સિક્વલ્સ અને રીમેક્સ: ઓરિજિનાલિટીનો મૃત્યુઘંટ વગાડતી દૂઝણી ગાય

0
289
Photo Courtesy: Google

થિયેટરમાં અત્યારે નજર નાખશો તો દેખાશે જૂની,નવી બધી થઈને કુલ સત્તર જેટલી ફિલ્મો ચાલે છે. જેમાંથી પાંચ (રાલ્ફ બ્રેક્સ ધ ઇન્ટરનેટ, ક્રીડ ૨, ફેન્ટાસ્ટીક બીસ્ટ્સ: ક્રાઈમ્સ ઓફ ગ્રિન્ડલવોલ્ડ, ધ ગર્લ ઈન ધ સ્પાઇડર વેબ અને 2.0) કોઈ ફિલ્મ સિરીઝ ની સિક્વલ છે. એ સિવાય ઇન્ટરનેટ પર જોશો તો લાયન કિંગ, ડંબો, અલ્લાદીન  (૨૦૧૯) જેવી જૂની ફિલ્મો અને હેલ બોય, ચાર્લિઝ એંજલ્સ, મેન ઈન બ્લેક કે પછી અ સ્ટાર ઇઝ બોર્ન જેવી ફિલ્મોની રીમેક. અને સ્પેસ જામ, ગ્લેડીયેટર જેવી જૂની અને પાવર રેંજર્સ જેવી ફ્લોપ ફિલ્મોની કારણ વગરની સિક્વલ્સ અને રીમેક્સ થિયેટરમાં આવવા થનગની રહી છે. અને સામે ઓરીજીનલ ફિલ્મો સાવ ઓછી તો નથી થતી, પણ એનું માર્કેટિંગ ધીરે ધીરે ઓછું થતું જાય છે. સિક્વલ્સ અને રીમેક્સ ની લ્હાયમાં ઓરિજિનાલિટી નો મૃત્યુઘંટ વાગી રહયો છે, અને દર્શકો તરીકે આપણે અને એના લીધે પ્રોડક્શન હાઉસ આ સિક્વલ્સ અને રીમેક્સ અને એના અતિરેક થી ટેવાઈ રહ્યા છીએ.

 

હોલીવુડની સિક્વલ, પ્રિક્વલ અને રીમેક પાછળની ઘેલછા દર્શાવતું સરસ પોસ્ટર. Courtesy: Endgadget

શા માટે આવી સિક્વલ્સ અને રીમેક્સ વધારે બને છે?

સીધો જવાબ છે વધુ પૈસા, ઓછો ખર્ચ અને ઓછું રિસ્ક. ડિઝની પાસે લાયન કિંગ, જંગલ બુક જેવા પાત્રોના રાઇટ્સ છે. જૂની ફિલ્મો અને એની પોપ્યુલારિટી ના લીધે આ પાત્રોનું માર્કેટિંગ કરવામાં ઓછો ખર્ચ થશે. લોકો આ પાત્રોને ઓળખે છે, એક આખી પેઢી આ પાત્રોને જોઈને મોટી થયેલી છે. એટલે આ પાત્રોને લઈને બનાવેલી કોઈ સિક્વલ્સ અને રીમેક્સ થિયેટરમાં આવશે એટલે લોકો કઈ નહીં તો આ પાત્રોને જોવા માટે થિયેટરમાં જશેજ. ફિલ્મ લાબું નહીં ચાલે તો વાંધો નથી, પણ પહેલા અઠવાડિયે આ ફિલ્મનો ઘણો ખર્ચો તો કાઢી શકાશે. અને આટલી વ્યુઅરશીપની જડબેસલાક ગેરેન્ટી હોય તો ફેન ફેવરિટ કલાકારો અને કસબીઓને પણ ફિલ્મ સાથે સાંકળી શકાય. જેના લીધે એ કલાકારો અને કસબીઓના ફેન્સ ની સંખ્યા પણ થિયેટરમાં આ ફિલ્મ જોવા જવાનીજ. એટલે વધારે આવક ની 110% ગેરેન્ટી.

