ગ્રીક ફૂડ એટલે આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, એપ્સીલોન, ઝેટા….?

0
153
Photo Courtesy: fromthegrapevine.com

ગ્રીક ફૂડ સમગ્ર વિશ્વમાં અત્યંત લોકપ્રિય છે. આ પાછળનું કારણ એ છે કે તે સમતોલ આહાર ગણાય છે. જાણીએ બે ગ્રીક રેસિપીઝ!

ના ના… આજે ખાણીપીણીની વાતો છોડીને મેથ્સ નથી ભણવાનું, પણ હું વિચારતી હતી કે જે દેશના મૂળાક્ષરોને આપને મોટેભાગે ધિક્કારતા આવ્યા છીએ એ દેશના ખોરાક અંગે કેવી રીતે ઓળખાણ આપવી? ઇન્ડિયાથી 7734 કિમી દૂર આવેલા આ દેશનો ઈતિહાસ લગભગ અઢી હજાર વર્ષ જૂનો છે તો સ્વાભાવિક છે કે ત્યાંનાં ખોરાકનો ઈતિહાસ પણ એટલો જ જૂનો હોય.

આજે ગ્રીક ફૂડ ‘મેડીટેરેનિયન ફૂડ’ તરીકે ઓળખાય છે. એના વિશિષ્ટ સ્વાદને લીધે ધીમે ધીમે ભારતમાં પણ લોકપ્રિય થઇ રહ્યું છે. આમ તો ભૂમધ્ય સમુદ્રને કિનારે આવેલા આ દેશનો સમતોલ આહાર એટલે કે ‘સ્ટેપલ ફૂડ’  ફીશ અને વાઈન છે, પરંતુ ત્યાંનાં ખોરાકમાં ઓલીવ્સ,ચીઝ, રીંગણ, ઝુકીની, વિવિધ હર્બ્ઝ, વિવિધ જાતના મીટ અને દહીંનો પણ ભરપૂર ઉપયોગ થાય છે. આપણે જેમ ખાવાનું બનાવવા માટે સિંગતેલનો ઉપયોગ કરીએ છીએ, તેવી જ રીતે ગ્રીસમાં ખાવાનું ઓલીવ ઓઈલમાં બનાવવામાં આવે છે.

ગ્રીક ક્વીઝીનમાં બીજા મેડેટેરેનિયન ક્વીઝીનના પ્રમાણમાં ફલેવરીંગનું મહત્વ વધારે છે. ઓરેગાનો, સૂકવેલ ફૂદીનો, લસણ, ડુંગળી, તમાલપત્ર, બેઝીલ (એક જાતની તુલસી), થાઈમ અને પલાળેલી વરીયાળી ત્યાંનાં મુખ્ય મસાલાઓ છે. ઘણી જગ્યાએ, ખાસ કરીને ઉત્તરી પ્રદેશોમાં ‘ગળ્યા’ મસાલા – જેમ કે તજ અને લવિંગ – નો ઉપયોગ કરવામાં આવે છે.

ગ્રીક વાનગીઓ સામાન્ય રીતે ‘મેઝેદેસ’ એટલે કે એપીટાઇઝર્સ જોડે સર્વ કરવામાં આવે છે. દરેક પ્રદેશનો પોતાનો ‘મેઝેદે’ હોય છે, પરિણામે દરેક વાનગી જોડે સર્વ કરવા માટે ઘણા બધા ઓપ્શન્સ મળી રહે છે. અનેક જાતના હર્બ્ઝના ઉપયોગને લીધે ગ્રીક મેઝેદે સ્પેનીશ ટાપાસ કે ઇટાલિયન એન્ટીપાસ્તો કરતા વધારે ફ્લેવરફુલ હોય છે. ઉપરાંત ઘણાબધા શાકભાજી, વિવિધ કઠોળ, ફીશ, મીટ, ઘઉં અને અન્ય અનાજનો ઉપયોગ મોટાપાયે થતો હોવાથી ગ્રીક ફૂડ અત્યંત પૌષ્ટિક પણ હોય છે.

અને હવે જો મુખ્ય વાત કરીએ તો, આ ક્વિઝીન બનાવવું ખૂબ સહેલું છે. હકીકતમાં ઘણા લોકો કે જે સમતોલ આહાર પર પહેલી પસંદગી રાખતા હોય છે, તેઓ મેડેટેરીનિયન ફૂડ ઘણું પસંદ કરે છે, કારણકે સરળતાથી બનતું અને સાથે જ સ્વાદિષ્ટ હોવું એ આ ક્વીઝીનનો મહત્વનો પ્લસ-પોઈન્ટ છે.

