મહારાષ્ટ્રમાં બે-બે અઠવાડિયા પછી પણ સરકાર બનવાના કોઇપણ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે આવતીકાલે સરકાર બનાવવા માટેની મુદત પૂર્ણ થઇ રહી છે અને અહીં રાષ્ટ્રપતિ શાસન સ્થપાવાની ઘડીઓ ગણાઈ રહી છે.

મુંબઈ: ચૂંટણી પરિણામો જાહેર થયાના બે અઠવાડિયા વીતી ગયા હોવા છતાં અને ચૂંટણી અગાઉ મહાયુતી તરીકે એકસાથે ચૂંટણી લડીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હોવા છતાં ભાજપ અને શિવસેના હજી પણ સરકાર બનાવવા માટે તૈયાર નથી.
હાલમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં 105 બેઠકો મેળવી હતી, શિવસેનાએ 56, NCP એ 54 અને કોંગ્રેસે 44 બેઠકો મેળવી હતી. શિવસેનાએ પરિણામના દિવસથી જ 50-50 ફોર્મ્યુલા હેઠળ પહેલા અઢી વર્ષ પોતાનો મુખ્યમંત્રી હોવો જોઈએ તેવી માંગ કરી હતી.
ભાજપ તરફથી આ માંગને ઠુકરાવી દેવામાં આવી હતી અને હવે શિવસેના એવો દાવો કરી રહી છે કે ભાજપ તરફથી સરકાર બનાવવા માટે વાતચીત કરવા માટે કોઈજ આમંત્રણ તેને આપવામાં આવ્યું નથી. આવતીકાલ સુધીમાં મહારાષ્ટ્રમાં નવી સરકારે શપથ લઇ લેવા જરૂરી છે અને જો તેમ નહીં બને તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે.
ઉપરોક્ત સમયસીમા જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓમાં ઝડપ આવતી દેખાઈ રહી છે. આજે સવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમના નવનિર્વાચિત વિધાનસભ્યોને મળ્યા હતા અને આ વિધાનસભ્યોએ નિર્ણય કરવાની સત્તા ઉદ્ધવ ઠાકરેને આપી હતી.
તો બીજી તરફ ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ નાગપુરમાં RSSના હેડક્વાર્ટર ગયા હતા અને મોહન ભાગવતને મળ્યા હતા. મોહન ભાગવતે ફડનવીસને અયોગ્ય માર્ગે સત્તા મેળવવા કરતા વિપક્ષમાં બેસવાની સલાહ આપી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
શિવસેનાએ ભાજપ પર પોતાના વિધાનસભ્યોને લાલચ આપવા જેવો ગંભીર આક્ષેપ પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે NCP પ્રમુખ શરદ પવારે ભાજપ-શિવસેના જ મહારાષ્ટ્રમાં સરકાર બનાવે એમ કહી ચૂક્યા છે તો આજે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીને મળવા પહોંચી ગયા છે.
આજે નાગપુર પહોંચેલા કેન્દ્રીયમંત્રી નિતીન ગડકરીએ પોતે દિલ્હી છોડીને મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી બનવા માટે તૈયાર નથી એમ સ્પષ્ટપણે જણાવી દીધું છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં લેતા મહારાષ્ટ્ર માટે આવનારા 24 કલાક અત્યંત મહત્ત્વના બની ગયા છે.
eછાપું