2020ના ફેબ્રુઆરી મહિનામાં પ્રચલિત કાર્ટૂન ‘ટોમ એન્ડ જેરી‘ને એંસી વર્ષ થયા. આઠ દાયકા પછી પણ ‘ટોમ એન્ડ જેરી‘ કાર્ટૂન લોકોના માનસપટલ પર છવાયેલું છે. દરેક ‘ટોમ એન્ડ જેરી‘ કાર્ટૂન ૭ થી ૮ મિનિટની નાનકડી ક્લિપના રૂપમાં હોય છે. જેના કારણે જોનારનો વધુ સમય પણ ન બગડે અને થોડામાં ઘણું મળી જાય છે. આવો આજે વાત કરીએ આ કાર્ટૂન સિરીઝની અને તેના પાત્રોની.

આ વાત છે બે મિત્રોની – વિલિયમ હેન્ના (William Denby Hanna) અને જોસેફ બાર્બેરા (Joseph Roland Barbera)! હેન્ના એક અમેરિકન એનિમેટર, નિર્દેશક, નિર્માતા, કાર્ટૂન કલાકાર, અને સંગીતકાર હતા જેમની ફિલ્મ અને ટેલિવિઝનનાં કાર્ટૂન પાત્રોએ 20મી સદીના લાખો લોકોનું મનોરંજન કર્યુ. ચિત્રવિચિત્ર નોકરીઓ કર્યા પછી, 1930માં તેઓ એક એનિમેશન સ્ટુડિયોમાં જોડાયા. 1930ના દાયકા દરમિયાન, હેન્નાએ થોડાં કાર્ટૂન પર કામ કર્યુ અને તેમાં નિપુણતા અને પ્રાધાન્ય મેળવ્યું. બાર્બેરા પણ એક અમેરિકન એનિમેટર, નિર્દેશક, નિર્માતા, કાર્ટૂન કલાકાર હતા. તેમનો જન્મ ન્યુયોર્ક સિટીમાં ઇટાલિયન ઇમિગ્રન્ટ્સમાં થયો હતો. એક બેંકમાં નોકરી કર્યા પછી બાર્બેરાએ 1927માં ‘વેન બ્યુરેન‘ સ્ટુડિયોમાં અને ત્યારબાદ 1929માં ‘ટેરીટુન્સ‘માં કામ કર્યું. 1930માં, તે કેલિફોર્નિયા ગયા અને મેટ્રો–ગોલ્ડવિન–મેયર (MGM) ખાતે કામ કરવાનું શરૂ કર્યુ.
1937માં, MGMમાં કામ કરતી વખતે, હેન્ના અને બાર્બેરા એકબીજાને મળ્યા. બંનેએ મળીને એક સહિયારું કામ શરૂ કર્યું જેનું સૌ પ્રથમ નિર્માણ ‘ટોમ એન્ડ જેરી‘ના નામે જાણીતું છે. છેક 1957 માં, બંનેએ મળીને ‘હેન્ના–બાર્બેરા‘ નામનું એક પ્રોડક્શન સ્ટુડિયો સ્થાપ્યો જે સૌથી સફળ ટેલિવિઝન એનિમેશન સ્ટુડિયો બની ગયો. આ સિવાય બંનેએ મળીને સ્કૂબી–ડૂ, યોગી બેઅર, ટોપ કૅટ, ધ સ્મર્ફસ, ધ જેટસન્સ, સ્વૅટ કૅટ અને ડેક્સટર જેવા બીજા પ્રસિદ્ધ કાર્ટૂન પણ નિર્માણ કર્યા પણ ‘ટોમ એન્ડ જેરી‘ જેવી સફળતા ન મેળવી શક્યા.
