CWC 19 | M 41 | ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને હરાવીને એક કાંકરે બે પક્ષી માર્યા

0
240
Photo Courtesy: twitter.com/cricketworldcup

ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને આરામથી હરાવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન તો પાક્કું કરી જ દીધું છે પરંતુ પાકિસ્તાનનો માર્ગ તેને અત્યંત મુશ્કેલ બનાવી દઈને તેણે એક કાંકરે બે પક્ષીઓ માર્યા છે!

Photo Courtesy: twitter.com/cricketworldcup

વર્લ્ડ કપ 2019ની આ રિવ્યુ સિરીઝમાં ગઈકાલે પણ આપણે વાત થઇ હતી કે આ પ્રકારની ટુર્નામેન્ટમાં 2 પોઈન્ટ્સ મહત્ત્વ ધરાવે છે અને એક વખત તમે મેચ મોટા કે ઓછા માર્જીનથી જીતો અને એ 2 પોઈન્ટ્સ મેળવો તો સેમીફાઈનલમાં પહોંચવાનો તમારો માર્ગ આસાન બની જતો હોય છે. જો તમારા ખિસ્સામાં આ 2 પોઈન્ટ્સની સંખ્યા પૂરતા પ્રમાણમાં ન હોય તો જ પછી તમને નેટ રન રેટનો આશરો લેવો પડે છે.

પાકિસ્તાને શરૂઆતમાં પૂરતા પ્રમાણમાં મેચ ન જીતી અને પછી જે પરિસ્થિતિમાં તેઓ હતા એ મુજબ અફઘાનિસ્તાન સામેની મેચ તેમણે મોટા માર્જીનથી જીતવાની હતી તે તેમણે ન જીતી એટલે હવે તેમના સેમીફાઈનલમાં પ્રવેશ કરવાના તમામ માર્ગો લગભગ બંધ થઇ ગયા છે. ઇંગ્લેન્ડે આ મેચમાં ન્યુઝીલેન્ડને 119 રને હરાવ્યું હોવા છતાં ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ પાકિસ્તાન કરતા એટલો બધો વધારે છે કે પાકિસ્તાનની આ વર્લ્ડ કપની છેલ્લી મેચનું લગભગ કોઈજ મહત્ત્વ રહ્યું નથી.

જાણીતા કિકેટ આંકડાશાસ્ત્રી મોહનદાસ મેનને ગઈકાલે રાત્રે આ મેચ પત્યા બાદ Tweet કરી છે જે મુજબ પાકિસ્તાનનું નસીબ અત્યંત સારું હશે તો જ તે સેમીફાઈનલમાં બહેતર નેટ રન રેટની મદદથી પ્રવેશ કરી શકશે. મોહનદાસ મેનનનું કહેવું છે કે જો બાંગ્લાદેશ સામે આવતીકાલે પાકિસ્તાનની પહેલી બેટિંગ આવે તો તેણે પહેલા તો 400 રન કરવા પડે અને બાંગ્લાદેશને 84 કે તેનાથી ઓછા સ્કોર પર ઓલ આઉટ કરી દેવું પડે.

પાકિસ્તાનથી જો 400 રન બનાવવા શક્ય ન હોય તો 350 રન બનાવે અને બાંગ્લાદેશને 38 રન પર ઓલઆઉટ કરી દે. મોહનદાસ મેનને પાકિસ્તાની ક્રિકેટ ચાહકોને આઘાત આપતા આગળ લખ્યું છે કે જો પાકિસ્તાનની બીજી બેટિંગ આવશે તો પછી કોઇપણ આંકડો તેમને સેમીફાઈનલમાં પહોંચાડવા  મે અસમર્થ છે! આમ ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને હરાવીને પોતાનું સેમીફાઈનલમાં સ્થાન તો પાક્કું કરી જ દીધું છે પરંતુ સાથે સાથે તેણે પાકિસ્તાનને લગભગ ઘરભેગું કરી દીધું છે.

ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમો વર્લ્ડ કપની છેલ્લી મેચો રમતા સાવ અલગ જ પ્રદર્શન કરી રહ્યા છે. ઇંગ્લેન્ડની શરૂઆત જબરદસ્ત રહી હતી પરંતુ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે સતત બે મેચ હારીને તેમનું નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશવાના ચાન્સીઝ ઓછા થઇ ગયા હતા. પરંતુ ભારત અને ન્યુઝીલેન્ડને સતત બે મેચોમાં આરામથી હરાવી દીધા બાદ તેઓ હવે ક્વોલીફાય થઇ ગયા છે અને તે પણ 1992 બાદ પહેલીવાર.

તો ન્યુઝીલેન્ડે પણ ઇંગ્લેન્ડની જેમ જ સુંદર શરૂઆત કરી હતી પરંતુ બાદમાં ક્રમવાર તેનું પ્રદર્શન નબળું પડતું ગયું. સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી ઇનિંગમાં અનુક્રમે બેટિંગ અને બોલિંગ કરતા છેક છેલ્લી ઓવર્સમાં તેને માંડમાંડ વિજય મળ્યો હતો. ત્યારબાદ તે પાકિસ્તાન સામે હાર્યું અને હવે ઇંગ્લેન્ડ સામે પણ હારી ગયું છે. સેમીફાઈનલ અગાઉ ન્યુઝીલેન્ડનું આ ફોર્મ અને બેટિંગમાં માત્ર કેપ્ટન કેન વિલિયમ્સન અને રોસ ટેલર પર આધાર રાખવો તેને ભારે પડી શકે તેમ છે.

Preview: વેસ્ટ ઇન્ડિઝ વિ. અફઘાનિસ્તાન, હેડિંગ્લે, લીડ્ઝ

ક્રિકેટની ભાષામાં એ મેચોને ડેડ રબર કહેવાય છે જેના પરિણામથી સિરીઝ અથવાતો ટુર્નામેન્ટના ઓવરઓલ પરિણામ પર કોઈજ અસર નથી પડતી. ક્રિકેટમાં આવી મેચોમાં રમતી બંને ટીમો માત્ર પોતાના સન્માન ખાતર જ રમતી હોય છે એવું પણ કહેવાતું હોય છે. તો આજે વેસ્ટ ઇન્ડિઝ અને અફઘાનિસ્તાન બંને પોતપોતાના સન્માન માટે લડશે એવું લાગી રહ્યું છે. આ બંને ટીમો વર્લ્ડ કપમાં પ્રવેશવા માટે ICCની ક્વોલીફાયિંગ ટુર્નામેન્ટ રમીને આવ્યા છે જેની ફાઈનલમાં અફઘાનિસ્તાને વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું હતું.

આમ, વેસ્ટ ઇન્ડિઝ આ મેચમાં તેની એ હારનો બદલો પણ લઇ શકે છે અને આખો વર્લ્ડ કપ રમીને માત્ર 2 મેળવવા કરતા 4 પોઈન્ટ્સ સારા એવું વિચારીને આશ્વાસન પણ લઇ શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here