માંકડીંગ – ઘણા નિયમોને હકારાત્મક રીતે ન પાળવામાં જ મજા છે!

0
151
Photo Courtesy: iplt20.com

રવિચંદ્રન અશ્વિને ગઈકાલે જે કર્યું તે નિયમ અનુસાર સાચું જ હતું, પરંતુ તે ખેલભાવના વિરુદ્ધ હતું. ઘણીવાર આપણે નિયમોનું પાલન કોઈનું ભલું થતું હોય અને તેને તાળી દઈએ તો એ વધુ યોગ્ય હોય છે.

બધા જ નિયમો આપણે નથી પાળતા, પછી તે સિગ્નલ પર હોય કે પછી કચરો જેમતેમ નાખી દેવામાં. પણ અમુક નિયમો જો હકારાત્મક રીતે અથવાતો કોઈના ભલા માટે ન પાળવામાં આવે તો આત્મસંતોષ મળતો હોય છે. ગઈકાલે રવિચંદ્રન અશ્વિને જોસ બટલરને જે રીતે માંકડીંગ કરીને આઉટ કર્યો તે ભલે ક્રિકેટના નિયમોનું પાલન હતું પરંતુ ખેલભાવનાની વિરુદ્ધ હતું.  બેશક નોન સ્ટ્રાઈકર બેટ્સમેનની એ જવાબદારી હોય છે કે તે બોલર બોલ ન નાખે ત્યાંસુધી તેણે પોતાની ક્રીઝની અંદર જ રહેવું જોઈએ, પરંતુ આ રીતે મળતી વિકેટ મફતની વિકેટ હોય છે, જે લેવામાં વાંધો નથી હોતો પરંતુ તે એદીની માફક આખો દિવસ ઘરમાં બેસી રહેલા વ્યક્તિ દ્વારા મેળવવામાં આવતા બેરોજગારી ભથ્થા જેવી હોય છે.

અશ્વિને જે માંકડીંગ કર્યું તેના પ્રણેતા વિનુ માંકડે પણ ઓસ્ટ્રેલિયાના બિલ બ્રાઉનને માંકડીંગ કરતા અગાઉ બે વખત ચેતવ્યો હતો. કપિલ દેવે પણ સાઉથ આફ્રિકાના પીટર કર્સ્ટનને માંકડીંગ કરતા અગાઉ પ્રેક્ટીસ મેચમાં પણ વોર્નિંગ આપી હતી. અશ્વિને એટલીસ્ટ એક વખત જોસ બટલરને વોર્ન કરવો જોઈતો હતો. આ ખેલભાવના છે, કે મારી પાસે તારી વિકેટ લેવાનો પરવાનો છે, પણ હું તને એક મોકો આપું છું કે સુધરી જા, તું તો નિયમમાં નથી રહેતો પણ મારે એમ કરીને મારું સ્તર નીચું નથી કરવું. કોર્ટની વોલ્શે તો અશ્વિન જેવી હરકત ટાળીને વર્લ્ડકપ જીતવાનો આખેઆખો ચાન્સ ગુમાવી દીધો હતો અને આજે પણ વોલ્શ ઉદાહરણરૂપ છે.

લાગતું વળગતું: IPL 2019 | મેચ 4 | બિનજરૂરી વિવાદ વચ્ચે કિંગ્સ ઇલેવનનો વિજય

ફરીથી, ગઈકાલે જે કાઈ પણ બન્યું તેમાં નિયમનું કોઈજ ઉલ્લંઘન ન હતું, પરંતુ ઘણીવાર નિયમોની બહાર પણ એક દુનિયા હોય છે. પંજાબ અને અશ્વિનના ફેન્સ કદાચ આ બાબતે સહમત નહીં થાય, પરંતુ આવનારા વર્ષોમાં જ્યારે તમારી ટીમ પછી તે ટીમ ઇન્ડિયા પણ કેમ ન હોય તેની વિરુદ્ધ માંકડીંગ થશે ત્યારે તમને કદાચ ખ્યાલ આવશે, કે અશ્વિને કર્યું તે અયોગ્ય છે. અને અશ્વિન પણ જે કેપ્ટન હેઠળ વિકસ્યો છે અને આગળ વધ્યો છે તે મહેન્દ્રસિંહ ધોનીએ પણ ઇંગ્લેન્ડના જ ઇયાન બેલને અલગરીતે અને સામાન્ય સંજોગોમાં રન આઉટ થયા બાદ પણ પરત બોલાવ્યો હતો કારણકે એ રન આઉટ કાયદેસર હોવા છતાં પણ ખેલભાવના વિરુદ્ધ હતો.

આમ, રવિચંદ્રન અશ્વિને જે કશું પણ કર્યું તે ખેલભાવના વિરુદ્ધ હતું. તે મોટો ખેલાડી છે અને લોકપ્રિય પણ, આ ઉપરાંત તે એક ટીમનો કેપ્ટન છે. વિકેટ લેવાની લાલચમાં તેણે લાખો યુવાનો અને બાળકો જે આ મેચ જોઈ રહ્યા હતા તેમના માટે તેણે એક યોગ્ય ઉદાહરણ ઉભું કર્યું છે. જોસ બટલરની આ વિકેટની રાજસ્થાન રોયલ્સના ખેલાડી પર માનસિક અસર પણ પડી હતી અને ત્યારબાદ તેમનો અચાનક જ ધબડકો થતા, જે મેચ તેઓ જીતી શકતા હતા તેને હારી ગયા હતા. અશ્વિન પાસે અને તેની ટીમ પાસે એટલી ટેલેન્ટ તો છે કે તે માંકડીંગ વગર પણ આ મેચ જીતી શકત.

eછાપું

તમને ગમશે: ડોનાલ્ડ ટ્રમ્પ ભારત કેમ નહીં આવે? : COMCASA, CAATSA, S-400 અને બીજું ઘણું બધું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here