Home સાંજ ગિક જ્ઞાન ભારતમાં સામ્યવાદીઓ અસ્તિત્વ ટકાવી રાખવામાં કેમ સફળ છે?

ભારતમાં સામ્યવાદીઓ અસ્તિત્વ ટકાવી રાખવામાં કેમ સફળ છે?

0
135
Photo Courtesy: YouTube

જાણીએ ભારતમાં વામપંથીઓની ઉદય કેવી રીતે થયો અને કેવી રીતે આ પક્ષો હજી સુધી પણ ભારતમાં પોતાનું રાજકીય અને સામાજિક અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ થયા છે અને કોણ છે તેમનું સમર્થન કરનારાઓ?

Photo Courtesy: YouTube

 

ગયા અંકમાં આપણે જોયું હતું કે અમુક સેલિબ્રિટીઝ કઈ રીતે પોતાના ડબલ સ્ટાન્ડર્ડ્સ એક્સપોઝ કરીને હાથે કરી અપમાનિત થાય છે. આપણે માત્ર ચાર મોટા માથાઓના ઉદાહરણ જોયા હતા. અને અત્યારે એવા ઘણા લોકો છે જે આ રીતે એક્સપોઝ થયા હોય. અને આ બધામાં એક વાત કોમન છે. એ લોકો લેફટીસ્ટ વિચારધારા પાળે છે. અને આ લેફટીસ્ટ વિચારધારાનું પોલિટિકલ ઘર એટલે સામ્યવાદી પાર્ટીઓ. દુનિયા આખીમાં સામ્યવાદને રિજેક્ટ કરવામાં આવ્યો હતો પણ ભારતમાં સામ્યવાદીઓ હજુ પણ અસ્તિત્વ અને સત્તા બંને ધરાવે છે. ભારતમાં સામ્યવાદીઓ આટલું મહત્વ કઈ રીતે મેળવતા થયા, અત્યારે એ લોકોનું વર્તમાન અને ભવિષ્ય કેવું છે એના પર આપણે આ અંકમાં ચર્ચાઓ છેડીશું.

આ લખાઈ રહ્યું છે ત્યારે એક એવા સમાચાર આવ્યા છે કે 600 જેટલા નામદાર સેલિબ્રિટીઝ દ્વારા અત્યારની કમ્યુનલ અને નફરત ભરી સરકારની વિરુદ્ધ મત આપવાની અપીલ થઇ છે. આ નામદાર સેલિબ્રિટીઝમાં નસીરુદ્દીન શાહ, અંજુમ રજબઅલી(જેણે લેજેન્ડ ઓફ ભગતસિંઘ અને રાજનીતિ જેવી ફિલ્મો લખી છે), રત્ના પાઠક શાહ, ટાઇગર ઝિંદા હૈ અને બજરંગી ભાઈજાન નો ડિરેક્ટર કબીર ખાન, આમિર પત્ની કિરણ રાઓ, મી ટૂ માં સંડોવાયેલા જતીન દાસની પુત્રી અને ભૂતપૂર્વ એક્ટ્રેસ નંદિતા દાસ, ઇન્ડિયન ઓશન બેન્ડના સભ્ય રાહુલ રામ અને (સરપ્રાઈઝ સરપ્રાઈઝ) મલ્લિકા સારાભાઈ જેવી “હસ્તીઓ” સામેલ છે. આ પહેલા 2014માં પણ આવી અપીલ થઇ હતી જેમાં મહેશ ભટ્ટ, શુભા મુદગલ, ઈમ્તિયાઝ અલી, વિશાલ ભારદ્વાજ અને ઝોયા અખ્તર જેવા લોકો પણ હતા. આ ફિલ્મી સેલિબ્રિટીઝ સિવાય પણ અમુક કલાકારો, અમુક ઇતિહાસકારો અને એકેડેમિક્સ લોકો છે જેને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સામે સખ્ખત વાંધો છે. અને એની સામે વોટ નહિ કરવાની અપીલ કરીને આ લોકો કોંગ્રેસ અને સામ્યવાદીઓને ફાયદો કરાવવાની વાત કરે છે. ગઠબંધન નું જે થયું હોય એ, ભારતમાં સામ્યવાદીઓ અત્યારે પોતાના અસ્તિત્વની એક મહત્વની લડાઈ લડી રહ્યા છે. અને આ એ લોકોના અસ્તિત્વની લડાઈનો એક પ્રચાર માત્ર છે.

