दिल से रेहमान (4): ‘રોજા’ તો સફળ થઇ પરંતુ ત્યારબાદ રહેમાનનું શું થયું?

0
356

‘રોજા’ ફિલ્મ રિલીઝ થઈ અને રહેમાન રાતોરાત સંગીત જગતમાં છવાઈ ગયા. ‘એ. આર. રહેમાન’ નામ લોકોને યાદ રહી ગયું પરંતુ દક્ષિણ ભારતમાં હજી ઘણાં લોકોને ખબર નહોતી કે આ રહેમાન છે કોણ? ‘રોજા’ ફિલ્મના ઓડિયો રિલીઝ વખતે જ્યારે કે. બાલાચન્દ્રને લોકો સમક્ષ રહેમાનને મૂક્યો ત્યારે દક્ષિણ સંગીત જગતને થયું કે આ તો દિલીપ જ છે જેણે આપણી સાથે સેશનમાં કીબોર્ડ વગાડેલું.

જાહેર જનતામાં પણ આ નામનો જાદૂ જોવા મળ્યો. થિયેટરમાં લોકો ‘મણિ રત્નમ’ અને ‘એ.આર.રહેમાન’ નામ પડદા પર આવે ત્યારે તાળીઓ પાડીને વધાવતા. ‘રોજા’ ફિલ્મની શરૂઆતમાં જ “ચિન્ના ચિન્ના આસાઈ” ગીત આવે એટલે લોકોની સીટીઓ અને તાળીઓ શરૂ થઈ જતી.

બોલીવુડના મોટા માથા સુભાષ ઘાઈ ‘રોજા’ રિલીઝ થયાના બે-ત્રણ મહિના બાદ એકવાર બેંગ્લોરથી મૈસુર એક કારમાં પ્રવાસ કરી રહ્યા હતા. કારના ડ્રાઈવરે ‘રોજા’ના ગીતો શરૂ કર્યા અને સુભાષ ઘાઈને ફિલ્મનું સંગીત ગમ્યું. સુભાષ ઘાઈએ લગભગ 20 વર્ષ સુધી લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે કામ કરેલું અને ‘ત્રિમૂર્તી’ ફિલ્મનું સંગીત તાજેતરમાં જ પૂર્ણ કરેલું. સુભાષ ઘાઈએ ડ્રાઈવરને આ નવી ફિલ્મ વિશે પૂછ્યું અને તેને એ.આર.રહેમાન વિશે જાણવા મળ્યું – તરત જ મૈસૂર જવાને બદલે ઘાઈએ ડ્રાઈવરને ચેન્નઈ લઈ જવા કહ્યું. પોતાની આવનારી ફિલ્મ માટે સુભાષ ઘાઈએ રહેમાન પાસે સંગીતની હા પડાવી.

***

‘રોજા’ની લોકપ્રિયતાને કારણે ફિલ્મને મળી રહેલી નાણાકીય સફળતા ઉપરાંત, ફિલ્મ અને તેના ગીત-સંગીત બંનેને ભારે પસંદ કરવામાં આવી. ‘રોજા’ સાથે સંકળાયેલા ઘણાં લોકોને 40 મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે નામાંકન મેળવ્યાં અને એવોર્ડ જીત્યા પણ ખરાં. ‘રોજા’ ફિલ્મના ગીતો લખનાર કવિ વૈરામુત્થુએ ‘ચિન્ના ચિન્ના આસઈ’ માટે સર્વશ્રેષ્ઠ ગીતકારનો સિલ્વર લોટસ એવોર્ડ જીત્યો.

‘રોજા’માં પશ્ચિમી અને કર્ણાટકી શાસ્ત્રીય સંગીતના સુમેળભર્યા સંમિશ્રણ માટે, રહેમાનને ‘બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર’ માટે સિલ્વર લોટસ એવોર્ડ મળ્યો. તે સમયે પ્રથમ વખત એક નવોદિત (ડેબ્યુ) સંગીતકારને આ સન્માન મળેલું. આ સાથે જ એ.આર.રહેમાનને રોકડ ઇનામ રૂ. 10,000 સાથે ટ્રોફી મળી. તે જ વર્ષે ‘શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક’નો તમિળનાડુ સ્ટેટ એવોર્ડ અને ‘રોજા’ના સંગીત માટે ફિલ્મફેરનો ‘શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક’નો એવોર્ડ પણ રહેમાનને મળ્યો.

