જેમને “વિકાસ”માં વિશ્વાસ નથી એ સવાલ કરે છેઃ સરદાર સરોવર ડેમથી ગુજરાતને શું લાભ થયો? આ મુદ્દે પક્ષ અને વિપક્ષ દરેકના પોતપોતાના દાવા છે, દરેકનો પોતપોતાનો દૃષ્ટિકોણ છે. ગુજરાત સરકાર જે આંકડા-માહિતી અને વિગતો રજૂ કરે છે તેમાં વિપક્ષ તથા અમુક મીડિયા માત્ર છીંડા શોધવાના પ્રયાસ કરીને “લોકશાહીની ફરજ” બજાવવાનો સંતોષ લે છે.

આ દેશની કમનસીબી એ છે કે અહીં દરેક બાબતને બે અલગ અલગ માપદંડથી જોવામાં આવે છે. એ માપદંડ રાજકીય વધુ અને રાષ્ટ્રીય ઓછા છે. રાષ્ટ્રવાદ, વિકાસ, ધર્મ, પક્ષ અને સરકાર – બધાને અહીં બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે. આ સ્થિતિનું પરિણામ એ આવે છે કે આપણે એકપણ બાબતમાં શિખર ઉપર પહોંચી નથી શકતા, દરેક મામલે અધવચ્ચે લટકતા રહીએ છીએ અને આખી દુનિયામાં હાસ્યાસ્પદ બનીએ છે.
આજે આવા જ એક વિષય – સરદાર સરોવર નર્મદા ડેમ અને તેનું પાણી પહોંચાડવા માટેના નહેરના માળખા વિશે વિગતે વાત કરવી છે. આખી વાતમાં અત્યંત કમનસીબી એ છે કે જે શાસકોએ, જે રાજકીય પક્ષોએ દાયકાઓ સુધી કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના સૂકા વિસ્તારોને કાયમી ધોરણે પાણી પહોંચાડવાની દિશામાં વિચાર પણ નહોતો કર્યો એ જ લોકો આજની તારીખે આ દિશામાં થઈ રહેલા પ્રયાસોમાં નાના નાના છીંડા શોધ્યા કરે છે.
એ “છીંડા-શોધ-પ્રવૃત્તિ” વિશે વાત કરું એ પહેલાં કૅનાલની કામગીરી વિશે થોડી પ્રાથમિક માહિતી મેળવી લઇએ.
સત્તાવાર માહિતી અનુસાર હાલની છેલ્લી પરિસ્થિતિ અને સિંચાઈ વિસ્તાર: આ યોજનાથી વર્ષ 2018-19માં 22 જળાશય, 38 તળાવ અને 141 ડેમ ભરવામાં આવ્યા છે. (અહીં આ વર્ષના ભારે વરસાદથી જે કંઈ પાણીસંગ્રહ થયો તેની વાત નથી) યોજનાના બીજા તબક્કામાં રૂ. 1,765 કરોડની માતબર રકમ ફાળવીને સૌરાષ્ટ્ર વિસ્તારના 57 જળાશયના 3.73 લાખ એકર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જામનગર, ગોંડલ અને ભાવનગર માટે અગત્યના ત્રણ ડેમ સુધીની પાઈપલાઈનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
પાઈપલાઈન યોજના અંતર્ગત કુલ 1,371 કિલોમીટર પૈકી 867.71 કિ.મી.ની પાઇપ લાઇન નાખવામાં આવી છે. 31 મે, 2019ની સ્થિતિએ સૌરાષ્ટ્રનાં જળાશયોને સૌની યોજના દ્વારા પાણીથી ભરવાની યોજના માટે કુલ 18523.24 કરોડનો ખર્ચ થવાનો છે જે અન્વયે હાલ 12978.68 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
2019-20ના બજેટમાં રાજ્ય સરકારે ત્રીજા તબક્કા માટે રૂ. 2,258 કરોડના ચાર પેકેજના કામો શરૂ કરવાની મંજૂરી આપી છે. સૌની યોજના માટે રૂ. 1,800 કરોડની જોગવાઈ કરાઈ છે. જેના હેઠળ સૌરાષ્ટ્રના 35 જળાશય અને 100 ચેકડેમ ભરવામાં આવશે. ભાવનગરનું બોર તળાવ પણ આ વર્ષે સૌની યોજના દ્વારા ભરવામાં આવશે. આ સમગ્ર યોજના વર્ષ ૨૦૨૧માં પૂર્ણ થશે.