કબીર ખાન, નંદિતા દાસ અને અંજુમ રજબઅલી, નરેન્દ્ર મોદીની વિરુદ્ધ થયેલા બોલીવુડના અમુક પ્રતિનિધિઓ Courtesy: NDTV

નરસંહાર, દુષ્ટ શાસક અને સરમુખત્યાર આ ત્રણ નામ એક સાથે આવે એટલે કોનું નામ મગજમાં આવે? હિટલર નું નહિ? કોઈ જડ અને જુલ્મી શાસન વ્યવસ્થા ને કોની સાથે સરખાવવામાં આવે? નાઝી જર્મની સાથે. અને આ સરખામણી ભારતમાં આજકાલ કોની સાથે કરવામાં આવે છે? નરેન્દ્ર મોદી ની સાથે. 2002માં ગુજરાતમાં જે થયું એ નરેન્દ્ર મોદીએ કર્યું છે અને જો એ આધુનિક હિટલર 2019માં ફરીથી સત્તામાં આવશે તો હિટલરની જેમ સરમુખત્યારશાહી લાગુ પાડીને ચૂંટણી રદ્દ કરાવી દેશે એવો પ્રચાર આજકાલ દરેક વિરોધપક્ષ વાળા કરી રહ્યા છે. પણ આ આધુનિક હિટલર ના સત્તાકાળમાં થયેલી હત્યાઓનો આંકડો ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના ડાબેરી મસીહાઓના નક્સલવાદીઓ એ કરેલી હત્યાઓ અને કોંગ્રેસ દ્વારા થયેલ એન્ટી શીખ તોફાનોમાં થયેલી હત્યાના આંકડા કરતા અડધાથીય ઓછો છે. અને ઓરીજીનલ હિટલરને ય બચ્ચું કહેવરાવે એવા ક્રૂર હત્યાકાંડ માઓત્સે તુંગ અને જોસેફ સ્ટાલિનના શાસનકાળ દરમ્યાન થયા છે. તેમ છતાં આ દુનિયામાં સહુથી ખતરનાક અને જુલ્મી શાસક હિટલર હતો, અને આ નરેન્દ્ર મોદી એનો અવતાર છે. માઓ, ઔરંગઝેબ, અંગ્રેજો એ આપણા તારણહાર છે. એ લોકોનાં આવ્યા પછીજ આ તુચ્છ જાતિવાદી અને મનુવાદી હિંદૂઓનો ઉદ્ધાર થયો.

આવું આપણને આપણા પ્રોફેસરો, શિક્ષણશાસ્ત્રીઓ, પોલીસીમેકર્સ અને  ઇતિહાસકારો દ્વારા વર્ષોથી ભણાવવામાં આવ્યું છે. રામ મંદિરની જગ્યાએ એક ભવ્ય હોસ્પિટલ હોવી જોઈએ. પાકિસ્તાનની સાથે અમનની આશાઓ બંધાવવી જોઈએ. હિન્દુઓના કડવાચોથ કે રક્ષાબંધન એ પુરુષવાદી જડતાની નિશાની છે અને ઈરાની સ્ત્રીઓ જે વસ્તુના બદલે મૃત્યુ પસંદ કરે છે એ હિજાબ એક ચોઈસ છે એવું કહેવા વાળા સુંવાળી સૂંઠના સેલિબ્રિટીઓ આ લોકોની જ એક નવી શાખા છે. અને એની સામે છે જડ અને અભણ હિંદુઓ અને એ લોકોએ પાળેલો જિંગોઈસ્ટ રાષ્ટ્રવાદ.

આ બધું વર્ષોથી આપણા માથે મારનારા ડાબેરી લિબરલો આપણને દેશના સર્વાંગી વિકાસને વેગ આપનારા નરેન્દ્ર મોદીની વિરુદ્ધ મત આપવા અપીલ કરે છે. અને જો એ અપીલ સફળ રહી તો એનો સીધો ફાયદો ડાબેરીઓ અને એના મિત્ર એવા કોંગ્રેસને થવાનો છે. કારણકે નવી સદીની શરૂઆતથી કોંગ્રેસ અને ડાબેરીઓ રાષ્ટ્રીય રાજકારણમાં એકબીજાની સાથે રહીને જ લડે છે. બંગાળ, કેરળ અને ત્રિપુરા એમ ત્રણ જગ્યાએથી ચૂંટાનારા ડાબેરીઓ વિશ્વની એક માત્ર લોકશાહી ધાબે ચૂંટાયેલી ડાબેરી સરકારો હતી. એ દર્શાવે છે કે આપણે ડાબેરી વિચારધારાને સામાજિક અને રાજકારણની રીતે કઈ રીતે અપનાવી હતી.

