીને બરાબર સેટ કરી લો.
 10. સ્લાઈસ કરીને સર્વ કરો.

બનાના કપ કેક

પ્રતિકાત્મક તસ્વીર
Photo Courtesy: chowhound.com

સામગ્રી:

1 ½ કપ મેંદો

3/4 કપ ખાંડ

1 ટીસ્પૂન બેકિંગ પાવડર

½ ટીસ્પૂન બેકિંગ સોડા

1/4 ટીસ્પૂન મીઠું

4 ટેબલસ્પૂન ઘી

2 કપ કેળાની પ્યુરી

½ ટીસ્પૂન વેનીલા એસેન્સ

ગાર્નીશિંગ માટે થોડા અખરોટ, વ્હીપ્ડ ક્રીમ

રીત:

 1. સૌથી પહેલા ઓવેનને 175° સે. પર પ્રીહીટ કરવા મૂકો અને મફીન પેનમાં પેપર લાઈનર મૂકીને તૈયાર રાખો.
 2. એક બાઉલમાં મેંદો, ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને મીઠું લઇ બરાબર મિક્સ કરો.
 3. હવે તેમાં વચ્ચે થોડો ખાડો પાડી તેમાં ઘી, કેળાની પ્યુરી અને વેનીલા એસેન્સ ઉમેરી, સાચવીને ભેળવી દો.
 4. આ કેક બેટરને મફીન કપ્સમાં, દરેક કપમાં ¼ કપ જેટલું આવે એ રીતે, વહેંચી દો.
 5. ઓવેનમાં, વચ્ચે ટૂથપિક ખોસતા એ સાફ બહાર આવે ત્યાંસુધી, લગભગ 25 થી 30 મિનીટ સુધી બેક કરી લો.
 6. કેકને પેનમાંથી બહાર કાઢી ઠંડી પડે એટલે વ્હીપ્ડ ક્રીમ અને અખરોટથી સજાવીને સર્વ કરો.

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: આખાબોલા સરદાર અને તેમના વ્યંગબાણ – જબરદસ્ત કોમ્બિનેશન!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here