આ વાતની ગેરેન્ટી છે, દા.ત. ધૂમ સિરીઝ ના નામે થિયેટરનું પહેલું અઠવાડિયું હાઉસફૂલ જશે એ ગેરેન્ટી હતી એટલે યશરાજ આમિર ખાન અને કેટરીનાને ધૂમ સિરીઝની ત્રીજી ફિલ્મમાં લાવવા મનાવી શક્યા. અને જયારે આ ફિલ્મ થિયેટરમાં આવી ત્યારે પહેલી બંને ધૂમ ફિલ્મોના ફેન્સ વત્તા આમિર ખાનનાં ફેન્સ વત્તા કેટરિનાના ફેન્સ લોકોએ આ ફિલ્મ જોવા ધસારો કરી દીધો. મહાબકવાસ એવી ધૂમ 3એ ટિકિટબારીમાં ટંકશાળ પાડી. એટલે યશરાજ અને વિજય કૃષ્ણ આચાર્યને વધારે તાન ચડ્યું અને આ વખતે આમિર ખાન સાથે અમિતાભ બચ્ચનનું ટિમ-અપ કર્યું અને ધૂમ 3 કરતા વધારે મહત્વાકાંક્ષી અને એટલીજ બકવાસ એવી “ઠગ્સ ઓફ હિન્દોસ્તાન” બનાવી. અને આપણે એનેય પહેલા અઠવાડિયામાં 100કરોડ રૂપિયા કમાવીને અને 2018ના પહેલા અઠવાડિયાની કમાણીના બધાજ રેકોર્ડ તોડાવીને એ સાબિત કરી દીધું કે તમે ગમ્મે એવી બકવાસ ફિલ્મો બનાવો, તમારો ખર્ચો તો પાછો આવી જ જશે. અને આ જ વસ્તુ હોલીવુડમાં મૉટે પાયે થઇ રહી છે. ઉપરના પોસ્ટરમાં કહ્યું છે એમ, આજે હોલીવુડમાં બનતી દર બીજી ત્રીજી ફિલ્મ કોઈ ને કોઈ જૂની ફિલ્મની પ્રિક્વલ, સિક્વલ, રીમેક કે પછી સ્પિન ઓફ હશે.

અને આવું થવા દેવામાં કોપીરાઈટ એક્ટનો પણ મહત્વનો ફાળો હશે.

સિક્વલ્સ અને રીમેક્સ બનાવવામાં કોપીરાઈટ એક્ટનો ફાળો? એ કઈ રીતે?

ભારતમાં હોય કે અમેરિકામાં, કોપીરાઈટ એક્ટ નો ઉદ્દેશ જે-તે લેખકો અને વૈજ્ઞાનિકોને તેના લખાણ અને શોધના એક્સક્લુઝિવ રાઇટ્સ લિમિટેડ સમય માટે આપીને એ કળા અને વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવાનો હતો. અને કદાચ એ એક્ટના લીધે વિજ્ઞાનની ખબર નહિ, પણ કળાનો પ્રચાર પ્રસાર અટકી રહ્યો છે.

પહેલા તો કળા અને વૈજ્ઞાનિક શોધ એક વિચાર ઉપર ટકેલી છે. શર્ટ કે પછી મકાનની જેમ કોઈ વિચાર પર કોઈની માલિકી હોતી નથી. ફિઝિકલ વસ્તુઓની  માલિકી સ્પષ્ટ છે. અને એટલે કોણ એનું મલિક, કોણ એને કેટલા સમય સુધી વાપરી શકે એ સામાન્ય બુદ્ધિ નક્કી કરી શકે. જ્યાં સામાન્ય બુદ્ધિ નો દાયરો પૂરો થાય ત્યાં કાયદાની મદદ લેવી પડે. પણ વિચાર એ કોઈ ફિઝિકલ વસ્તુ નથી. એકજ વિચાર એકજ સમયે એક સાથે ઘણા બધા વ્યક્તિઓને આવી શકે છે. એક જણના મગજમાં અટકેલો વિચાર બીજા વ્યક્તિથી પણ પૂરો થઇ શકે છે. અને એટલે આ વિચાર પર કોઈ વ્યક્તિની માલિકી બેસાડવી અઘરી છે.