વીસમી સદી ની શરૂઆતના કેપિટલિઝમ ને દેખાડતું એક કાર્ટૂન. Courtesy: socialist appeal.org

લેફટીસ્ટ વિચારધારા ફ્રેન્ચ ક્રાંતિના “સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા” ના સિદ્ધાંત માંથી જન્મી છે. જે સમયે લેફટીસ્ટ વિચારધારા નવી નવી હતી એ જ વખતે મૂડીવાદ પણ આખા વિશ્વમાં પોતાના પગ ફેલાવી રહ્યો હતો. કાર્લ માર્ક્સ એક આવોજ લેફટીસ્ટ હતો જેણે મૂડીવાદના ઉપાય તરીકે સામ્યવાદને જન્મ આપ્યો. વીસમી સદીના શરૂઆતના વર્ષોમાં જયારે આખું યુરોપ પોતાના આર્થિક ફાયદા માટે બાકીની આખી દુનિયાનું નિકંદન કાઢી રહ્યું હતું ત્યારે ડાબેરીઓ એ નિકંદન અને એના લીધે આવતી અસમાનતા મટાવવા સંઘર્ષ કર્યો. આવા સમયે પહેલું વિશ્વયુદ્ધ અને એના લીધે અમેરિકા સહીત આખા વિશ્વમાં આવેલી મહામંદીના લીધે મૂડીવાદી વિચારધારાને થોડો બ્રેક લાગ્યો. અને સામ્યવાદ ભારત સહીત આખા વિશ્વમાં ખુલ્લેઆમ વિકસવા મંડ્યો.

પીડિત અને શોષિત લોકોના ઉદ્ધાર માટે મચી પડેલા સામ્યવાદીઓ માટે પીડિત અને શોષિત લોકોની કમી ન હતી. વંશવાદના પીડિત, જાતિવાદથી શોષિત, પોતાના જેન્ડર અને જેન્ડર પ્રેફરન્સ માટે હડધૂત થયેલા લોકો, આ બધા માટે આખા વિશ્વમાં એક માત્ર રાજકીય અવાજ હતો ડાબેરીઓ નો. અને એ અવાજને સાંસ્કૃતિક વેગ આપવા આ સામ્યવાદી પાર્ટીઓએ એવા સાહિત્ય અને ફિલ્મોને પ્રોત્સાહન આપ્યું જે કચડાયેલા અને શોષિત લોકોની વ્યથાને અવાજ આપે. અને ડાબેરીઓની આ સાંસ્કૃતિક ઝુંબેશમાં આખું વિશ્વ જોડાયું. જેમાં મોટા મોટા એક્ટર્સ, લેખકો, ગીતકારો અને શિક્ષણ શાસ્ત્રીઓ પણ હતા. આ બધાનો ઉદ્દેશ એકજ હતો, આખા વિશ્વના દરેક નાગરિકોને એક સમાન તક આપવી જોઈએ જેથી એ બધાનો એક સમાન વિકાસ થાય અને આ વિશ્વ નંદનવન બની જાય.

ભારતમાં સામ્યવાદીઓ આ ઝુંબેશમાં આઝાદી વખતના જોડાઈ ગયા હતા. અને આખા વિશ્વની જેમ ભારતમાં પણ એની એક સાંસ્કૃતિક પાંખ હતી જેનું નામ હતું Indian People’s Theater Association એટલેકે IPTA. અને એની સાથે જોડાયેલા નામોમાં બલરાજ સહાની, પૃથ્વીરાજ કપૂર, ઉત્પલ દત્ત, ખ્વાજા અહમદ અબ્બાસ (જેમણે રાજ કપૂર માટે ઘણી ફિલ્મો લખી છે અને અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાનીના એ ડિરેક્ટર હતા), પંડિત રવિશંકર, ઝોહરા સેહગલ, એ.કે. હંગલ, દિના પાઠક જેવા જાણીતા એક્ટર્સ આ સંસ્થાના સભ્યો હતા. આ જાણીતા એક્ટર્સ સહીત ભારતમાં સામ્યવાદીઓને ઘણા એકેડેમિક્સ નો સાથ મળેલો.

