CWC 19 | M 34 | ભારતે વેસ્ટ ઇન્ડિઝને તેનું સ્થાન બતાવી દીધું

0
105
Photo Courtesy: twitter.com/cricketworldcup

ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે 125 રનનો વિશાળ વિજય મેળવીને આ વર્લ્ડ કપની શ્રેષ્ઠ ટીમ કઈ છે અને તેને જીતવા માટે બહેતર દાવેદાર કોણ છે તે સાબિત કરી દીધું હતું. વેસ્ટ ઇન્ડિઝને તેની એક લીટીની રણનીતિ ફરીથી નડી ગઈ હતી.

Photo Courtesy: twitter.com/cricketworldcup

પાકિસ્તાન સામેની જીત બાદ ઘણા ‘ગલ્લા ક્રિકેટ નિષ્ણાતોએ’ વેસ્ટ ઇન્ડિઝને આ વર્લ્ડ કપના વિજેતા તરીકે પ્રબળ દાવેદાર જાહેર કરી દીધું હતું. જ્યારે આ રિવ્યુ સિરીઝમાં એ જ મેચ બાદ કહેવામાં આવ્યું હતું કે વેસ્ટ ઈન્ડિઝે માત્ર શોર્ટ પીચ બોલિંગ પર જ વર્લ્ડ કપ જીતવાનો મદાર રાખવાનું છોડી દેવું પડશે. કારણકે આ રણનીતિ વધુ વખત ઉપયોગમાં લેવાને કારણે બાકીની ટીમો તે માટે તૈયાર થઇ જશે અને અમુક ટીમો આ રણનીતિ સામે રમવા માટે કાયમ સક્ષમ હોય છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડિઝની શોર્ટ પીચ બોલિંગ સામે રમવા માટે સક્ષમ ગણાતી ટીમોમાંથી એક છે અને વેસ્ટ ઇન્ડિઝ મેનેજમેન્ટને પણ આ હકીકતનો ખ્યાલ આવી ગયો હશે એટલે જ તેના બોલરોએ આ મેચમાં બને તેટલા ઓછા શોર્ટ પીચ બોલ નાખ્યા અથવાતો જેટલા પણ નાખવામાં આવ્યા તેને ભારતના બેટ્સમેનોએ આરામથી રમી લીધા. જ્યારે તમારી પાસે એક લીટીની રણનીતિ હોય અને તેનો તોડ સામેની ટીમ પાસે હોય ત્યારે તેનાથી મોટી લાચારી બીજી કોઈજ નથી હોતી.

આથી જ વેસ્ટ ઇન્ડિઝ આ મેચમાં ભારતને 268નો સ્કોર કરતા રોકી શક્યું નહીં. આ પીચનો ઉપયોગ અગાઉ ન્યુઝીલેન્ડ વેસ્ટ ઇન્ડિઝની મેચમાં થઇ ચૂક્યો હતો આથી 268નો સ્કોર આ પ્રકારની પીચ પર મેચ વિનિંગ સ્કોર જરૂરથી ગણી શકાય છે. આ વર્લ્ડ કપમાં આ પ્રકારે વારંવાર પ્રયોગો કરવામાં આવ્યા છે જેમાં એક વખત ઉપયોગમાં લેવામાં આવેલી પીચનો ફરીથી ઉપયોગ નવી મેચમાં કરવામાં આવે છે. જ્યારે આ પ્રકારની પીચ હોય ત્યારે ટોસ જીત્યા બાદ હંમેશા પહેલી બેટિંગ લેવી જ યોગ્ય હોય છે.

