અખંડ ભારત: ઋષિમુનિઓની એડવાન્સ્ડ વિચારધારાનું એક Immortal ઉદાહરણ

0
1769
Photo Courtesy: webdunia.com

અખંડ ભારતની વાત એ માત્ર કલ્પના જ નથી, હિન્દુસ્તાન અથવાતો ભારત અથવાતો ઇન્ડિયા પુરાણકાળથી જ એક અને અખંડ રહ્યું છે અને આગળ પણ રહે એ જ આપણા તમામ ભારતીયો માટે અત્યંત આવશ્યક પણ છે, જાણીએ કેવી રીતે.

Photo Courtesy: webdunia.com

આ ચૂંટણી એક પછી એક રેકોર્ડ તોડતી જાય છે. પહેલા ગુજરાતે લગભગ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હવે મુંબઈએ પણ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો. અત્યારસુધી ના ચાર તબક્કામાં મતદાનની ટકાવારી ઘણી ઊંચી રહી છે. કોંગ્રેસની ન્યાય સ્કીમ વિરુદ્ધ ભાજપનો વિકાસનો ટ્રેક રેકોર્ડ અને અન્ય મુદ્દાઓ પૈકી આપણે દેશના ભવિષ્ય માટે કોને વધારે યોગ્ય ગણ્યો છે એ 23મી એ ખબર પડી જશે. હજુ ચૂંટણીના ત્રણ ચરણ બાકી છે. અને એમાં ભોપાલ અને વારાણસી જેવી મહત્વની સીટોમાં મતદાન બાકી છે. આ બંને સીટમાં અને દેશભરમાં વિકાસ અને સ્ટેબલ ગવર્નન્સ સહીત હિન્દુત્વ પણ એક મુદ્દો છે. જેમાં કોંગ્રેસ અને અન્ય લેફ્ટ પાર્ટીઓ હિન્દુફોબિક(જેને હિન્દુત્વથી ડર લાગે છે) સ્ટેન્ડ લઇ રહી છે અને ભાજપ હિન્દૂ તરફી સ્ટેન્ડ લઇ રહી છે. અને આ સ્ટેન્ડમાં એક મુદ્દો છે અખંડ ભારત. પાછલા અંકમાં જોયું એમ રાઈટ વિંગ ભાજપ માટે અખંડ ભારત એક કાયદાકીય મહેનત હોઈ શકે છે, પણ એક સમાજ તરીકે આપણે વેદિક કાળ થી એક અખંડ ભારત હતા. અને જે લોકો આપણા પર એ માન્યતા થોપવા માંગતા હોય કે ભારત પણ યુરોપની જેમ રજવાડામાં ફેલાયેલું હતું અને એને એક કરવાનું કામ અંગ્રેજોએ કર્યું તો આવા અંગ્રેજ પ્રેમીઓ સાવ ખોટા છે. આપણે સદીઓથી એક રાષ્ટ્ર હતા, અને આપણે એક રાષ્ટ્ર રહીએ એ ધ્યાન આપણા જીનિયસ ઋષિમુનિઓએ રાખ્યું છે.

ટ્રેન મુસાફરી કરીને ભારત-દર્શન કરતા મહાત્મા ગાંધી: “ગાંધી” ફિલ્મનું દ્રશ્ય

વાંચક: રેલવેના આટલા બધા ગેરફાયદા હોવા છતાં એક મોટો ફાયદો એ છે કે આ રેલવેના લીધેજ આપણે ભારતમાં રાષ્ટ્રવાદનો એક નવો ઉદય થતા જોઈ શકીએ છીએ.

એડિટર: મારા મતે આ એક મોટી ભૂલ છે. બ્રિટિશરો એ આપણને એવું શીખવ્યું છે કે આપણે એક રાષ્ટ્ર નથી, અને એક રાષ્ટ્ર બનવા માટે આપણને સદીઓની જરૂર પડશે. આ પાયાવિહોણી વાત છે. અંગ્રેજોના ભારત આવ્યા પહેલાજ આપણે એક રાષ્ટ્ર હતા. એક વિચારથી આપણે પ્રેરાયેલા હતા, આપણે એકજ જેવી જીવનરીતિ જીવતા હતા.આપણે એક રાષ્ટ્ર હતા એટલે એ લોકો(અંગ્રેજો) આપણા પર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી શક્યા. આપણે એક જ હતા, એ લોકોએ આપણને અલગ અલગ કર્યા.