પણ એનાથી વધારે અને ખુલ્લેઆમ સાથ મળ્યો હોય તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને એની સમાજવાદી નીતિઓનો. કાગળ પર ભલે સામ્યવાદીઓ અને કોંગ્રેસ એકબીજાની સામે હોય, પણ પીડિતો અને શોષિતોના ઉદ્ધારની વિચારધારામાં સમાજવાદ અને સામ્યવાદ બંને માસીયાઈ ભાઈઓ થાય. અને એટલેજ 1925 થી લઈને 2019 સુધી રાજકીય રીતે ભલે સમાજવાદી કોંગ્રેસ અને સામ્યવાદીઓ એકબીજા સામે તલવારો તાણતા, પણ પાછલે બારણે બંનેએ જોરદાર ભાઈબંધી માણી છે. સામાજવાદના રક્ષણ તળે સામ્યવાદ અને ખાસ તો એની સાંસ્કૃતિક શાખાને વિકસવા માટે પૂરતું વાતાવરણ હતું. 1947 થી લઇ 1990 સુધી આ બંને વાદને છુટ્ટો દોર મળ્યો હતો.

લાગતું વળગતું: બિચારો ટોમ મૂડી નિર્દોષ છે; ડાબેરી મિત્રોં એમને પ્લીઝ છોડી દો
બંગાળના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ડાબેરી લીડર સ્વ.જ્યોતિ બાસુ Courtesy: Indian Express

સામ્યવાદની એન્ટ્રી થી લઈને જમણેરી વિચારધારાની મજબૂતી સુધીના 60-70 વર્ષમાં ભારતમાં સામ્યવાદીઓને અને એની પાંચ છ પેઢીઓને છુટ્ટો દોર મળ્યો હતો. આ દરમ્યાન ભારતમાં ગરીબી, બેકારી અને ભૂખમરો વ્યાપક હતો. આ સમસ્યાઓથી લડવા અમુક લોકોએ હથિયારો ઉપાડ્યા અને નક્સલવાદીઓ બન્યા. અને એમના અમુક લોકો, જેને હથિયારો ઉપાડવાની જરૂર ન હતી, એવા લોકો શાળાઓ અને કોલેજોમાં જઈ બેઠા, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, કળા અને લેખનનો સહારો લીધો અને અમુક લોકો સામ્યવાદી પાર્ટીઓ સાથે ચૂંટણી પણ લડી બેઠા. આ ગાળો 1960-70 ના વર્ષોનો હતો જયારે આખા વિશ્વમાં ક્યાંય સામ્યવાદ ને હજુ સુધી નિષ્ફળતા મળી ન હતી. ઉલ્ટાનું કેરળ અને બંગાળમાં બનેલી સરકારોએ ભારતમાં સામ્યવાદને એક સફળ મુવમેન્ટ બનાવી દીધી હતી.

ધ્યાન રહે, 80ના દસેક પહેલા સુધી, એટલેકે લગભગ 35-40 વર્ષ સુધી આઝાદ ભારતમાં સામ્યવાદ અને સમાજવાદને પ્રજાનો બહોળો સાથ મળી રહ્યો હતો. એવા સમયે સ્વતંત્રતા સમાનતા અને બંધુતાનો બહોળો અમલ થયો હોવો જોઈએ અને બંગાળ અને કેરળ ના વિકસે સિલિકોન વેલીને પણ પાછળ મૂકી દીધો હોવો જોઈએ, નહિ? પણ એવું ન થયું, બંગાળ અને કેરળનો વિકાસ સિલિકોન વેલી તો ઠીક ગુજરાત અને ઝારખંડ જેવો પણ નથી થયો.અને આ બંને રાજ્યોમાં સત્તા ભોગવનારા અને એક સમયે વડાપ્રધાન પદથી થોડા વંચિત રહી જનારા ડાબેરીઓ માટે અત્યારે રાષ્ટ્રીય પાર્ટીનું સ્ટેટસ પણ જોખમમાં છે. ડાબેરીઓના આ શતમુખ વિનિપાતનું કારણ આ ડાબેરીઓ પોતે જ છે.

ડાબેરીઓનું અસ્તિત્વ શોષણ અને પીડાને લીધેજ છે. જ્યાં શોષણ અને પીડા થતી હોય ત્યાં ઘા રૂઝવવા ડાબેરીઓ પહોંચી જાય છે. પણ એક વાર આ ઘા રૂઝાવવાનું કામ ડાબેરીઓને કાયમી સોંપવામાં આવે છે ત્યારે આ જ ડાબેરીઓ બઘવાઈ જાય છે અને એનો સાચો ચહેરો લોકો સામે આવી જાય છે. જે લોકો નો ધંધોજ દુઃખ અને પીડા પર નભે છે એ લોકો જ દુઃખ અને પીડા દૂર કરશે તો એમની દુકાન જ બંધ થઇ જશે. ડાબેરીઓ બંગાળમાં દુષ્કાળ પીડિત લોકો અને ખેડૂતોના વહારે આવ્યા, કેરળમાં જાતિવાદની સામે આવ્યા અને બિહાર અને છત્તીસગઢમાં ગરીબોની વહારે આવ્યા. અને આ લોકોની દુકાન 80ના દાયકા સુધી ચાલી રહી.

