Lok Sabha 2019 રેસિપીઝ : મતદાન પહેલા ફટાફટ બની જતા કેટલાક જલપાન!

0
312
Photo Courtesy: archanaskitchen.com

ધોમધખતા ઉનાળામાં બપોરના સમયમાં મતદાન કરવા જવું કોઈને પણ અઘરું કાર્ય લાગે, તો સવારના સમયમાં જ થોડો ક્વિક નાસ્તો કરીને જ ઠંડકમાં મતદાન કરવા મળે તો કેવું રહે? ચાલો જાણીએ કેટલીક ક્વિક રેસિપીઝ!

લોકશાહીમાં મતદાન અતિઆવશ્યક હોય છે. મતદારને દર પાંચ વર્ષે જ મોકો મળતો હોય છે કે તે પોતાના શાસકને પોતાનો નિર્ણય આપે. આવા સંજોગોમાં મતદાન કરવું દેશના દરેક નાગરિક માટે ફરજીયાત ન હોવા છતાં અતિશય આવશ્યક છે કારણકે દરેક મત મનગમતી સરકાર બનાવી શકે એટલી તાકાત ધરાવે છે.

છેલ્લા ઘણા સમયથી ભારતમાં ભરઉનાળે લોકસભાની ચૂંટણીઓ આવે છે. સ્વાભાવિક છે કે મધ્યાહ્ન પછી મતદાન કરવા ઘરની બહાર નીકળવાની ઈચ્છા ભાગ્યે જ થાય. આપણે ત્યાં નક્કી તારીખે મતદાન સવારે 8 વાગ્યે જ શરુ થઇ જતું હોય છે. આવા સંજોગોમાં જો સવારના સમયમાં જ મતદાન થઇ જાય તો બપોરના તડકામાં મતદાન કરવા જવાની આવશ્યકતા રહે જ નહીં.

પરંતુ ભૂખે જો ભજન ન થાય ગોપાલા તો પછી મતદાન તો કેવી રીતે થાય? વળી સવારની રસોઈ પણ કરવાની હોય? આવા સંજોગોમાં જો થોડું જલપાન કરીને મતદાન કરવા જવા મળે તો? તો આવી જ કેટલીક ફટાફટ બની જતી રેસિપીઝ પર આજે આપણે નજર કરીશું જે માત્ર મતદાનના દિવસે જ નહીં પરંતુ રજા ના દિવસે કે ઉતાવળ હોય ત્યારે પણ કામમાં આવશે.

અક્કી રોટી

Photo Courtesy: archanaskitchen.com

સામગ્રી:

½ કપ ઝીણું સમારેલી ડુંગળી

½ કપ છીણેલું ગાજર

⅓ કપ સમારેલી કોથમીર

1.5 કપ ચોખાના લોટ

1.5 ટીસ્પૂન ઝીણું સમારેલું આદુ

2 થી 3 લીલા મરચાં, ઝીણું સમારેલા

1 ટીસ્પૂન જીરું

⅔ કપ અથવા જરૂર મુજબ પાણી

સ્વાદમુજબ મીઠું

શેકવા માટે જરૂરી તેલ

રીત:

  1. એક બાઉલમાં ડુંગળી, ગાજર અને કોથમીર લો. તેમાં આદુ, લીલા મરચા અને જીરું ઉમેરો.
  2. તેમાં ચોખાનો લોટ અને સ્વાદમુજબ મીઠું ઉમેરી, બધું બરાબર મિક્સ કરીને 15 થી 20 મિનીટ માટે મૂકી રાખો.
  3. હવે તેમાં ધીરે ધીરે, જરૂર મુજબ, પાણી ઉમેરતા જઈ તેનો નરમ લોટ બાંધી દો.
  4. હવે તૈયાર કરેલ લોટમાંથી એક લુઓ લઇ તેને સીધો તવા પર જ, હલકા હાથે દબાવીને રોટલી જેવું તૈયાર કરો.
  5. ધીમા તાપે રોટીને બંને બાજુથી વ્યવસ્થિત રીતે શેકી લો.
  6. ગરમાગરમ અક્કી રોટીને કોપરાની ચટણી સાથે પીરસો.
લાગતું વળગતું: શું તમે બ્રેકફાસ્ટ કરવાથી વજન ઘટે જ એ તારણ સાચું માનો છો?

નીર ઢોસા

Photo Courtesy: archanaskitchen.com

સામગ્રી:

1 કપ સાદા ચોખા

1.5 થી 2 કપ પાણી અથવા જરૂરી તરીકે ઉમેરો

જરૂરી તરીકે મીઠું

ઢોસા બનાવવા માટે તેલ

રીત:

  1. એક કપ ચોખાને પૂરતા પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે પાણી કાઢી, ચોખાને મિક્સરમાં, જરૂર જેટલું પાણી ઉમેરી, સ્મૂધ ખીરું બને એ રીતે ગ્રાઈન્ડ કરી લો.
  2. તૈયાર ખીરાને એક બાઉલમાં લઇ, તેને પાતળું કરવા માટે બીજું પાણી ઉમેરો.
  3. તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  4. હવે એક નોન-સ્ટીક તવા પર લગભગ ½ ટીસ્પૂન જેટલું તેલ રેડીને તેને ચમચી કે મસ્લીન ક્લોથ વડે તવા પર બરાબર રીતે ફેલાવી દો.
  5. તૈયાર કરેલા ખીરામાંથી ચમચો ભરીને ખીરું લઇ તવા પર બરાબર રીતે ફેલાવો.
  6. તવા પર ઢાંકણ ઢાંકી, ઢોસાને પકવવા દો.
  7. તૈયાર થઇ જાય એટલે તવા પર જ ઢોસાને ત્રિકોણાકારે વાળી લો.
  8. ગરમાગરમ ઢોસાને કોપરાની ચટણી જોડે પીરસો.

નોંધ: નીર ઢોસા ગરમ હોય ત્યારે એક પર બીજું ન મૂકતા સહેજ છૂટા છૂટા મૂકવા, નહી તો ઢોસા ચોંટી જઈ શકે છે.

આ થઇ જલ્દી જલ્દી બની જતા ટ્રેડીશનલ બ્રેકફાસ્ટની વાત… પણ ગરમીની સિઝનમાં કૈક ઠંડું ઠંડુ ખાવું હોય બ્રેકફાસ્ટ તરીકે તો?

બનાના-ચિઆ સીડ્સ પુડિંગ

Photo Courtesy: isabelsmithnutrition.com

સામગ્રી:

1 કેળું, સ્લાઈસ કરેલું

1 ટીસ્પૂન ચિઆ સીડ્સ અથવા તખમરિયા

1 કપ દૂધ

રીત:

  1. એક બાઉલમાં તમામ સામગ્રી ભેગી કરીને તેને આખી રાત ફ્રીજમાં રહેવા દો.
  2. સવારે બ્રેકફાસ્ટમાં ઉપરથી ચોકોલેટ સોસ ઉમેરીને ઠંડું ઠંડું પીરસો!

eછાપું

તમને ગમશે: ટ્રેનની વેઇટિંગ લીસ્ટની ટીકીટ ક્યારે કન્ફર્મ થશે તે જાણવું સરળ બનશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here