યુ ટર્ન: પહેલા ના પાડ્યા બાદ કલમ 370 અંગે નીતીશકુમારે પોતાનું વલણ બદલ્યું

0
233
Photo Courtesy: zeenews.com

સંસદના બંને ગૃહોમાં જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370ને નાબૂદ કરવા માટે પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો ત્યારે જનતાદળ યુનાઇટેડે તેનો વિરોધ કર્યો હતો પરંતુ હવે તેનું વલણ બદલાયું છે.

Photo Courtesy: zeenews.com

પટના: કેન્દ્ર સરકારના દ્વારા કલમ 370 નાબૂદ કરવાના નિર્ણય બાદ અને તેની સંસદના બંને ગૃહોમાં મંજૂરી મેળવ્યા બાદ જનતાદળ યુનાઇટેડ જે NDAનો ભાગ છે તેણે પહેલા આ નિર્ણયનો વિરોધ કર્યો હતો પરંતુ હવે જ્યારે રાષ્ટ્રપતિએ આ બિલને મંજુરી આપી દીધી છે ત્યારે જનતાદળ યુનાઇટેડ હવે તેનું વલણ બદલતું હોય એવું લાગી રહ્યું છે.

તાજા સમાચાર અનુસાર JDU હવે એમ કહી રહ્યું છે કે હવે જ્યારે કાયદો અમલમાં આવી ગયો છે ત્યારે ભારતના દરેક નાગરિકોએ તેનું સમર્થન કરવું જોઈએ. રાજ્યસભામાં જનતાદળ યુનાઈટેડના સંસદ સભ્ય રામચંદ્ર પ્રસાદે કહ્યું હતું કે જનતા હવે આ મામલે ભાજપ સાથે વધુ લડાઈ કરવા માંગતો નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે પાર્ટીનું સ્ટેન્ડ આ મામલે પહેલા જે હતું એ હવે રહ્યું નથી અને તેનાથી બિહારમાં NDA સાથેના તેના સંબંધો પર કોઈ જ અસર નહીં પડે.

સંસદના બંને ગૃહોમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો ત્યારે તેને સમર્થન કેમ ન આપ્યું તેના જવાબમાં સિંઘે કહ્યું હતું કે અમે આ બિલને સમર્થન ન આપી શક્યા કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા અમને પહેલા આ બાબતે વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા.

અત્રે એ નોંધનીય છે કે JDUનો NDAમાં મોટો હિસ્સો છે કારણકે તેના લોકસભામાં હાલમાં 16 સંસદ સભ્યો અને રાજ્યસભામાં 6 સભ્યો છે.

અગાઉ ભાજપના બિહારના વરિષ્ઠ નેતા અને રાજ્યના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ પણ કહ્યું હતું કે કલમ 370 હવે નાબુદ થઈ ગઈ છે અને રાજકીય પાર્ટીઓએ હવે આ સત્યને સ્વીકારવું જોઈએ. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે વિપક્ષી પાર્ટીઓ હવે સત્યને સ્વીકારે અને આગળ આવીને બે નવા કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે જમ્મુ-કાશ્મીર અને લદાખના વિકાસ માટે કાર્ય કરે.

સુશીલ કુમાર મોદીએ એમ પણ કહ્યું હતું કે જનતા દળ યુનાઇટેડના જ નહીં પરંતુ કોંગ્રેસના પણ ઘણા જ નેતાઓ જેવા કે ભુવનેશ્વર કલીતા, જ્યોતિરાદિત્ય સિંધિયા વગેરે પણ એવું કહી રહ્યા છે કે આ એક સારું પગલું છે અને સારા પગલા માટે સારો અભિપ્રાય હોવો હંમેશા જરૂરી હોય છે.

એવું લાગી રહ્યું છે કે સુશીલ કુમાર મોદીના આ નિવેદન બાદ જનતાદળ યુનાઇટેડ અથવા તો નીતિશ કુમારે પોતાનુ વલણ આ મામલે બદલ્યું હોય એવું લાગે છે. હાલમાં જ સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીઓમાં NDAના ભાગરૂપે ભાજપ અને જનતાદળ યુનાઇટેડ એક સાથે મળીને લડ્યા હતા અને બિહારની લગભગ તમામ બેઠકો પર વિજયી બન્યા હતા, તેમ છતાં આ પાર્ટી NDA સરકારનો અત્યારે જ નહીં પરંતુ ટ્રીપલ તલાક જેવા મુદ્દે પણ વિરોધ કર્યો હતો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here