ગાયિકા મિનમિનીને “ચિન્ના ચિન્ના આસઈ” માટે બેસ્ટ ગાયકનો તમિળનાડુ સ્ટેટ એવોર્ડ જીત્યો. આ જ દરમિયાન, ‘રોજા’ ફિલ્મને નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં નેશનલ ઇન્ટિગ્રેશન માટે બેસ્ટ ફિલ્મનો નરગિસ દત્ત એવોર્ડ પણ મળ્યો જ્યારે મણિ રત્નમને શ્રેષ્ઠ ફિલ્મનો તમિળનાડુ રાજ્ય એવોર્ડ મળ્યો.

ફિલ્મના ગીતોની કેસેટ એટલી સારી રીતે વેચાઈ કે ભવિષ્યમાં (2005માં) તેને ‘ટાઇમ મેગેઝીન’ના લાઈફટાઈમ દસ શ્રેષ્ઠ સાઉન્ડટ્રેક્સમાં સ્થાન મળ્યું. રહેમાન એવા વખતે સંગીતના મેદાનમાં યાહોમ કરીને પડ્યો હતો જ્યારે કેસેટ અને વૉકમેન દ્વારા સંગીત લોકોના ઘરો સુધી જ નહીં પરંતુ લોકોનું પોતાનું એક કલેક્શન બનવાનું શરૂ થયેલું.

***

હવે રહેમાનની સંગીતકાર તરીકેની બીજી ફિલ્મ રજૂ થઈ (જેના પર તેણે ‘રોજા’ની રજૂઆત પહેલા જ કામ શરૂ કરેલું) જે એક મલયાલમ ફિલ્મ ‘યોદ્ધા’ હતી. આ ફિલ્મનું નિર્દેશન સિનેમેટોગ્રાફર સંતોષ શિવાનના ભાઈ સંગીથ શિવાન દ્વારા કરવામાં આવ્યું હતું. તે સમયના મલયાલમ સુપરસ્ટાર અભિનેતા મોહનલાલ અભિનિત આ ફિલ્મ કાળા જાદુગરો પાસેથી બૌધ્ધ મઠાધિપતિઓના મઠને છોડાવનાર એક યુવકની કથા હતી.

આ ફિલ્મ માટે પણ રહેમાનનું નામ ત્રિલોક નાયરે જ સૂચવ્યું હતું. ત્રિલોક અને સંતોષે નિર્દેશક અને સિનેમેટોગ્રાફર તરીકે ઘણી જાહેરાતોમાં સહયોગ કર્યો હતો અને બંને સારા મિત્રો પણ હતા. ત્રિલોકે સંતોષ અને સંગીથને કહ્યું કે ‘આ નવા છોકરાની ગંભીરતાપૂર્વક તપાસ કરો, આ તમને ખૂબ જ કામ લાગશે’. બંને ભાઈઓ ત્રિલોકના સૂચન સાથે ગયા. ‘યોદ્ધા’ એ ‘રોજા’ જેવી બોક્સ-ઑફિસની સફળ ફિલ્મ ન બની પરંતુ તે ત્યારથી એક કલ્ટ ક્લાસિક બની ગઈ છે. ફિલ્મ્સમાં ફક્ત ચાર જ સંગીતમય ટૂકડા હતા – ત્રણ ગીતો અને એક ફિલ્મનું થીમ સંગીત. તેમ છતાં ‘યોદ્ધા’નો આલ્બમ તેનાથી વધુ લોકપ્રિય ‘રોજા’ના આલ્બમ સામે ફીકો પડ્યો.

તે જ વર્ષે રહેમાનની ત્રીજી ફિલ્મ ‘યોદ્ધા’ કરતા સફળ રહી. આ ફિલ્મ તમિળ ભાષાની ‘પુધિયા મુગમ’ નામની ફિલ્મ હતી. ફિલ્મ 1989 માં આવેલી ટેલિવિઝનની સિરીયલ ‘ટ્વિસ્ટ ઑફ ફેટ’ પરથી બનાવવામાં આવેલી. ફિલ્મમાં એક હત્યારો પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાના ચહેરાને બદલી નાખે છે અને તે પછી ભારતીય સેનામાં ફરજ બજાવે છે. આ ફિલ્મ સુરેશ ચંદ્ર મેનન દ્વારા બનાવવામાં આવેલી જેમાં તેણે પોતાની પત્ની રેવતી સાથે ફિલ્મમાં અભિનય પણ  કર્યો હતો.