હવે વાત કરીએ પાત્રોની. ટોમ એક ગ્રે કલરની ચામડી ધરાવતો બિલાડો છે. તેનું સાચું નામ થોમસ છે. ટોમ પહેલો વહેલો લોકો સમક્ષ આવ્યો તે કાર્ટૂન ફિલ્મ હતી ‘પુસ ગેટ્સ ધ બૂટ‘. થિયેટર્સમાં આ ફિલ્મની લોકપ્રિયતા જોઈને MGMના નિર્માતા ફ્રેડ ક્વિમ્બીએ ‘ટોમ એન્ડ જેરી‘ સિરીઝ બનાવવા હેન્ના અને બાર્બેરાને પોત્સાહિત કર્યા. ફ્રેડે પોતાના કર્મચારીઓ સમક્ષ 50 ડૉલરના ઈનામ સાથે આ સિરીઝના મુખ્ય પાત્રોના નવા નામ સૂચવવા માટે જાહેરાત કરી. MGMના એક જુનિયર એનિમેટર જ્હોન કાર (John Carr)એ આ જોડી માટે સંભવિત નામો તરીકે “ટોમ” અને “જેરી” સૂચવ્યા અને ઈનામ જીતી ગયો. ઘણા વર્ષોની ઉત્ક્રાંતિ પછી ખાસ કરીને પ્રથમ એપિસોડ પછી ટોમ બદલાયો છે. ઉદાહરણ તરીકે, શરૂઆતમાં ટોમ ચાર પગે ચાલતો હતો પણ પછીના એપિસોડ્સમાં તે લગભગ સંપૂર્ણપણે બે પગે જ ચાલે છે. તેની પાસે માનવ જેવી બુદ્ધિ છે.
જેરી એ નાના બટેટા જેવો એક ચોકલેટી રંગનો ઉંદરડો છે જે ચાલાક છે. તેનું પહેલું નામ જિન્ક્સ (Jinx) હતું. પણ જ્હોને સૂચવ્યા પ્રમાણે તેનું નામ બદલીને જેરી કરવામાં આવ્યું. જેરી જબરો તોફાની છે. સતત ટોમના દૂધ અને માલકિનના ફ્રીજમાંથી ચીઝ ઝાપટવામાં ઉસ્તાદ છે. ટોમ સાથે તેની દોસ્તી અને દુશ્મની બંને હાસ્યાસ્પદ છે. ક્યારેક બંને એકમેકને માર ખવડાવે તો ક્યારેક કોઈના મારથી બચાવી લે. ક્યારેક બંને મળીને પોતાની માલકિણ સાથે ઠગાઈ કરીને જમવાનું ચોરી લે તો ક્યારેક એકમેકની ચુગલી કરે.
બંને પાત્રોના શરીર રબર જેવા લચીલા છે. કોઈ વસ્તુ તેમની પર પડે તો પાણીને જેમ તે વસ્તુનો આકાર લઈ લે. બંને એકબીજાને મારવા માટે હંમેશા તત્પર! હથોડી, બંદૂક, તોપ અને બોમ્બ તો તેમની પાસે હાથવગાં જ હોય. ટોમની હોંશિયાર વ્યૂહરચનાઓ (ભલે કામ કરે કે નહીં પણ પ્લાન તો બનાવે), નિર્ધારિત અને મહેનતુ માનસિકતા, મોટું કદ અને સારી બુદ્ધિ હોવા છતાં, જેરીની શ્રેષ્ઠ કુશળતા, નસીબ અને તેની અવિચારી વૃત્તિ ટોમને પછાડતી હોય છે.
ટોમ એન્ડ જેરીના સપોર્ટીંગ કાસ્ટ તરીકે થોડાં પાત્રો પણ હતાઃ મૅમ્મી ધ શૂઝ નામની ટોમની માલકિણ, સ્પાઈક અને ટાઈક નામના બે કદાવર બુલડોગ બાપ–દીકરાની જોડી, ક્યૂટ અનાથ જેરીનો હરહંમેશ ભૂખ્યો ઉંદરદો નિબ્બલ્સ, બતકનું બચ્ચું ક્વેકર, ટૂડલ્સ ગૅલોર નામની સફેદ બિલાડી જે ટોમની ચાહત પણ હતી.