વાંચક: આ ન સમજાયું.

એડિટર: આપણે એક રાષ્ટ્ર હતા, પણ એનો મતલબ એ સહેજેય નથી કે આપણી વચ્ચે કોઈ વિચારભેદ ન હતા. આપણા પૂર્વજો એ આખા ભારતનો પ્રવાસ કાં તો પગપાળા કર્યો હશે અને કાં તો બળદગાડામાં. અને આ પ્રવાસ દરમ્યાન લોકોએ એકબીજાની ભાષા શીખી હશે, અને એના લીધે એકબીજા વચ્ચેના ભેદભાવો દૂર કર્યા હશે. તમને શું લાગે છે? દક્ષિણે રામેશ્વરમાં સેતુબંધ, પૂર્વે જગન્નાથપુરી, ઉત્તરે હરદ્વાર (અને પશ્ચિમે દ્વારિકા)ને યાત્રાધામ બનાવવા પાછળ આપણા પૂર્વજોનો શું ઉદ્દેશ હશે? એ લોકો તો કઈ મૂર્ખ તો નહોતાંજ, એ લોકોને ખબર હતી કે ભગવાનની પૂજા તો તમારા ઘરે રહીને પણ થઇ શકે. મન ચંગા તો કથરોટમેં ગંગા (તમારું મન સાફ હોય તો ગંગા તમારી કથરોટમાં જ છે) ની ભાવના પણ આ લોકોએ જ વિકસાવી હતી. પણ આ આપણા પૂર્વજોને એ ખ્યાલ આવી ગયો હતો કે ભારત કુદરતી રીતે એક અવિભાજ્ય જમીન છે અને એ લોકોએ એને એક રાષ્ટ્ર બનાવવામાટે ઘણો વિચાર વિમર્શ કર્યો. આ વિચારવિમર્શ દરમ્યાન આપણા પૂર્વજોએ ભારતના ચારેય ખૂણે પવિત્ર સ્થાનો બનાવ્યા અને ભારતમાં વિશ્વએ ક્યારેય નહિ જોઈ હોય એવી રાષ્ટ્રવાદની ભાવના જગાવી.

ઉપરની ચર્ચામાં વાંચક આપણે છીએ, અને એડિટર મહાત્મા ગાંધી છે. આ આખી ચર્ચા જેમાં ગાંધીજીએ રેલવે વિષે લખ્યું છે એ તમે અહીં વાંચી શકશો.

આપણું ભારત એક વિશાળ રાષ્ટ્ર છે. ઉત્તરે કાશ્મીર થી દક્ષિણે કન્યાકુમારી અને પૂર્વે અરુણાચલ પ્રદેશ થી પશ્ચિમે ગુજરાત સુધી આપણે પથરાયેલા છીએ. અને આ વિશાળ વિસ્તારમાં રહેતી આપણી પ્રજાનું વૈવિધ્ય પણ મોટું છે. અહીંયા બાર ગાઉએ બોલી બદલાવવી એ સામાન્ય વાત છે. પણ અંગ્રેજો માટે આ વાત સામાન્ય ન હતી. આપણા એક જિલ્લામાં ચાર-પાંચ આખેઆખા રાષ્ટ્રો સમાઈ જાય અને તોય થોડી જગ્યા વધે. એક નાનકડા પરગણામાં અંગ્રેજોએ એટલી બધી વૈવિધ્યતા જોઈ લીધી હતી જે એણે અડધા યુરોપમાં નહિ જોઈ હોય. અને એટલે અંગ્રેજોએ એવું સમજી લીધું કે આટલી વૈવિધ્યતા કોઈ એક રાષ્ટ્રમાં તો ન જ હોઈ શકે. અને એ વખતના રાજા-મહારાજાઓના લક્ષણ અને એકબીજા સામે તલવારો તાણવાની ટેવે અંગ્રેજોની આ માન્યતાને દ્રઢ બનાવી દીધી. પણ આ અંગ્રેજોએ ઉભી કરેલી એક મિથ હતી. ઉપર જોયું એમ, આપણા પુરાતન સાહિત્યકારો અને ઋષિમુનિઓએ ભારતને અખંડ ભારત રાખવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. અને એ એકાદવાર નહિ, ઘણી બધી વાર. ઉદાહરણ તરીકે….