છતાંય અમુક જીનિયસ માણસોના ભેજામાંથી માનવજાતને ફાયદો થઇ શકે અને કોઈ એનો ગેરફાયદો ન ઉઠાવે એટલે કોપીરાઈટ એક્ટ બન્યા, જેથી કોઈ વિચારનો એક માલિક હોય અને એ વિચાર કર્યાના એને પૈસા મળી શકે. અને એ રીતે કળા અને વિજ્ઞાનને ઉત્તેજન મળે. અને ઘણા સમય સુધી આ એક્ટ ના લીધે ઘણા સર્જકોને ફાયદો મળ્યો છે. પણ જ્યારથી આ કોપીરાઈટ એક્ટમાં ફેરફાર થવા મંડ્યા અને એમાં લિમિટેડ સમયને ધીરે ધીરે અનલિમિટેડ કરવાનું શરુ થયું ત્યારથી કોપીરાઈટ એક્ટના ઉદ્દેશ પર પાણી ફરી રહ્યું છે.

અમેરિકામાં શરૂઆતમાં કોપીરાઈટ 14 વર્ષ માટેજ મળતો અને એને બીજા 14 વર્ષ સુધી રીન્યુ કરી શકાતો. ભારતમાં કોપીરાઈટ 50 વર્ષ સુધી મળતો અને એમાં રીન્યુઅલ ન હતું. અત્યારે અમેરિકામાં સ્વતંત્ર કામ માટેનો કોપીરાઈટ લેખકના/કલાકારના જીવનકાળ + 70 વર્ષનો અને સહિયારા કામ (જેમકે ફિલ્મો) નો કોપીરાઈટ 90 થી 120 વર્ષનો છે. ભારતમાં આ સ્વતંત્ર કામ માટે લેખકના/કલાકારના જીવનકાળ + 60 વર્ષ અને સહિયારા કામ માટે 60 વર્ષનો છે.

મતલબ અત્યારે સ્પાઇડરમેન કે સિમ્બા (રોહિત શેટ્ટી વાળો નહિ, લાયન કિંગ વાળો) પર ફિલ્મો બનાવવી હોય તો અત્યારે માર્વેલ અને ડિઝની પાસે રાઇટ્સ છે. ઉપર કહ્યું એમ માર્વેલને સ્પાઇડરમેનની ફિલ્મો બનાવવી સહેલી પડે, કારણકે વાર્તા જાણીતી છે. અને ત્રીજીવાર સ્પાઇડરમેનની વાર્તા રિબુટ કરી હોવા છતાંય એને પૂરતા દર્શકો મળી ગયા. હવે આ જ માર્વેલ એના જનક સ્ટેન લિ ના કોઈ નવા સુપરહીરો, જેમકે “ચક્ર” પર ફિલ્મ બનાવવા જાય તો એમાં ખુબ રિસ્ક છે. ફિલ્મની વાર્તા, એના એક્ટર્સ થી લઈને ફિલ્મનું માર્કેટિંગ આ બધામાં એને ખુબ પ્રયત્નો કરવા પડે. અને આટઆટલું કર્યા પછી જો એ ફિલ્મ ફ્લોપ જાય તો બધી મહેનત પાણીમાં જાય. પણ એના બદલે સ્પાઇડરમેન ની જ સિરીઝ કાઢે, અને એમાં જ નવી નવી વાર્તાઓ બનાવે રાખે તો એક તો એને વાર્તાઓ મળતા રહેવાની છે, અને રિસ્ક સાવ ઓછું. એટલે જો અડધી મહેનતમાં ડબલ કમાણી કરી આપતી સિક્વલ્સ અને રીમેક્સ બની શકે એમ હોય તો શા માટે કોઈ ઓરીજીનલ વાર્તાનું રિસ્ક લે.