ફાફ દુ પ્લેસી આ વર્લ્ડ કપમાં આમ ન કરવાની ભૂલ ઓછામાં ઓછી બે વખત કરી ચૂક્યો છે જેનું પરિણામ તે અત્યારે ભોગવી રહ્યો છે, જે ભૂલ વિરાટ કોહલીએ આ મેચમાં કરી ન હતી. વેસ્ટ ઇન્ડિઝના મોટાભાગના બેટ્સમેનો અગાઉ આ રિવ્યુ સિરીઝમાં કહેવામાં આવ્યા અનુસાર માત્ર અને માત્ર આક્રમક બેટિંગ કરવામાં જ માને છે અને આથી જ ભારતીય બોલર્સનું કામ આસાન થઇ ગયું હતું. સળંગ ડોટ બોલ્સ આપ્યા પછી વિકેટ મળવાની જ છે બસ આ નક્કી રણનીતિ અનુસાર જ ભારતીય બોલર્સે જેમાં મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચાહલે બોલિંગ કરી હતી અને છેવટે ભારતને 125 રનનો મોટો વિજય મળ્યો હતો અને એ પણ 15.4 ઓવર્સની બોલિંગ કર્યા વગર!

આ વર્લ્ડ કપમાં ભારતીય બેટિંગની ટીકા ગલ્લા ક્રિકેટ નિષ્ણાતો સોશિયલ મિડીયામાં ખુબ કરી રહ્યા છે, પરંતુ આ ગલ્લા ક્રિકેટ નિષ્ણાતોએ મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલી અને પ્રેસ કોન્ફરન્સમાં લોકેશ રાહુલના નિવેદનો સાંભળવા જોઈએ. વિરાટ કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીની બેટિંગ સ્ટાઈલ વિષે જે કહ્યું છે જેના પર eછાપું પર જ બહુ જલ્દીથી આપને એક વિસ્તૃત આર્ટિકલ વાંચવા મળશે. જ્યારે લોકેશ રાહુલના કહેવા અનુસાર દરેક પીચ 300+ની નથી હોતી એ સમજી વિચારીને જ ટીમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરે છે.

આમ નબળી ટીમને માત્ર ધોવાની જ હોય એવી ગલ્લા ક્રિકેટ નિષ્ણાતોના તર્ક સાથે સ્વાભાવિકપણે જે લોકો ખરેખર પીચ ઉપર જઈને આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ રમે છે તે સહમત નથી તે જાણીને એક સાચા ક્રિકેટ ફેન તરીકે સુખદ સંતોષની લાગણી થાય છે. ભારત આ ટુર્નામેન્ટમાં 34 મેચો પૂર્ણ થયા સુધી પણ અજેય રહ્યું છે જેની કોઈનેય આશા ન હતી. ભારતે હવે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન માત્ર એક મેચ જીતીને પાક્કું કરવાનું છે જે ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ અથવાતો શ્રીલંકા સામે રમીને શક્ય બનશે.

Preview: સાઉથ આફ્રિકા વિ. શ્રીલંકા, ચેસ્ટર-લી-સ્ટ્રીટ, ડરહમ

ભલે સાઉથ આફ્રિકા વર્લ્ડ કપની બહાર ફેંકાઈ ગયું હોય, ભલે શ્રીલંકાએ ગત મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને મોટો મીર માર્યો હોય, પરંતુ આ મેચમાં સાઉથ આફ્રિકાનું પલ્લું ભારે દેખાય છે. સાઉથ આફ્રિકા પર  હવે સેમીફાઈનલમાં પ્રવેશ કરવાનું દબાણ નથી, જ્યારે શ્રીલંકા પર એ દબાણ છે. શરૂઆતના નબળા દેખાવ પછી અચાનક જ ઇગ્લેન્ડ સામે મેચ જીતીને શ્રીલંકાની સેમીફાઈનલની આશા ફરીથી જીવંત થઇ છે. આ સંજોગોમાં સાઉથ આફ્રિકા વગર દબાણે તેની કુદરતી રમત રમશે તો જરૂર જીતશે. આ ઉપરાંત સાઉથ આફ્રિકા આ મેચમાં બેંચ પર બેસાડેલા કેટલાક ખેલાડીઓને અજમાવીને વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ તેણે શું કરવું તે નક્કી કરવાનું પણ શરુ કરી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here