સુરેશ મેનન તે સમયે એક જાહેરાત ફિલ્મનિર્માતા હતા, જેમણે પોતાના જિંગલ બનાવવાના દિવસોમાં એ.આર. રહેમાન સાથે કામ કરેલું. ચેન્નઇમાં જાહેરાતો પર કામ કરતી વખતે તેને ખબર પડેલી કે રહેમાન મણિ રત્નમ સાથે કોઈ ફિલ્મના સંગીત પર કામ કરી રહ્યો છે. ‘રોજા’ રિલીઝ થઈ અને સુપરહીટ સાબિત થઈ, પછી સુરેશે રહેમાનને ‘પુધિયા મુગમ’ ફિલ્મ માટે સંપર્ક કર્યો. આ તે સમય હતો જ્યારે મોટાભાગના જાહેરાતોના નિર્માતાઓ ફિલ્મો તરફ દોરવાઈ રહ્યા હતા. ‘પુધિયા મુગમ’માં કેટલાક ગીતો એવા શામેલ છે જે હજી પણ રહેમાનના ચાહકોના પસંદગી લિસ્ટમાં છે જેમ કે ‘નેત્રુ ઇલાથા માતરમ’ અને ‘કન્નક માઈ અળગે’ રચનાઓ આજે પણ લોકો પસંદ કરે છે.

‘રોજા’ની તાત્કાલિક અસર પછી જેણે રહેમાનનો તરત જ સંપર્ક કર્યો એક એવો દિગદર્શક હતો જેની રહેમાન સાથે ભવિષ્યમાં મણિ રત્નમ સાથે જામી તેવી જ જોડી જામવાની હતી. શંકર શણમુગમ મૂળ એક એન્જિનિયર હતા જેણે એક ફેક્ટરીમાં ગુણવત્તા નિયંત્રણ નિરીક્ષક તરીકે કામ કર્યું હતું. ફિલ્મમાં કારકિર્દી બનાવવા માટે નોકરી છોડીને એક આશાવાદીની જેમ ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો. તે સૌ પ્રથમ સહાયક બન્યા અને પછી દિગ્દર્શક બન્યા.

તેમણે પવિત્રણ અને એસ.એ.ચંદ્રસેકર જેવા દિગ્ગજો હેઠળ ફિલ્મોમાં કામ કર્યું અને પછી ‘જેન્ટલમેન’ નામની તમિળ ફિલ્મ સાથે સ્વતંત્ર નિર્દેશક તરીકે પદાર્પણ કર્યું. આ ફિલ્મ અર્જુન સરજા અને ‘રોજા’ ફિલ્મની હીરોઈન મધુબાલા અભિનિત ફિલ્મ હતી અને સંગીત માટે શંકરે નવા નિશાળીયા એ. આર. રહેમાન પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો.

‘જેન્ટલમેન’ એક એવા સામાન્ય માણસની વાર્તા હતી જે ભ્રષ્ટ સરકારી અને સામાજિક સિસ્ટમથી કંટાળીને એક સિક્રેટ ચોર બને છે જે શ્રીમંતોનું ધન ચોરીને ગરીબોની મદદ કરે છે. ફિલ્મ એક રમૂજી, રોમેન્ટિક, પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી ફિલ્મ હોવાથી લોકોને પસંદ પડી. ‘જેન્ટલમેન’ ફિલ્મનું એક મહત્ત્વનું પાસું હતું- તેનું સંગીત! દરેક ગીત ફિલ્મમાં કોઈ કારણસર મૂકવામાં આવેલું અને તે પણ નોંધપાત્ર શબ્દો સાથે!

આ ફિલ્મના ગીતો ‘રોજા’ ફિલ્મના ગીતો લખનાર વૈરામુત્થુ અને બીજા એક પ્રસિદ્ધ તામિળ કવિ વાળી પાસે લખાવામાં આવ્યા. ફિલ્મના ગીતો “ઉસિલામપટ્ટી પેન્કુટ્ટી”, “એન વીટુ થોટ્ટાથીલ” અને “ઓટ્ટાગાથાઇ કટ્ટીકો” (હિન્દી ફિલ્મમાં “રુપ સુહાના લગતા હૈ, ચાંદ પુરાના લગતા હૈ”) ખૂબ જ પ્રસિદ્ધ બન્યા.

‘જેન્ટલમેન’ ફિલ્મની વાત થતી હોય અને તેના એક ગીત “ચીક્કુ બુક્કુ રાઈલે” વિશે વાત ન કરીયે તો અન્યાય થયો ગણાશે. આ ગીતમાં રહેમાનનું સંગીત તો હતું જ પરંતુ આ ગીતમાં આજે ડાન્સના લિજેન્ડ ગણાતા પ્રભુદેવાનો અભિનય પણ હતો. આ ગીત સુરેશ પીટર્સે ગાયેલું જે રહેમાનનો જૂનો મિત્ર પણ હતો.