પણ 80ના દસકામાં ભારતમાં આવેલા ગ્લોબલાઇઝેશન અને એ પછી 90ના દસકાની શરૂઆતમાંજ પી વી નરસિમ્હારાઓ ની સરકારે લાગુ પાડેલી આર્થિક ઉદારતાની પોલિસી પછી ભારતની જનતા ધીમે ધીમે દુનિયાની સાથે પોતાના પગલાં મેળવતા શીખી રહી હતી. એક તરફ સમાજવાદ અને સામ્યવાદથી છેતરાયાની લાગણી અને બીજી તરફ નરસિમ્હારાઓ અને વાજપેયીજીની સરકારોએ અને એની નીતિઓએ ભારતના વિકાસને એક નવો વેગ આપ્યો. ગ્લોબલાઇઝેશન અને ઈન્ટરનેટના લીધે આપણે જાતેજ આપણા પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા મંડ્યા. અને આપણે પોતાનેજ શોષણ અને પીડા માંથી મુક્ત કરવા મંડ્યા. અને એની સાથે સાથે આપણે જાતેજ સમાજવાદ અને સામ્યવાદથી દૂર થતા ગયા.

અત્યારે મોટાભાગના લેફટીસ્ટ લોકો વર્તમાન અને એની વાસ્તવિકતાથી જોજનો દૂર છે. બે રાજ્યોમાં લોકશાહી ઢબે અને બીજા અનેક દેશોમાં પરાણે સત્તા ભોગવી અને નિષ્ફળતા મેળવ્યા પછી પણ ડાબેરીઓ ને એવું લાગે છે કે સામ્યવાદ નો અમલ સરખી રીતે થયો નથી. શિક્ષણશાસ્ત્રીઓ અને કલાકારો અત્યારે આજની આ વાસ્તવિકતાને સ્વીકારતા નથી. બહુમતી ની વિરુદ્ધ અને લઘુમતીઓ અને પીડિતો તરફી રહેવાની માનસિકતાના લીધે એ લોકો આટલા એક્સપોઝ થઇ ગયા પછી પણ એ લોકો બહુમતી વિરુદ્ધ અસત્ય ફેલાવવા, અને બહુમતિઓને યેનકેન પ્રકારેણ નીચું દેખાડવાની સ્કીમો માંથી ઊંચા નથી આવતા. પહેલાના સમયમાં રેડીઓ, ટીવી અને પ્રિન્ટ મીડિયા જેવા સાધનો અને દેશની નામાંકિત સંસ્થાઓના સહારે આ સમાજવાદીઓ અને સામ્યવાદીઓ પોતાને ગમે એવા સમાચારો આપણને આપતા અને પોતાના વિચારોને સત્ય તરીકે થોપી શકતા.

પણ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં આ ડાબેરીઓ ગયા અંકમાં કહ્યું એમ ધીમે ધીમે ખુલ્લા પાડવા મંડ્યા છે. રાજદીપ, બરખા, નિધિ અને અભિસાર જેવા પત્રકારો ને હવે ફેક ન્યુઝને ફેલાવવામાં મુશ્કેલી પડે છે. કારણકે આજનો જાગૃત નાગરિક આવા લોકોના અસત્યને દિવસ પૂરો થતા પહેલા જ ખુલ્લો પાડી દે છે અને એ પણ સાબિતી સાથે. વિજ્ઞાન, ઇન્ટરનેટ અને આપણી જાગૃકતાના લીધે આપણે આવા લોકોના જૂથને ખુલ્લા પાડવા સહીત એ લોકોના વર્ષોથી ચાલ્યા આવતા દુષ્પ્રચાર અને ખોટી વાર્તાઓને ખુલ્લા કરી દીધા છે અને આ લોકોને જવાબ દેવા માટે મજબૂર કર્યા છે.