સિક્વલ્સના આ વાવાઝોડા માટે જવાબદાર હોલીવુડ, Courtesy: Youtube

આ વાત પ્રોડક્શન હાઉસ માટે ફાયદાકારક છે, પણ આમ જનતા માટે નહીં. કારણકે જે ફિલ્મો જોઈને લોકો મોટા થયા હોય, એ ફિલ્મો ને વખાણતા અને એનાથી પ્રભાવિત થતા કોઈ લોકો ફિલ્મસ્કૂલમાં ગયા હોય કે કોઈ લોકો લેખક બન્યા હોય, અને જો એ લોકોને પોતાની ગમતી ફિલ્મ કે વાર્તા ને લાગતું કઈ બનાવવું હોય તો માત્ર કોપીરાઈટ એક્ટના લીધે એ લોકો અટકી જશે. દા.ત. શોલે, રામ ગોપાલ વર્મા, મણિરત્નમ થી લઈને એક આખી પેઢી શોલે થી પ્રભાવિત થઇ હતી અને ફિલ્મમેકિંગમાં આવી હતી. આમાંના કોઈપણ લોકો ટેલેન્ટેડ હોવા છતાં શોલે અને એના પાત્રોના કોપીરાઇટ્સ ઓલરેડી રજીસ્ટર્ડ હોવાના લીધે એ ફિલ્મ કે એના પાત્રો પર કોઈ કામ નહીં કરી શકે. એક પ્રયાસ રામગોપાલ વર્માએ કરેલો જે મહાબકવાસ હતો, પણ એમાંય એની સામે કોપીરાઈટ ભંગ થયાનો કેસ થયેલો.

ખરી વાત એ છે કે શોલેની સિક્વલ માટે 1999માં રમેશ સિપ્પી અને જી. પી. સિપ્પી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી અને એમાં શોલેની સિક્વલ બનાવવાની જાહેરાત થઇ હતી. અને આ સિક્વલના નિર્દેશન માટે રામ ગોપાલ વર્માને પણ રસ હતો, અને સિપ્પીઝ અને રામુ વચ્ચે મિટિંગ પણ થયેલી, જેમાં બંનેને એકબીજાના આઈડિયા પસંદ ન આવ્યા. શોલેની સિક્વલ તો ન બની, પણ રામ ગોપાલ વર્મા પોતાના રિમેકના આઇડિયાને વળગી રહ્યા. આ કેસમાં જો સિપ્પીઝ તરફથી રામુને લીલી ઝંડી મળી હોત તો રામ ગોપાલ વર્માની આગ બની પણ હોત, અને સુપરહિટ પણ થાત. પણ આવું ન થયું. આપણે ભારતમાં આવા છુટા છવાયા કેસ છે, પણ હોલીવુડમાં આવા ઘણા ડિરેક્ટર્સ અને લેખકો જોવા મળશે જેને કોઈને કોઈ કૃતિમાં રસ હોય, એ કૃતિને પોતાની રીતે એક્સપાન્ડ કરવાની ટેલેન્ટ પણ હોય પણ છતાં એ કઈ કરી ન શકતા હોય કેમકે આ કૃતિના કોપીરાઇટ્સ કોઈ એક વ્યક્તિ કે કંપની પાસે છે અને એ વ્યક્તિ કે કંપનીને પોતાની માનીતી ટેલેન્ટ સાથે કામ કરવામાં જ રસ હોય.

લાગતું વળગતું: IIM Ahmedabad ના વિદ્યાર્થીઓ ભણશે બાહુબલી 2: ધ કનક્લુઝન

પણ ફેન થિયરીઝ અને ફેન ક્રીયેટેડ કન્ટેન્ટ તો છે જ ને તો પછી સિક્વલ્સ અને રીમેક્સ શા માટે?

હા, ત્યાં પણ સ્માર્ટ લોકો છે, અને એવી ફેન થિયરી બનાવે છે જે સાચી પણ પડે છે. પણ આવી ફેન થિયરીઝ અનોફીશીયલ હોય છે અને આવી અનઓફિશીયલ ફેન થિયરી, ફેન ક્રીયેટેડ કન્ટેન્ટ કે એક્સ્પાન્ડેડ યુનિવર્સ  ના ક્યાંય પૈસા નથી. મારી પાસે ગબ્બર સિંહની એક જોરદાર બેકસ્ટોરી હોય કે તમારી પાસે થાનોસની બહેન ની જોરદાર વાર્તા હોય આપણે આ વાત અનુક્રમે સિપ્પીઝ ને કે ડિઝનીને સંભળાવવી પડે. અને જો સિપ્પીઝને મારી વાર્તા ન પસંદ આવી હોય કે ડિઝનીને તમે પસંદ ન આવ્યા હો, તો આપણી આ વાર્તાનું બાળમરણ થઇ જાય. આપણે આ વાર્તાઓને ફ્રીમાં ક્યાંક યૂટ્યૂબ પર કે બ્લોગ પર ચડાવવી પડે અને મફતમાં વાંચવા દેવી પડે. આવા અનોફીશીયલ કન્ટેન્ટ નું મૂલ્ય એક રિઝ્યુમથી વિશેષ કઈ જ નથી. એ જેટલું સારું એટલી સારી નોકરી આપણે મળે, બાકી રિઝ્યુમ લખવાના પૈસા નથી.

