ધમકી: શ્રમિકોની મંજૂરી મામલે રાજ ઠાકરેનો યોગી આદિત્યનાથને જવાબ

0
304
Photo Courtesy: newswada.com

ગઈકાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના શ્રમિકોના કલ્યાણ માટે એક કમીશનની જાહેરાત કરતા તેમને ફરીથી પોતાના રાજ્યમાં લાવવા માટે સરકારની મંજૂરી લેવી આવશ્યક હોવાનું કહેતા રાજ ઠાકરે ભડક્યા છે.

Photo Courtesy: newswada.com

મુંબઈ: હાલમાં દેશભરમાં ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાંથી શ્રમિકો કોરોનાના ડરથી પોતપોતાના રાજ્યોમાં પરત જઈ રહ્યા છે. મહારાષ્ટ્ર પણ એક એવું રાજ્ય છે જ્યાંથી આ પ્રકારે શ્રમિકોનું પલાયન મોટી સંખ્યામાં ચાલુ છે.

આવા સમયમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાની સરકારના ઉચ્ચ અધિકારીઓને ગઈકાલે સૂચના આપી હતી કે તેઓ પ્રવાસી શ્રમિકો માટે એક કમીશન બનાવે જે તેમના કલ્યાણ માટે કાર્ય કરે. ત્યારબાદ યોગી આદિત્યનાથે જાહેર કર્યું હતું કે હવે જે કોઇપણ રાજ્ય ઉત્તર પ્રદેશના શ્રમિકને પોતાના રાજ્યમાં કામ કરવા માટે લાવવા માંગતું હોય તેણે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી પૂર્વ મંજૂરી લેવી પડશે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS) સર્વેસર્વા રાજ ઠાકરેએ યોગી આદિત્યનાથની આ સુચનાની નોંધ લેતા tweet કરી હતી કે જો શ્રમિકોને રાજ્યમાં લાવવા માટે મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશ સરકારની મંજૂરી લેવાની હોય તો હવે મહારાષ્ટ્ર સરકારની મંજૂરી મળશે તો જ ઉત્તર પ્રદેશના શ્રમિકો રાજ્યમાં રોજગારી મેળવવા પ્રવેશ શકશે.

રાજ ઠાકરે એ આ બાબતને ગંભીરતાથી લેવા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર પોલીસને પણ જણાવ્યું હતું. યોગી આદિત્યનાથ દ્વારા રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લેવાનો નિર્ણય લેવા પાછળનો ઈશારો પણ મહારાષ્ટ્ર તરફ જ હોવાનું જાણવા મળ્યું છે.

દેશભરમાંથી શ્રમિકો ઉત્તર પ્રદેશ તરફ પલાયન કરી રહ્યા છે એવા સમયમાં મહારાષ્ટ્રથી આવેલા શ્રમિકોને વધુ સહન કરવું પડ્યું હોવાનું યોગી આદિત્યનાથને લાગ્યું છે અને આથી તેમણે મહારાષ્ટ્રનું નામ લીધા વગર જ દરેક રાજ્યે પોતાને ત્યાં જો ઉત્તર પ્રદેશના શ્રમિકને કામ આપવું હોય તો પૂર્વ મંજૂરી લેવાની વાત કરી હતી.

ઉત્તર પ્રદેશ સરકાર શ્રમિકના કલ્યાણ માટેના કમીશન દ્વારા શ્રમિકોના કૌશલ્ય વિકાસનું પણ કાર્ય કરશે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અગાઉ પણ ઉત્તર ભારતીયો વિરુદ્ધ સમગ્ર રાજ્યમાં આંદોલન ચલાવી ચૂક્યું છે જે અમુક સમયે હિંસક પણ બન્યું હતું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here