એક તરફ આ લોકોની સાંસ્કૃતિક પાંખને આપણે એ લોકોની અપીલોને રિજેક્ટ કરી ખુલ્લે આમ નબળી પાડી દીધી છે. અને બીજી તરફ આપણે આ લોકોને 2014માં માત્ર એક સીટ આપીને ભારતમાં સામ્યવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં એ લોકો સતત એવું સાબિત કરતા રહ્યા છે કે તેઓ હજુય નોસ્ટાલજિયામાં અને વાસ્તવિકતાથી દૂર જીવે છે.

હજુ પણ આ લેફટીસ્ટ લોકો કોંગ્રેસ સાથે જ છે.દેખાડા માટે ભલે વાયનાડમાં રાહુલ ગાંધી સામે સામ્યવાદીઓનાં બે ઉમેદવાર હોય. કન્હૈયા કુમારને બેગુસરાયમાં કોંગ્રેસના સહયોગી એવા RJD સામે ઉભો રાખ્યો હોય. પણ આ બધો દેખાડો જ છે. પાછલા બારણે કોંગ્રેસનો સમાજવાદ અને લેફ્ટનો સામ્યવાદ બંને એકજ છે. અને આ લોકોને લિબરાલીઝમનો માસ્ક પહેરી રાખેલા ઘણા સેલિબ્રિટીઓનો ખુલ્લે આમ સપોર્ટ છે. ઉપર કહ્યું એમ કોંગ્રેસ ના સપોર્ટ અને ભાજપા ના વિરોધ માટે 600 જેટલા કલાકારો ખુલ્લેઆમ અપીલ કરી શકે છે. પણ આ લોકો માના કેટલાક જો મોદી કે આજની ભારત સરકારને થોડો પણ સપોર્ટ આપે એટલે આ 600 અને એના જેવા ઘણાય લોકો (વાણી) સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા ભૂલી મોદી સપોર્ટરો પર ખુલ્લેઆમ એટેક કરી દે છે.

પણ એ લોકોનો અંત આપણે ધારીએ છીએ એટલો નજીક નથી. આ લોકો અને એના સિનિયરોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, શિક્ષણ ક્ષેત્ર અને ભારતની થિન્ક ટેન્કને વર્ષોથી પોતાના કબજામાં રાખી છે. સમાજવાદ, લિબરાલીઝમ, સામ્યતા જેવા આજની તારીખે સારા અને સુંવાળા લગતા સિદ્ધાંતોથી એ લોકો ખદબદે છે. એ લોકોના હાઈ સોસાયટી સેલિબ્રિટી સ્ટેટસને આપણામાંના ઘણા લોકો હજુય માન થી જુએ છે. અને એ એટેંશન, ગેર લાયક વ્યક્તિઓને મળતું ખોટું માન સન્માન અને એ લોકોના સ્ટેટસ ને લીધે આપણી એમને સાચું ન કહેવાની વૃત્તિ જો આમજ એમને મળતી રહેશે ત્યાં સુધી આ લેફટીસ્ટ લિબરલ લોકો આમ જ આપણા સમાજને ખોખલું બનાવતા રહેશે. આ સામ્યવાદીઓ UPAના દસ વર્ષના શાસનમાં કોંગ્રેસની સાથે મળી બેસી ગયા હતા. અને આપણા માના (એટલીસ્ટ વીસી વટાવી ગયેલા) યુવા મતદારોને 2004-14ના એ દસ હોરિબલ વર્ષો તો યાદ હશે જ. જે સમયે સામ્યવાદીઓ કોંગ્રેસ સાથે ભળી બેઠા હતા. ત્યારે આ લોકો જેટલા ખતરનાક હતા, અત્યારે સત્તા વિહોણા અને સતત એક્સપોઝ થયા પછી પણ આ લોકો એટલા અને કદાચ એનાથી વધારે ખતરનાક થઇ રહ્યા છે.

પણ આ ડાબેરીઓ, આ બે મોઢાળા ફેક લોકોનો અંત આપણે બહુ ઇફેક્ટીવલી લાવી શકીએ છીએ. અને એનો જવાબ આપણા ઇતિહાસમાંજ છુપાયેલો છે. અને એનું ક્નેક્શ આ સો કોલ્ડ નાસ્તિક ડાબેરીઓને જે ધર્મ પ્રત્યે લગાવ છે એ બૌદ્ધ ધર્મ સાથે રહેલું છે. જેના ઉપર આવતા અંકમાં આપણે ચર્ચા કરીશું.

ત્યાં સુધી,

મે ધ શક્તિ બી વિથ યુ….

eછાપું 

તમને ગમશે: પુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!