કેટલો વિસ્તાર આવરી લેવાશે?
નર્મદાના પૂરના પાણી નર્મદા મુખ્ય કૅનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોંચાડવા કુલ 1,126 કિ.મી. લંબાઈની ચાર પાઇપ લાઇન લિન્ક દ્વારા સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 115 જળાશય સુધી પહોંચાડવામાં આવશે, જે દ્વારા આશરે 10,22,589 એકર વિસ્તારમાં સિંચાઇનો લાભ મળશે. યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 16 જળાશયનું જોડાણ કરવામાં આવ્યું છે, પરિણામે 1,66,005 એકરમાં સિંચાઈ તેમજ ચાર શહેરો અને 490 ગામોમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ શકી છે.
સિંચાઈ સહિત અન્ય સુવિધાની ઉપલબ્ધિ
સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 115 જળાશય તેમજ 100થી વધુ ચેકડેમ ભરાવાના પરિણામે પાણીના સ્તર ઊંચા આવતા પીવાના પાણી અને સિંચાઈની સુવિધામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
સુજલામ્ સુફલામ્ સ્પ્રેડિંગ કૅનાલ: 332 કિ.મી. લાંબી સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કૅનાલ, મહી નદીથી બનાસ નદી સુધીમાં સાત જીલ્લામાંથી પસાર થાય છે. આ કૅનાલમાં કડાણા જળાશય અને નર્મદાનું વધારાનું પૂરનું પાણી ડાયવર્ટ કરી, પાણીની ઘટ ધરાવતા વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે. આ કૅનાલ 21 નદીઓ, બે રાષ્ટ્રીયધોરી માર્ગ અને સાત રેલવે લાઇનને ઓળંગે છે. આ કૅનાલ માર્ગમાં નાળા/ડ્રેઇન પરના 600 કરતા વધુ સ્ટ્રક્ચર પૂર્ણ થયેલા છે.
નર્મદા મુખ્ય નહેરથી ઉત્તર ગુજરાત: ઉત્તર ગુજરાત વિસ્તારના નવ જળાશયને નર્મદાના વધારાના પૂરના પાણીથી પાઇપલાઇન દ્વારા ભરવાનું આયોજન કરવામાં આવેલું છે. આઠ પાઇપલાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે. ત્રણ પાઇપલાઇનનું કામ – જેમાં નર્મદા મેઇન કૅનાલથી દાંતીવાડા, નર્મદા મેઇન કૅનાલથી વાત્રક-માજમ-મેશ્વો પુર્ણતાને આરે છે. જ્યારે કરણનગરથી ધંધુસણ (કડી-અડુન્દ્રાથી ધરોઇ) પાઇપલાઇન પ્રગતિ હેઠળ છે. તેના દ્વારા ધરોઇ, દાંતીવાડા, સીપુ, વાત્રક, માજુમ અને મેશ્વો જળાશયના કમાન્ડ વિસ્તારના 21,000 હૅક્ટર વિસ્તારને લાભ થશે.
આ તમામ નક્કર માહિતી છે અને અનેક સોર્સમાં ઉપલબ્ધ છે, તેમછતાં રાજકારણીઓ અને ચોક્કસ મીડિયા ગોબેલ્સની જેમ સતત અને વારંવાર કાંતો ખોટી માહિતી ફેલાવીને અથવા કૅનાલ અંગે તમામ જાહેર મંચ ઉપર સવાલો ઊભા કરીને સામાન્ય લોકોમાં આશંકા ઊભી કરી રહ્યા છે, તેના પણ કેટલાક ઉદાહરણ અહીં આપું છું, જેથી ગૂંચવાડો અને આશંકા ઊભી કરવાની ચાલાકી તેમજ જૂઠાણાના પ્રયાસોને પકડી શકાય.