આ એક ખરેખર રસપ્રદ ગીત છે જે ફક્ત રહેમાનની સંગીત પ્રતિભાને જ નહીં, પણ તેની ગીતના શબ્દો અને અલગ અલગ અવાજ સાથે સંગીતના મેદાનમાં રમવાની કલા પણ દર્શાવે છે. આ ગીતને સાંભળશો તો ખ્યાલ આવશે કે ગીતમાં તમામ પ્રકારની શ્રવ્ય (સોનિક) ઇફેક્ટ્સ દર્શાવે છે જેમ કે એક ટ્રેન રેલમાર્ગ  પર ધસી રહી હોય, ટ્રેનના ડબ્બાઓને ખખડાવતી ટ્રેન સડસડાટ જઈ રહી હોય.

આ ગીત અને સંગીત માટેનો વિચાર રહેમાનને ખરેખર તે સમયે આવ્યો જ્યારે એક સાંજે તે પોતાના જૂના મિત્રો શારદા અને ત્રિલોક સાથે બેઠો હતો. આ દંપતી જે સોસાયટીમાં રહેતા હતા ત્યાં નજીકમાં જ ઉપનગરીય ટ્રેનનાં પાટા સ્થિત હતા. ત્રણેય જણાં બેઠા બેઠા વાતો કરતા હતા, ત્યારે એક ટ્રેન ત્યાંથી પસાર થઈ અને રહેમાન બોલ્યો – આ તો એક રસપ્રદ અવાજ છે ને? આ ટ્રેન જે અવાજ કરે છે તે અવાજ…તક્કલ-તક્કલ, તકકલ-તકકલ…

આ ‘રસિક’ અવાજ રહેમાનના ઘણાં ગીતોમાં સાંભળવા મળ્યો અને આ ગીતમાં વપરાયેલી ભાષા ચેન્નઈ અને અન્ય તમિળ શહેરોની શેરીઓમાં સાંભળવા મળતો લોકલ ગલ્લીબૉયનો અવાજ અને ભાષા છે.

આ ગીતનો વિડીયો જુઓ – ગીત, સંગીત, નૃત્ય અને સ્પેશિયલ ઈફેક્ટ પણ! (અને હા….આ ધૂન “પકક્ચીક પક રાજાબાબુ” ગીત જેવી જ છે ને?)

‘જેન્ટલમેન’ ફિલ્મના સંગીત માટે તે વર્ષે રહેમાનને ‘બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર’નો ફિલ્મફેર અને તામિળનાડુ સ્ટેટ ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. આ જ ફિલ્મની વાર્તાને લઈને ‘ધ જેન્ટલમેન’ નામની હિન્દી ફિલ્મ 1994માં રિલીઝ થઈ, જેનું દિગ્દર્શન મહેશ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું. ફિલ્મમાં ચીરંજીવી, જુહી ચાવલા, હરીશ કુમાર અને પરેશ રાવલ અને ફિલ્મનાનું નિર્માણ અલ્લુ અરવિંદ દ્વારા કરવામાં આવેલું. મૂળ તમિળ સંગીત અને ગીતો પરથી અને એ. આર. રહેમાનની મૂળ રચનાઓમાંથી, ત્રણ ગીતો આ હિન્દી ફિલ્મ માટે બઠાવી લેવામાં આવ્યા. સંગીતમાં કોઈ પણ ફેરફાર કર્યા વિના આ ગીતો અનુ મલિકે પોતાના નામે ચડાવી દીધેલા. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પિટાઈ ગઈ અને ચીરંજીવીની છેલ્લી હિન્દી ફિલ્મ બની રહી.

***

‘જેન્ટલમેન’ ફિલ્મ પછી રહેમાન ખૂબ જ વ્યસ્ત સંગીતકાર બની રહ્યો – 1993માં જ રહેમાને છ તમિળ તથા તેલુગુ ફિલ્મોનું અને 1994માં આઠ ફિલ્મોનું સંગીત તૈયાર કર્યુ. 1993માં ‘જેન્ટલમેન’ અને ‘પુધિયા મુગમ’ સિવાય રહેમાનની સંગીતકાર તરીકે ત્રણ ફિલ્મો રિલીઝ થઈ – ‘કિળાક્કુ ચીમાયીળે’ (તામિળ), ‘ઉળાવન’ (તામિળ) અને ‘પાલનત્તી પૌરુષમ’ (તેલુગુ). ‘કિળાક્કુ ચીમાયીળે’ ફિલ્મ રહેમાન માટે મહત્ત્વની ફિલ્મ હતી કારણ કે તે ફિલ્મના નિર્દેશક ભારથીરાજા હતા જેમણે મણિ રત્નમની જેમ જ અત્યાર સુધીની બધી ફિલ્મોમાં ફક્ત ઈલિયારાજાસાથે જ કામ કરેલું.