આજે ફલાફલ, હુમસ અને પીટા બ્રેડ ખૂબ જાણીતા બન્યા છે, પરંતુ આજે આપણે ખૂબ ઓછી જાણીતી વાનગીઓ વિષે જાણીશું, જેમકે ત્સાત્સીકી અને ફાકેસ

ત્સાત્સીકી એ એક ડીપ છે, જેમાં કાકડીનો ઉપયોગ થાય છે. પીટા બ્રેડ જોડે ખાવા માટે આ ડીપ ખૂબ જ લોકપ્રિય છે.

ફાકેસ એક સૂપ છે જેમાં મસૂરનો ઉપયોગ થાય છે, જેને પરંપરાગત રીતે ઓલીવ ઓઈલ અને ખૂબ બધા વિનેગર સાથે સર્વ કરવામાં આવે છે.

ત્સાત્સીકી

Photo Courtesy: fromthegrapevine.com

સામગ્રી

2 કપ દહીં, પાણી નીતારેલું

2 કાકડી, છાલ ઉતારીને ઝીણી સમારેલી

2 ટેબલસ્પૂન ઓલીવ ઓઈલ

½ લીંબુનો રસ

3 કળી લસણ

મીઠું અને મરી, સ્વાદ મુજબ

રીત

  1. ફૂડ પ્રોસેસરમાં બધી જ સામગ્રી ભેગી કરી એકરસ થાય ત્યાં સુધી ભેળવો.
  2. એક નાના બાઉલમાં કાઢી લગભગ એક કલાક સુધી ફ્રીજમાં ઠંડુ થવા દો.
  3. પીટા બ્રેડ અથવા લવાશ સાથે એકદમ ઠંડુ પીરસો.
લાગતું વળગતું: ઇટાલિયન ફૂડ એટલે પિત્ઝા અને પાસ્તા સાથે સ્વાદની એક અનોખી યાત્રા

ફાકેસ

Photo Courtesy: Youtube.com

સામગ્રી

1 કપ મસૂર

¼ કપ ઓલીવ ઓઈલ

1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ

1 ડુંગળી ખૂબ ઝીણી સમારેલી

1 ગાજર, સમારેલું

4 કપ પાણી + જરૂર મુજબ

2 તમાલપત્ર

1 ટેબલસ્પૂન ટોમેટો પ્યુરી

ચપટી ઓરેગાનો

મીઠું અને મરી, સ્વાદ મુજબ

રીત:

  1. મસૂરને એક મોટા તપેલામાં લો, તેમાં મસૂર ડૂબે એટલું પાણી ઉમેરી એને ઉકાળવા દો.
  2. મસૂર સહેજ નરમ થઇ જાય એટલે પાણી નીતરી ને બાજુમાં રાખો.
  3. હવે અન્ય એક વાસણમાં ઓલીવ ઓઈલ લો, અને મીડિયમ તાપે ગરમ કરો.તેમાં લસણની પેસ્ટ, ડુંગળી અને ગાજર નાખી ડુંગળી પારદર્શક નાં થાય ત્યાં સુધી સાંતળો
  4. તેમાં 4 કપ પાણી, મસૂર, ઓરેગાનો અને તમાલપત્ર ઉમેરી તેને ઉકળવા દો.
  5. ઉભરો આવે એટલે તાપ ધીમો કરી બીજી દસેક મિનીટ ઉકળવા દો. ત્યાર બાદ તેમાં ટોમેટો પ્યુરી અને સ્વાદ અનુસાર મીઠું અને મરી નાખો.
  6. વાસણને ઢાંકીને લગભગ ૩૦-40 મિનીટ માટે ઉકળવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. જો લાગે કે સૂપ ખૂબ જાડો થઇ ગયો છે તો જરૂર મુજબ પાણી નાખો.
  7. પીરસતા પહેલા 1 ટીસ્પૂન ઓલીવ ઓઈલ અને 1 ટીસ્પૂન વિનેગર નાખી ને સર્વ કરો.

eછાપું

તમને ગમશે: ચીનમાં બોલીવુડની ફિલ્મો – જી લલચાયે, રહા ન જાયે…ઔર ધૂમ મચાયે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here