गङ्गे च यमुने चैव गोदावरि सरस्वति ।
नर्मदे सिन्धु कावेरि जलेऽस्मिन् संनिधिं कुरु ॥

આ મંત્ર આપણા વડીલો પાસે, કે પુજાઓમાં આપણે ઘણી વાર સાંભળ્યો હશે. ભગવાનને સ્નાન કરાવતા પહેલા આ મંત્ર બોલાય છે. ઘણા બ્રાહ્મણો પણ આ મંત્ર સ્નાન પહેલા બોલે છે. આ મંત્ર માં સાત નદીઓના નામ છે, ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરી. હવે આ નદીઓના રૂટ ભારતના નકશામાં જુઓ. આ બધીજ નદીઓ આખા ભારતને એક સૂત્રે બાંધે છે. યમુના ગંગામાં ભળી જાય છે અને એ ગંગા ઉત્તરે હિમાલય થી શરુ કરી પૂર્વે બંગાળ સુધી વહે છે. ગોદાવરી નદી મહારાષ્ટ્રમાંથી ભારતના પૂર્વી તટમાં, સિંધુ નદી ઉત્તર થી પશ્ચિમે અને કાવેરી નદી દક્ષિણ ભારતમાં વહે છે. આ મંત્ર એક પ્રચલિત માન્યતા અનુસાર વૈદિક કાળ થી આપણે ત્યાં બોલાય છે.

ભારતમાં સાત પવિત્ર નદી સિવાય સાત પવિત્ર યાત્રાધામ પણ છે. આ સપ્ત પુરી તરીકે ઓળખાતા સાત પવિત્ર યાત્રાધામોમાં અયોધ્યા, મથુરા, વારાણસી(ઉત્તર ભારત) , હરદ્વાર (ઉત્તર પૂર્વ ભારત), દ્વારિકા(પશ્ચિમ ભારત), ઉજ્જૈન (માધ્ય ભારત), કાંચીપુરમ(દક્ષિણ ભારત) સમાવિષ્ટ છે. સાત પવિત્ર નદી અને સાત યાત્રાધામ થોડા ઓછા જાણીતા છે. પણ એનાથી વધારે જાણીતા એવા બાર જ્યોતિર્લિંગ, ચાર ધામ અને બાવન શક્તિપીઠ આપણા પૂર્વજોની દૂરંદેશી અને એમણે દ્રઢ કરેલા રાષ્ટ્રવાદની જોરદાર સાબિતી આપે છે.

દ્વાદશ જ્યોતિર્લિંગ અને ભારતમાં એનું સ્થાન. Courtesy: Google Maps

ઉપર દર્શાવેલા ભારતના નકશામાં બાર જ્યોતિર્લિંગ જ્યાં જ્યાં છે એ જગ્યાઓ બ્લ્યુ પિન થી માર્ક કરેલી છે. આ બાર જ્યોતિર્લિંગની યાત્રા નું મહત્વ આપણા હિન્દૂ ધર્મમાં વર્ષોથી છે. અને પુરાતન ભારતમાં શૈવ લોકો માટે આ બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા એ ઘણું મહત્વનું ગણાતું. અને આ દરેક જ્યોતિર્લિંગ દેશના ખૂણે ખૂણે પથરાયેલા છે. ઉત્તરે કેદારનાથ, પશ્ચિમે સોમનાથ, પૂર્વે વૈદ્યનાથ, દક્ષિણે રામેશ્વરમ અને મધ્યભારત માં મહાકાલેશ્વર, ભગવાન શિવ આખા ભારતમાં બધેજ વ્યાપેલા છે. માત્ર શિવ જ નહિ, શક્તિ પૂજા કરતા લોકો માટે માતાજીના બાવન શક્તિપીઠ પણ આખા દેશમાં વ્યાપેલા છે. સાથે સાથે વૈષ્ણવો માટે પવિત્ર એવી ચાર ધામની યાત્રા, અને આ ચાર ધામ એટલે પશ્ચિમે દ્વારકા (શારદા મઠ), ઉત્તરે બદ્રીનાથ, પૂર્વે જગન્નાથપુરી અને દક્ષિણે રામેશ્વરમ જે લિટરલી ભારતના છેવાડે આવેલા છે. જે તમે નીચેની ઈમેજમાં જોઈ શકશો.