પણ આ કોપીરાઈટ થી સિક્વલ્સ અને રીમેક્સના સર્જકોને ફાયદો તો થયો જ છે ને?

ઓફકોર્સ, અને હજુય થાય જ છે. સ્ટાર વોર્સ બનાવ્યાના પંદર વર્ષમાં જ્યોર્જ લુકાસ બિલિયોનર થઇ ગયો. હેરી પોટરની પહેલી નવલકથા બહાર પડ્યાના પંદર વર્ષમાં જે.કે. રોલિંગ પણ અબજોપતિ થઇ ગઈ હતી. શોલે ની કમાણી ભલે શાનમાં સમાણી હોય, પણ સિપ્પી પરિવાર ક્યાંય રસ્તે રઝળ્યું હોય એવું તો નથી જ. ઉલ્ટાનું આ બધામાં પૈસા ભાળી ગયા પછી આ બધા સર્જકોને વધારે લાલચ આવી અને પછી જ્યોર્જ લુકાસે પોતે સ્ટાર વોર્સની પ્રિક્વલ ટ્રાયલોજી બનાવી, જે ફ્લોપ થઇ ગઈ. અને જે.કે. રોલિંગ ને સંપૂર્ણ કંટ્રોલ આપ્યા પછી “ફેન્ટાસ્ટિક બીસ્ટ્સ એન્ડ ક્રાઈમ્સ ઓફ ગ્રિન્ડલવોલ્ડ” ને પણ બધેથી ફટકાર મળી રહ્યો છે.

અને આ આખા કકળાટમાં આપણે ઓરીજીનલ ફિલ્મો ની વાત કરી? આતો ભલું થાજો બધાઈ હો, સ્ત્રી અને બીજી ઓરીજીનલ ભારતીય ફિલ્મો અને બોહેમિયન રહાપ્સોડી, ક્રેઝી રિચ એશિયન્સ, મોર્ટલ એંજિન્સ જેવી ઓરીજીનલ કે નવી પ્રોપર્ટીનું અને એના સર્જકોનું જેણે ઓરીજીનલ અને નવી વાર્તાઓને જીવતી રાખી અને ભલું થાજો  ઓસ્કાર અવોર્ડ્સનું જેણે ઓરીજીનલ અને એડોપ્ટેડ બંને ફિલ્મોને  સરખો ન્યાય આપવાના પ્રયત્નો શરુ રાખ્યા. અને ખાસ ભલું થાજો નેટફ્લિક્સ અને એવા વેબ પોર્ટલ્સનું જેણે સ્ટુડિઓઝ તરફથી રિજેક્ટ થતી આવી ઘણી ઓરીજીનલ વાર્તાઓને આપણી સમક્ષ મૂકી.

આ આખું વર્ષ અને આની પછીના વર્ષોમાં  હોલીવુડ અને બૉલીવુડ  આપણા માથે ઘણી સિક્વલ્સ અને રીમેક્સ મારવાનું છે. આમાંની અમુક સારી હશે અને બાકીની બકવાસ. કઈ એ આપણે નક્કી કરવાનું છે અને જે આપણને સારી લાગે એ જોઈ એને અને આપણને ગમતી ઓરીજીનલ ફિલ્મોને જોઈ સારી રીતે સપોર્ટ આપવાનો છે.

આશા છે કે આવો નીર-ક્ષીર વિવેક મારા તમારા સહીત બધામાં આવે.

ત્યાં સુધી

મે ધ ફોર્સ બી વિથ યુ…

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: ઘરેલુ હિંસા – બંધ દરવાજે લાલ ઘરચોળું ક્યારેય ‘મહોતું’ ન બને એની શું ગેરંટી?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here