જ્યારે ‘ટોમ એન્ડ જેરી‘ની શરૂઆત થઈ ત્યારે હેન્ના અને બાર્બેરાએ 1940 થી 1958 દરમિયાન MGM માટે 114 શોર્ટ ફિલ્મો બનાવેલી. આ સમય દરમિયાન, તેઓએ એનિમેટેડ શોર્ટ ફિલ્મ માટે સાત એકેડેમી એવોર્ડ જીતેલા, જેમાં વૉલ્ટ ડિઝનીની સિલી સિમ્ફનીઝ કેટેગરીમાં સૌથી વધુ પુરસ્કારો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 1957 માં MGM કાર્ટૂન સ્ટુડિયો બંધ થયા પછી, 1915 થી 1962 સુધીમાં રેમબ્રાન્ડ ફિલ્મ્સ માટે વધારાના 13 શોર્ટ્સને દિગ્દર્શિત કરી આ કાર્ટૂનને પુનર્જીવિત કર્યું. ‘ટોમ એન્ડ જેરી‘ તે સમયની સૌથી વધુ કમાણી કરનારી એનિમેટેડ ટૂંકી ફિલ્મ શ્રેણી બની.
બંને પાત્રો ખૂબ જ ઓછું બોલતા કારણ કે કાર્ટૂનની મજા તેના પાર્શ્વસંગીતને કારણે જ આવે છે. સંવાદના ખૂબ મર્યાદિત ઉપયોગને લીધે, ટોમ અને જેરી કાર્ટૂનનો સરળતાથી વિવિધ વિદેશી ભાષાઓમાં અનુવાદ થયેલો છે. જાપાનમાં ‘ટોમ એન્ડ જેરી‘નું 1965 માં પ્રસારણ શરૂ થયું અને એક જાપાની જૂથ દ્વારા 2005માં લેવાયેલા એક રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણમાં (જેમાં કિશોરોથી લઈને સાઠ વર્ષની ઉંમરના લોકોને આવરી લેવાયા હતા) ‘ટોમ એન્ડ જેરી‘ને ટોચના 100 માંથી 85માં ક્રમે સ્થાન આપ્યું. આખા લિસ્ટમાં ‘ટોમ એન્ડ જેરી‘ એકમાત્ર બિન–જાપાની એનિમેશન ફિલ્મ હતી.
‘ટોમ એન્ડ જેરી‘ શોને 1980ના દાયકાના મધ્યભાગથી 1990ના દાયકાના પ્રારંભ સુધી ચીનમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તે સમયે તે ખૂબ જ લોકપ્રિય થયો હતો. ચાઇનીઝ બુક સ્ટોર્સમાં આજે પણ આ શોના સંગ્રહો માટે વિશેષ સુવિધાઓ છે. ચેકોસ્લોવાકિયા (1960–1962) માં જીન ડીચની શોર્ટ્સ બનાવવામાં આવી હોવા છતાં, ‘ટોમ એન્ડ જેરી‘નું પ્રથમ સત્તાવાર ટીવી રિલીઝ 1988 માં થયું હતું. તે ચેકોસ્લોવાકિયા (1988) અને રોમાનિયા (1989 સુધી) માં પ્રસારિત પશ્ચિમી મૂળના કેટલાક કાર્ટૂનોમાંથી એક હતું. પાકિસ્તાનની આઈસ્ક્રીમ બ્રાન્ડ ઓમોરે આ જ શોના આધારે ચોકલેટ આઈસ્ક્રીમ લોન્ચ કરી છે. ભારતમાં આ કાર્ટૂન અંગ્રેજીમાં જ પ્રસારીત થતું.
સમય જતાં ભાતભાતના સંગીત અને ધ્વનિ સાથે ટોમ એન્ડ જેરી દરેક દેશમાં પ્રસિદ્ધ થયા. આ કાર્ટૂનના આધારે વિડીયો ગેમ, કોમિક સ્ટ્રીપ, ફિલ્મ, કોમિક પુસ્તક પણ બજારમાં આવ્યા. આવા ઘણાં કાર્ટૂન આવ્યા અને ગયા પણ ટોમ એન્ડ જેરી એક બ્રાન્ડ બની ગયા છે. આજે પણ બે લોકો સતત ઝઘડતા જ રહેતા હોય તો લોકો કહેતા હોય છે કે બંને ‘ટોમ એન્ડ જેરી‘ જેવા છે.
સંદર્ભઃ
https://en.wikipedia.org/wiki/Tom_and_Jerry
eછાપું