ચાર ધામ અને ભારતમાં એનું સ્થાન. Courtesy: Google Maps

ધરી લો કે તમે આજથી 2.5-3 હજાર વર્ષ પહેલાના ભારતમાં રહો છો. તમે ક્યાં રહો છો એ મહત્વનું નથી. પણ તમે પુરાતન ભારતમાં રહો છો. ધારોકે તમે શૈવ છો, અને એક આદર્શ શૈવ તરીકે તમે 12 જ્યોતિર્લિંગ ના દર્શન કરવા ચાહો છો. તમે તમારી જગ્યાએથી સોમનાથ જવાની યાત્રાનો પ્રારંભ કરો છો. કદાચ એકલા છો, કે સંઘ સાથે જાઓ છો, કદાચ ચાલો છો કે પછી બળદગાડામાં જાઓ છો. તમે આ યાત્રા દરમ્યાન એક પછી એક સ્થળો પાસેથી પસાર થવાના છો, તમે સોમનાથ પહોંચો ત્યાં સુધીમાં તમને અડધા પશ્ચિમ ભારતનો અનુભવ થઇ ગયો હશે. ત્યાંથી તમે નજીકના જ્યોતિર્લિંગના દર્શન કરતા કરતા કેદારનાથ તરફની યાત્રા શરુ કરો છો. જેવા કેદારનાથ પહોંચો એટલે તમને ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગનો (અને મોટા ભાગે માધ્ય ભાગનો) પરિચય થઇ ગયો હશે. બૈદ્યનાથ મહાદેવ ના દર્શન કરતા કરતા તમને પૂર્વ ભારતનો અને રામેશ્વરમ મહાદેવના દર્શન કરતા કરતા તમને દક્ષિણ ભારતનો પણ અનુભવ થઇ ગયો હશે. આ અનુભવ ફર્સ્ટ હેન્ડ હશે, કારણકે તમે લગભગ આખા ભારતમાં ફર્યા છો, લોકોની સાથે રહી એને જાણ્યા હશે. અને આવું બધા જ યાત્રીઓ સાથે થયું હશે. શૈવ, વૈષ્ણવ કે શક્તિ પૂજા કરનાર બધા જ યાત્રીઓ ભારતની આ વૈવિધ્યતાને, ભારતની આ લાક્ષણિકતાને નજીકથી જાણતા, માણતા અને સ્વીકારતા થયા હશે. અને આ જાણવા, માણવા અને સ્વીકાર કરવાની વૃત્તિએ જ હિંદુત્વને આટલો લિબરલ બનાવ્યો હશે. અને આ યાત્રાધામોને લીધેજ અખંડ ભારત નો કન્સેપ્ટ સ્થપાયો અને વિકસ્યો હશે.