1994માં ફરી પાછા મણિ રત્નમ અને રહેમાને હાથ મિલાવ્યા અને ફિલ્મનું નામ હતું – ‘થિરુડા થિરુડા’ (જેના પરથી હિન્દી ફિલ્મ ‘ચોર ચોર’ બનેલી). ‘રોજા’ કરતાં તદ્દન જુદી આ ફિલ્મમાં આઠ ગીતો હતા. ‘થિરુડા થિરુડા’ માટે રહેમાનને ફરીથી શ્રેષ્ઠ સંગીત માટે રાષ્ટ્રીય પુરસ્કાર માટેનું નામાંકન મળ્યું, પરંતુ એવોર્ડ ન મળ્યો.

ફિલ્મનું “રાસાથી” ગીત આજે પણ તામિળ જનતા માટે એક અતિ પ્રસિદ્ધ ગીત ગણાય છેઃ એક અદ્ભૂત સંગીતમય ગીત!

1994માં જ ‘રોજા’ના નિર્માતા કે. બાલાચન્દરે એક નવી ફિલ્મ બનાવી ‘ડ્યુએટ’ (Duet). ‘ડ્યુએટ’ એક તામિળ રોમેન્ટિક સંગીતમય ફિલ્મ હતી જેનું નિર્દેશન અને દિગ્દર્શન બંને કે.બાલાચન્દરે કરેલા. આ ફિલ્મમાં પ્રભુ, રમેશ અરવિંદ, મીનાક્ષી શેષાદ્રી પ્રકાશ રાજની મહત્ત્વનીભૂમિકા હતી. (આ જ ફિલ્મ પ્રકાશ રાજની પહેલી તામિળ ફિલ્મ છે, જે ‘સિંઘમ’ ફિલ્મમાં વિલન જયકાંત શિક્રે બનેલા).

આ ફિલ્મ 1990 ની ફ્રેન્ચ ફિલ્મ Cyrano de Bergerac પરથી બનાવવામાં આવેલી. ફિલ્મમાં બે સંગીતકાર ભાઈઓ એક જ સ્ત્રીના પ્રેમમાં પડે છે. આ ફિલ્મનું સંગીત એ.આર. રહેમાન દ્વારા કંપોઝ કરવામાં આવેલું અને ગીતો ગીતકાર વૈરામુત્થુએ લખ્યા હતા. ફિલ્મમાં આઠ ગીતો, ત્રણ કવિતાઓ અને ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટલ ટુકડાઓ છે.

ફિલ્મમાં સેક્સોફોનનું સંગીત કાદરી ગોપાલનાથ અને રાજુ દ્વારા આપવામાં આવેલું અને આ ફિલ્મના સંગીત પછી જ કાદરી ગોપાલનાથ જાહેર ખ્યાતિ પામ્યા. આ ફિલ્મના એક ગીત માટે તેમણે રહેમાનને લગભગ 30 જેટલા રાગ વગાડી આપ્યા પરંતુ રહેમાનને સંતુષ્ટી ન થઈ. છેવટે તેમણે કલ્યાણ વાસંતમ સંભળાવ્યું અને રહેમાનને તે ગમ્યું. ફિલ્મના બીજા ગીતો રાગઆનંદભૈરવી અને માંડ રાગોમાં પણ સુયોજિત થયેલા છે.

હવે રહેમાન એક પ્રચલિત સંગીતકાર બની ગયેલો પરંતુ તેને બોલીવુડના તેડા આવ્યા નહોતા. આ દરમિયાન રહેમાનના લગ્નના મંડાણ થયા જેની વાત આવતાં અઠવાડિયે…

આજનો વિડીયોઃ

આજનો વિડીયો તે વખતનો છે જ્યારે રહેમાન ‘પુધિયા મુગમ’ ફિલ્મ માટે સ્ટુડિયોમાં સંગીત તૈયાર કરતો. વિડીયોના લગભગ પહેલી 4 મિનિટ પછી ગાયિકા સુજાથા સાથે ગીતોનું કઈ રીતે સુગમ સંગીત રચાય છે તેનો આ દુર્લભ વિડીયો છે.

दिल से रहेमान સિરીઝ ભાગ: 1 | 2 | 3 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here