ઇન્ડિયન એક્સપ્રેસના જ એક અહેવાલનો અહીં દાખલો લઇએ. 12 ફેબ્રુઆરી, 2018ના આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે (વાંચવા માટે અહીં ક્લિક કરો) કે તેમના પ્રતિનિધિએ 300 કિ.મી. પ્રવાસ કર્યો. એ દરમિયાન જે ખેડૂતો સાથે વાત કરી એ બધાએ એમ કહ્યું કે તેમના પરિવારજન કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર)માં ખેતમજૂરી માટે સ્થળાંતર કરી ગયા છે. તો ભઈ, સૌરાષ્ટ્રમાં જો કૅનાલ બની જ નથી, સૌરાષ્ટ્રના ખેડૂતો અતિશય દુઃખી અને નોંધારા થઈ ગયા છે એવું કહેનારા તમે જ કેવડિયાના ખેડૂતોને સૌરાષ્ટ્રમાં ખેતમજૂરીએ શા માટે મોકલો છો! શું આ કથિત પત્રકારને એટલું સામાન્ય જ્ઞાન પણ નહીં હોય કે કેવડિયા અને નર્મદા જિલ્લાના આદિવાસીઓ સૌરાષ્ટ્રમાં ખેતમજૂરી માટે જતા હોય તો સ્વાભાવિક રીતે સૌરાષ્ટ્રમાં સારી ખેતી થઈ રહી છે અને ત્યાંના ખેડૂતો બીજાને પણ રોજગારી આપી શકે છે!
અન્ય એક ઉદાહરણ જોઇએ. માત્ર સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર આધારિત ન રહેવા અને જળ સંચય તથા ઉપયોગના અન્ય ઉપાય અને વિકલ્પ વિચારવા ગુજરાતના મુખ્યપ્રધાને વાત કરી એ સ્વાભાવિક રીતે સકારાત્મક બાબત છે તેમ છતાં વિરોધીઓ તેમજ ચોક્કસ મીડિયા એ વાતને એ રીતે રજૂ કરે છે જાણે સરદાર સરોવર ડેમ યોજના નિષ્ફળ ગઈ હોય! ઉદાહરણ તરીકે એક આર્ટીકલ જોઈએ, જેને વાંચવા અહીં ક્લિક કરો.
એક તરફ સરકારની વાત સ્વીકારવી નથી. સરકારના દાવા અને આંકડા કેટલા સાચા છે તે સંપૂર્ણ વિગતવાર ઑન ધ સ્પૉટ અહેવાલ તૈયાર કરવો નથી, માત્ર તેની સામે સવાલ ઊભા કરવાની વૃત્તિ છે અથવા ખોટી રીતે રજૂઆત કરવામાં આવે છે. જેમ કે બિઝનેસ સ્ટાન્ડર્ડના આ અહેવાલમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 71,000 કિ.મી. માંથી 61,000 કિ.મી. કૅનાલનું બાંધકામ થયું હોવાનું જણાવ્યું હોવા છતાં અહેવાલના હેડિંગમાં 10,000 કિ.મી. બાંધકામ બાકી હોવાનું જણાવી નકારાત્મકતા ફેલાવવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સવાલ એ છે કે જે લોકો પોતે નિષ્ણાત હોવાનો દાવો કરીને આંકડાબાજીની રમત રમે છે એ કેટલા સાચા છે? સમગ્ર વાતનું તાત્પર્ય એ છે કે, ગુજરાત સરકાર જે આંકડા-માહિતી અને વિગતો રજૂ કરે છે તેમાં વિપક્ષ તથા અમુક મીડિયા માત્ર છીંડા શોધવાના પ્રયાસ કરીને “લોકશાહીની ફરજ” બજાવવાનો સંતોષ લે છે. લાંબાગાળે આવું વલણ જનસમુદાયમાં હતાશા અને નિરાશા ફેલાવી શકે છે. રાજકીય હિત અને રાષ્ટ્રીય હિત વચ્ચેનો તફાવત ઓળખવો સૌના માટે જરૂરી છે.
eછાપું