ભારતને એક રાષ્ટ્ર તરીકે ગણતા અને એની ભૌગોલિક સીમા ગણાવતા ઘણા રેફ્રન્સ ભારતના પ્રાચીન અને મધ્યયુગીન સાહિત્ય માંથી મળી આવશે. મહાભારતમાં ઉપર લખેલો સાત પવિત્ર યાત્રાધામનો ઉલ્લેખ પણ છે. સાથે સાથે આપણા પૌરાણિક સાહિત્યમાં કૈલાસ માનસરોવરનું મહિમા ગાન, કે પછી (અત્યારે બાલોચિસ્તાનમાં સ્થાયી એવા) હિંગળાજ માં નો શક્તિપીઠ તરીકે ઉલ્લેખ થવો અને એ પણ હિંગળાજ માં નાં મંત્રોનું ઋષિ દધીચિ (જેના હાડકાંમાંથી ઇન્દ્ર નું વજ્ર બન્યું હતું) સાથેનું કનેક્શન એ દર્શાવે છે કે પુરાતન સમયમાં આપનો એક રાષ્ટ્ર તરીકેનો વિચાર ક્યાં સુધી પ્રસરેલો હતો. ચાણક્યએ એના અર્થશાસ્ત્રમાં ભારતવર્ષનો ઉલ્લેખ કરી એવું કહેલું કે એક ચક્રવર્તિન સમ્રાટ ઉત્તરે હિમાલય થી લઇ દક્ષિણે દરિયા કિનારા સુધી શાસન કરશે. મૌર્ય સામ્રાજ્ય પછી નું સામ્રાજ્ય-ગુપ્ત સામ્રાજ્ય- જે એક સમયે વિંધ્ય ની પર્વતમાળા સુધી જ હતું, એના સમ્રાટે પોતાનું નામ સમુદ્રગુપ્ત(સમુદ્ર દ્વારા રક્ષાયેલો) રાખી એ સાબિત કર્યું કે એને સમુદ્રના અસ્તિત્વ વિષે ખબર હતી અને એને એના સામ્રાજ્યને સમુદ્ર કાંઠા સુધી ફેલાવવું હતું. ગુપ્ત સામ્રાજ્યના સમયમાં લેખિત સ્વરૂપ પામેલા આપણા વેદો, અને લખાયેલા ઘણા પુરાણોમાં અને સ્મૃતિઓમાં ભારતવર્ષના રાષ્ટ્રપ્રેમથી છલકાયેલા ઘણા ઉલ્લેખ છે. ભારત એ દેવોનું પ્રિય સ્થાન છે અને जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ની ભાવનાના લીધે આપણા પૂર્વજોએ બહાર થી થયેલા આટઆટલા આક્રમણો સહન કર્યા. અને એ આક્રમણો છતાંય અખંડ ભારતની અખંડિતતા જાળવી રાખી.

આપણે હિન્દુત્વ અને અખંડ ભારતના વિચારોને સદીઓથી આપણા રોજિંદા વ્યવહાર અને વિચારમાં સમાવી લીધા છે. આપણી માટે ભારત એક રાજકીય એકમ તો છે જ, જેના પર રાજ ચલાવી શકાય, પછી ભલે એ રાજ અંગ્રેજોનું હોય, મુસ્લિમોનું કે હિન્દુનું, રાજા ચલાવતો હોય કે વડાપ્રધાન. આપણા માટે ભારત એક રાજકીય એકમ થી વિશેષ છે, આપણા માટે આ ભારત એક મંદિર જેવું છે. ભારત માતાના મંદિર જેવું. અને દરેક મંદિર ની જેમ આપણે આપણા આ મંદિરને, આપણા જીનિયસ ઋષિમુનિઓએ વિચારેલા અખંડ ભારત રૂપી મંદિરને આપણાથી ઉપર, ગણીએ છીએ. જ્યાં સુધી આ ભાવના રહેશે, જ્યાં સુધી આ હિન્દુત્વ રહેશે ત્યાં સુધી આ અખંડ ભારત રહેશે.

यूनान-ओ-मिस्र-ओ-रूमा सब मिट गए जहाँ से
अब तक मगर है बाक़ी नाम-ओ-निशाँ हमारा

कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी
सदियों रहा है दुश्मन दौर-ए-ज़माँ हमारा – ઇકબાલ

આશા રાખીએ કે આ ભાવના આમજ જળવાઈ રહે. અખંડ ભારત માટે, અને આપણા immortal અસ્તિત્વ માટે.

જય હિન્દ,

મે ધ શક્તિ બી વિથ યુ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here